Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિ.પં.ના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત વાર્ષિક રમતોત્‍સવ સંપન્નઃ દમણ જિલ્લાના ત્રણેય સંકુલ પૈકી વરકુંડ સંકુલ ચેમ્‍પિયન

દમણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્‍ય સદાનંદભાઈ મીટના, ભીમપોરના સરપંચ શાંતુભાઈ પટેલ, કડૈયાના સરપંચ શંકરભાઈ પટેલ, સહાયક શિક્ષણ નિયામક અરવિંદભાઈ પટેલ અને બી. આર.સી.સી. ભાવિનીબેન દેસાઈએ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને રમતગમત પ્રત્‍યે આપેલું પ્રોત્‍સાહન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની સીધી દેખરેખમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત દમણની જિલ્લા પંચાયત સંચાલિત તમામ પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓના વિવિધ કોમ્‍પ્‍લેક્ષના રમતોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર રમતોત્‍સવ જિલ્લા પંચાયતના સહાયક શિક્ષણ નિયામક શ્રી અરવિંદભાઈ પટેલ અને જિલ્લારમતોત્‍સવના વડા (કન્‍વીનર) શ્રી વિરેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા નિર્દેશ હેઠળ યોજાયો હતો.
જેમાં તારીખ 06 અને 07 ફેબ્રુઆરીએ મોટી દમણ કોમ્‍પલેક્ષ ખાતે, 07 અને 08 ફેબ્રુઆરીએ વરકુંડ કોમ્‍પલેક્ષ ખાતે અને 09-10 ફેબ્રુઆરીએ ભીમપોર કોમ્‍પલેક્ષ ખાતે આંતરશાળા રમતગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વિવિધ કોમ્‍પ્‍લેક્ષ કક્ષાની રમતોમાં 2500 કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પછી, 13મી ફેબ્રુઆરીના રોજ તમામ કોમ્‍પલેક્ષમાં વિજેતા થયેલા 321 વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની રમતગમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાંથી 196 ખેલાડીઓ વિવિધ ઈવેન્‍ટમાં વિજેતા થયા હતા. આ રમતોત્‍સવનો પ્રારંભ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલના કરકમલો દ્વારા રમત ધ્‍વજ ફરકાવીને કરવામાં આવ્‍યો હતો. આ સાથે રમતોત્‍સવની મશાલ પ્રગટાવી આગેવાન ખેલાડીઓ દ્વારા સમગ્ર મેદાનની ફરતે મશાલ દોડાવવામાં આવી હતી અને ત્રિરંગી ફુગ્‍ગા ખુલ્લા આકાશમાં છોડવામાં આવ્‍યા હતા.
આ અવસરે દમણ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્‍યક્ષા શ્રીમતી મૈત્રીબેન પટેલે રમતોત્‍સવને વિદ્યાર્થીઓ માટે ખુલ્લો જાહેર કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરતાં તેમના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે આપણા જીવનમાં અભ્‍યાસનું ખૂબ મહત્‍વ છે,પરંતુ આપણી શારીરિક તંદુરસ્‍તી માટે રમતગમત પણ ખૂબ જ જરૂરી છે. કેટલાક બાળકો એવા હોય છે જેમને અભ્‍યાસ કરતાં રમતગમતમાં વધુ રસ હોય છે, આવા બાળકોને રમતગમતમાં પોતાનું કૌશલ્‍ય બતાવીને પ્રગતિ કરવાની સુવર્ણ તક મળે છે.
આ પ્રસંગે દમણ જિલ્લા રમતોત્‍સવના હેડ શ્રી વિરેન્‍દ્રભાઈ પટેલે રમતોત્‍સવનું વિસ્‍તૃત વર્ણન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને રમત દ્વારા જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. બી.આર.સી.સી. શ્રીમતી ભાવિની બેને આ જિલ્લા રમતોત્‍સવના સુંદર આયોજનની સરાહના કરી હતી અને તમામ ખેલાડીઓને રમતગમતનું મહત્‍વ સમજાવ્‍યું હતું.
