પકડાયેલા જુગારીઓ પાસેથી મળી આવેલ રૂા.1,17,790 રોકડા, 8 મોબાઈલ જેની મૂળ કિંમત રૂા.2,20,790નો મુદ્દામાલ જપ્ત કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના દાદરા ગામથી એક ઘરના રુમમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ પોલીસે પાડતા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાનહ પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે દાદરા ગામે રામ મંદિર પરિસર ખાતે ગેરકાયદેસર જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે, તેના આધારે ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. શ્રી હરેશસિંહ રાઠોડ, એસ.એચ.ઓ. શ્રી અનિલ ટી.કે.એ ટીમ સાથે વાસુદેવ મિશ્રાની ચાલના રૂમ નંબર-2માં રેડ પાડી હતી, જ્યાં છ વ્યક્તિઓ (1)ગૌરવ વાસુદેવ મિશ્રા-રહેવાસી હોટલ એક્સિલન્સની સામે (2)ધનંજય હીરાલાલ યાદવ- રહેવાસી સૌભાગ્ય ઈન હોટલની સામે આમલી (3)માનવેન્દ્રસિંહ પ્રેમસિંહ – રહેવાસી કૈલાશભાઈની ચાલ, અંબિકા પાર્ક, લવાછા (4)મનજીત હરેન્દ્ર યાદવ-રહેવાસી બાબુભાઈની ચાલ, હોટલ એક્સિલન્સીની સામે દાદરા (5)બકુ ઉર્ફે બકરસાબિત શાહ- રહેવાસી રાજુભાઈની ચાલ, ડુંગરા કોલોની અને (6)પ્રમોદ રામાનંદ શર્મા- રહેવાસી ગૌરવ મિશ્રાની ચાલ, દાદરા. જેઓ 52 કાર્ડ ડેક સાથે તીન પત્તી રમતા જોવા મળ્યા હતા. જેઓ પાસેથી રૂા.1,17,790 રોકડા, 8 મોબાઈલ જેની મુળ કિંમત રૂા.2,20,790નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે પકડાયેલ જુગારીઓ પાસે જુગાર રમવાનું લાયસન્સ માંગતા મળી આવેલ નહિ, દાનહ પોલીસે આરોપીઓ વિરુદ્ધ અન્ડર સેક્સન 4, 5, 7 ઓફ ધ બોમ્બે પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જુગારમાં અન્ય કોઈ સામેલ હોય તો તેઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.