પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સેલવાસ મુલાકાતને અદ્ભૂત અને યાદગાર બનાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશના આગેવાનો સાથે કરેલું વિચાર-મંથન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું માર્ચની 3 તારીખ પછીના સપ્તાહમાં સેલવાસમાં થનારૂં આગમનઃ 1300 બેડની નિર્માણ પામનારી નમો મેડિકલ હોસ્પિટલના 450 બેડના પ્રથમ ચરણનું પ્રત્યક્ષ ઉદ્ઘાટન અને બીજા ફેઝનું ભૂમિ પૂજન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાના નવા ભારતના નિર્માણ માટે પ્રદેશ પ્રત્યે દાખવેલી કૃપાદૃષ્ટિ અને ઉદારતાના સન્માન માટે પ્રદેશના પ્રત્યેક ઘરથી લોકોને સભા સ્થળે લાવવા ઉપસ્થિત આગેવાનોએ સ્વયંભૂ બતાવેલી તત્પરતાઃ બે લાખની જનમેદનીનો રખાયો લક્ષ્યાંક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૂચિત સેલવાસ મુલાકાતની તૈયારીના સંદર્ભમાં આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસ-ડોકમરડીની એ.પી.જે. અબ્દુલ કલામ, કોલેજ ઓડિટોરિયમ ખાતે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, પૂર્વ સાંસદો, રાજકીય આગેવાનો, ઉદ્યોગ ગૃહોનાપ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિથી છેલ્લા સાડા આઠ વર્ષ દરમિયાન પ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હાલમાં પ્રદેશની દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે અથવા પૂર્ણ થયા છે. લગભગ 13 હજાર કરોડના કામો ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિથી થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, વિકાસનું ક્યારેય પૂર્ણવિરામ નથી હોતું, અલ્પવિરામ જ હોય છે. પરંતુ લગભગ દરેક કામો અપેક્ષા કરતા વધુ સારી રીતે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે પણ હવે શું માંગવું એ પ્રશ્ન રહેવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર વરસાવેલી કૃપાને નજર સમક્ષ રાખી જ્યારે તેમનું પ્રદેશમાં આગમન થઈ રહ્યું છે ત્યારે તેમના સન્માનમાં અદ્ભૂત કાર્યક્રમ બનાવવો જોઈએ.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક વર્ષ પછી સેલવાસની સૂરત અને સિકલ બદલાઈ જવાની છે. તમે સ્વયં મહેસૂસ કરશો કે કોઈ સમૃદ્ધ વિદેશના શહેરમાં ફરી રહ્યા છો એવી લાગણી થશે એવોસંપૂર્ણ વિશ્વાસ પ્રગટ કર્યો હતો.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, તેઓ 1300 બેડની નિર્માણ પામનારી નમો હોસ્પિટલનું ફિઝિકલી નિરીક્ષણ કરશે અને 450 બેડની હોસ્પિટલના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન પણ કરશે અને બીજા ફેઝનું ભૂમિ પૂજન કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલ સમગ્ર પ્રદેશ માટે અદ્ભૂત અને એક નજરાણું બનવાની છે. જેમાં ગરીબોની વિશેષ ચિંતા કરવામાં આવી છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના તમામ જિલ્લાઓની સરકારી ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં સેલવાસની નમો હોસ્પિટલ સેન્ટ્રલી એ.સી. સાથેની પ્રથમ હોસ્પિટલ બનવાનું બહુમાન પણ મેળવશે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાનું નવું ભારત છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રસ્તાઓનું નિર્માણ કાર્ય પણ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે મહારાષ્ટ્ર બોર્ડર બેડપાથી ખાનવેલ સુધી બનેલા રોડ ઉપર એક લટાર લગાવી આવવા પણ ઉપસ્થિત લોકોને આહ્વાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, આવતા 25 વર્ષ સુધી આ રસ્તાઓને કંઇ નહીં થાય તે પ્રકારની ગુણવત્તા સાથે બન્યા છે અને રસ્તાઓ સેલવાસની ધોરી નસ છે.શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નવા ભારતની કલ્પનાને મૂર્તિમંત કરવા માટે ખાનવેલમાં પણ રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રિવરફ્રન્ટમાં ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા ઉભી થાય તે પ્રકારના પ્રયાસો પ્રશાસનના હોવાની પણ જાણકારી આપી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંઘપ્રદેશનો વિકાસ ફક્ત ભૌતિક રીતે જ નથી થયો, પરંતુ વૈચારિક વિકાસ પણ થયો છે. તેમણે વિશ્વાસ પ્રગટ કર્યો હતો કે, આવનારી પેઢીને ક્યારેય લાચારીનો સામનો કરવાનો વારો નહીં આવે તેની ચિંતા પ્રશાસને કરી છે. તેમણે જણાવ્યું હતું કે, દરેકના સહિયારા પ્રયાસથી ઉત્તમ પ્રદેશ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માર્ચના પ્રથમ સપ્તાહમાં તા.3 થી લઈ 10મી માર્ચ સુધી આવી શકે એવી સંભાવના પ્રગટ કરી હતી.
પ્રારંભમાં સેલવાસ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ અને આગેવાન ઉદ્યોગપતિ શ્રી અજીત યાદવે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતને સફળ બનાવવામાં ઉદ્યોગ જગતનો સંપૂર્ણ સાથ અને સહકાર રહેશે.
સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી રજની શેટ્ટીએ તાજેતરમાં નેહરૂ યુવા કેન્દ્રના માધ્યમથી કર્ણાટકના આવેલા યુવાનોએ પ્રદેશની કરેલી ભરપેટતારીફનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, અન્ય પ્રદેશના લોકો જ્યારે દાદરા નગર હવેલીના વિકાસની પ્રશંસા કરે ત્યારે આપણાં દરેકનું હૈયું આનંદથી ઉભરાઈ જતું હોવાની લાગણી પ્રગટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે સપના જોયા છે તે પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદથી પુરા થયા છે ત્યારે તેમની મુલાકાતને ખુબ જ ઐતિહાસિક બનાવવા તમામ સહયોગ આપવા પોતાની પ્રતિબધ્ધતા પ્રગટ કરી હતી.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડાએ પણ પ્રાસંગિક ઉદ્બોધનમાં સંપૂર્ણ સહયોગ સાથે પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતને યાદગાર બનાવવા સંપૂર્ણ પ્રયાસ કરવાની ખાત્રી આપી હતી.
પ્રારંભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રીશ્રીની સેલવાસ મુલાકાતને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે ઉપસ્થિત લોકો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા અને જનમેદનીને ઉપસ્થિત રાખવા લક્ષ્યાંક પણ નિર્ધારિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ અને શ્રી સીતારામ ગવળી, દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, દાદરા નગર હવેલી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શ્રી વિરલ શાહ, સેલવાસના વરિષ્ઠ નેતા શ્રી ફત્તેહસિંહ ચૌહાણ સહિત મોટીસંખ્યામાં આમંત્રિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.