હાઈવે ઉપર મીની ફલાય ઓવર બ્રિજ તૈયાર થશે : નીચે ટુ વે અંડરપાસ પસાર થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વાપીમાં ચારે મોરચે વિકાસ કામોની રફતાર તેજ ગતિમાં ચાલી રહી છે. આ શ્રૃંગલામાં હાઈવે ઉપર છરવાડા ક્રોસિંગની કામગીરી પણ હાલ યુધ્ધના ધોરણે કાર્યરતછે.
છરવાડા ગામ સહિત ગુંજન જી.આઈ.ડી.સી. ટાઉનશીપ તેમજ ગોકુલ વિહાર આસપાસના લોકો માટે અતિ ઉપયોગી બને તેવી હાઈવે છરવાડા ક્રોસિંગની યોજના હાલમાં સાકાર થઈ રહી છે. અત્યારે વાપી ટાઉનમાં જવા માટે માત્ર બે વિકલ્પ છે. પેપીલોન ચોકડી અથવા બલીઠા પુલથી જઈ શકાય છે. પરંતુ આ વિટંબણાનો ટૂંકમાં અંત આવનાર છે. છરવાડા અંડરપાસ ટુ વે ક્રોસિંગ બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે તે માટે બન્ને તરફના હાઈવેને ડાયવર્ટ કરી વન વે કરી દેવાયો છે તેથી ટ્રાફિક સમસ્યા ઉભી ના થાય. અલબત્ત રોડ સંકડામણ સર્જાતા દિવસભર વાહનોની કતારો હાલમાં લાગી રહી છે. ટ્રાફિકની ટ્રેઝેડી પણ સર્જાઈ ચુકેલી છે. હાઈવે ઉપર બન્ને તરફ યુ.પી.એલ. સુધી ટ્રાફિક જામના દૃશ્યો આમ બની રહ્યા છે. પરંતુ હાઈવેને બ્લોક એટલા માટે કરાયો છે કે છરવાડા ક્રોસિંગ માટે મીની હાઈવે પુલ બનાવાઈ રહ્યો છે. હાઈવે ઉપર પસાર થશે અને નીચેથી છરવાડા રોડ ક્રોસિંગ ટુ વે પસાર થશે. આ પ્રોજેક્ટ પુર્ણ થતા જ વાપી પહોંચવાના ચાર ચાર વિકલ્પો મળશે અને ટ્રાફિકથી નિજાત મળશે.