ઘણાં લાંબા સમયથી રસ્તા ઉપર ઠેકઠેકાણે ખોદવામાં આવેલા ખાડાઓ પણ નહીં પુરાતાં કોઈ જાનહાની થઈ તો જવાબદાર કોણ?
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલીના સાયલી ગામમાં હાલમાં પણ રસ્તાનું કામ અધુરૂ હોવાને કારણે સ્થાનિકો તેમજ ઈન્ડસ્ટ્રીઝમાં આવતા-જતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હતો, જેના કારણેસેલવાસથી સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી રસ્તાનું સંપૂર્ણ કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું, પરંતુ સાયલી સ્ટેડીયમથી આગળના ભાગે રસ્તાની હાલત ખુબ જ ખખડધજ અને દયનીય છે. આ રસ્તા ઉપર ઠેકઠેકાણે ખાડાઓ ખોદવામાં આવેલા છે જેને પણ આજદિન સુધી પુરવામાં આવ્યા નથી, કાચા રસ્તાને કારણે સંપૂર્ણ રસ્તો ધૂળવાળો છે જેના કારણે રાહદારીઓ અને બાઈક સવારોને ભારે પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે. સાયલી ગામમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં આવતા નાના મોટા વાહનોને પણ અવર-જવર માટે પરશાની ભોગવવા પડી રહી છે. હાલમાં વરસાદનો માહોલ પણ ઉભો થયો છે ત્યારે જે વરસાદ ખાબકશે તો સમગ્ર રસ્તો ભીનો બની જતાં ચિકણો કાદવ-કિચ્ચડવાળો બનશે તો આ રસ્તા ઉપર અવર-જવર કરવી આસાન નહીં રહેશે. તેથી જિલ્લા શાસન દ્વારા અધૂરા રાખવામાં આવેલા રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને લોકોને ભોગવવા પડતી હાડમારીથી મુક્ત કરવામાં આવે.