આ રમતોત્‍સવમાં પ્રાથમિક વિભાગના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે બતક ચાલ, કઠોળ વર્ગીકરણ સ્‍પર્ધા, 50 મીટર દોડ, ત્રિપગી દોડ, બટાકા દોડ, કોથળા દોડ, દોરી દોડ, 100 મીટર દોડ, 4ડ50 મીટર રીલે, ખો ખો, લંગડી અને ઉચ્‍ચ પ્રાથમિક વિભાગના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ખોખો, વોલીબોલ થ્રો, બેડું બેલેન્‍સ, 200 મીટર દોડ, ગોળા ફેંક, કબડ્ડી, દોરડા ખેંચ વગેરે સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
તમામ રમત સ્‍પર્ધાઓમાં ખેલાડીઓએ ભારે ઉત્‍સાહ સાથે ભાગ લીધો હતો અને અભ્‍યાસની સાથે સાથે રમતગમતની સ્‍પર્ધાઓમાં પણ પોતાની પ્રતિભા બતાવી હતી. સમગ્ર રમતોત્‍સવને તમામ વિદ્યાર્થીઓએ ખૂબજ આનંદ અને ઉત્‍સાહપૂર્વક માણ્‍યો હતો. તમામ વિદ્યાર્થીઓએ રમતોત્‍સવને સ્‍પર્ધા તરીકે નહીં પરંતુ એક ઉત્‍સવ તરીકે સહકાર અને ખેલદિલીની ભાવના સાથે ઉજવ્‍યો હતો. તમામ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા ખેલાડીઓને મેડલ અને અભિનંદન આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા અને ભવિષ્‍યમાં પણ શાળા, સંકુલ, પ્રદેશ અને ભારત દેશનું ગૌરવ વધે તેવા આશીર્વાદ આપ્‍યા હતા.
દમણ જિલ્લાના ત્રણેય સંકુલ પૈકી વરકુંડ સંકુલ ચેમ્‍પિયન બન્‍યું હતું. જેમને બેસ્‍ટ કોમ્‍પ્‍લેક્ષ ચેમ્‍પિયન ટ્રોફીથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
સમગ્ર રમતગમત સ્‍પધાનું સંચાલન જિલ્લા રમતોત્‍સવના સમિતિના સભ્‍યો શ્રી કિરીટભાઈ, શ્રી સુભાષભાઈ પટેલ અને શ્રી દીપકભાઈ ચોનકર દ્વારા કરાયું હતું. સ્‍ટેજ ઓપરેશનની જવાબદારી શ્રી કીર્તિભાઈ મીટના અને શ્રી દીપકભાઈએ લીધી હતી.
જિલ્લા રમતોત્‍સવના વડા શ્રી વિરેન્‍દ્રભાઈ પટેલે આ રમતોત્‍સવના આયોજન બદલ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનનો આભાર વ્‍યક્‍ત કર્યો તેમજ શિક્ષણ વિભાગ દમણ, જિલ્લા પંચાયત દમણ અને ભીમપોર પંચાયતનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તેમજ આ રમતોત્‍સવમાં ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવા બદલ તમામ મહેમાનોનો વિશેષ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તેમજ તમામ કોમ્‍પલેક્ષના ખેલાડીઓ, શિક્ષકો અનેપીટી શિક્ષકોનો આભાર માન્‍યો હતો.
અંતે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલના હસ્‍તે રમતગમતનો ધ્‍વજ સંપૂર્ણ સન્‍માન સાથે નીચે ઉતારવામાં આવ્‍યો હતો. તેમજ આ રીતે દર વર્ષે શિક્ષણ વિભાગ જિલ્લા પંચાયત દ્વારા રમતોત્‍સવનું આયોજન ચાલુ રહેશે તેવી આશા સાથે રાષ્ટ્રગાન ગાઈને રમતોત્‍સવનું સમાપન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ હાઈવે ઉપર કલ્‍પનાતીત વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન 2024-‘25ના વર્ષમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વર્ગની મહિલાઓને 2000 ગીર ગાયોનો લાભ આપશે

vartmanpravah

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી, દમણ (દિંડોરી પ્રણિત) દ્વારા નાની દમણ ખારીવાડ ઝરીમરી માતાના મંદિરમાં એક દિવસીય બાળ સંસ્‍કાર શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુર તાલુકાની ચાર વાંચન કુટિરોમાં 15 મી ઓગસ્‍ટે પુસ્‍તક પ્રદર્શન અને ચિત્ર સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

વાપીના સી.એ. વિરૂધ્‍ધ વધુ એક કારનામાની પોલીસ ફરિયાદ જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.માં નોંધાઈ

vartmanpravah

વલસાડ – કાંપરી રેલવેફાટક 29મી નવે.થી 05 ડિસે. 2021 સુધી સરકારના પગલે બંધ

vartmanpravah

Leave a Comment