દમણના ક્રિકેટર ડાબોડી સ્પિનર સરલ પ્રજાપતિએ પ્રથમ દાવમાં 1 અને બીજા દાવમાં ઘાતક બોલિંગ કરતા 07 વિકેટ ઝડપી ગુજરાતની ટીમને વિજય અપાવવા ભજવેલી મહત્ત્વની ભૂમિકા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 11મી ફેબ્રુઆરીથી ગુજરાત અને જમ્મુકાશ્મીર વચ્ચેની 04 દિવસીય અંડર 23 કર્નલ સીકે નાયડુ ટ્રોફીની મેચ ચાલી રહી હતી, જેમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને પ્રથમ બેટિંગ કરતા29 ઓવરમાં 10 વિકેટ પર 104 રન બનાવ્યા હતા. ત્યારે જમ્મુ અને કાશ્મીરની ટીમ પ્રથમ દાવમાં 30.1 ઓવરમાં 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ગુજરાતના ગોલંદાજ યુવરાજ ઝાલાએ 06 વિકેટ ઝડપી હતી. ગુજરાતને તેના પ્રથમ દાવમાં 04 રનની લીડ મળી હતી જ્યારે બીજા દાવમાં તમામ ખેલાડીઓ 87.3 ઓવરમાં 335 રન બનાવીને આઉટ થયા હતા જેમાં ઋષિ પટેલે 177 બોલમાં 123 રન બનાવ્યા હતા. જવાબમાં જમ્મુકાશ્મીરની ટીમ તેની બીજી ઇનિંગમાં 340 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં 54.3 ઓવરમાં 149 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ગુજરાત તરફથી રમતા દમણના ક્રિકેટર સરલ પ્રજાપતિએ ઘાતક બોલિંગ કરતા પ્રથમ ઇનિંગમાં એક વિકેટ અને બીજી ઈનિંગમાં 20.3 ઓવરમાં 54 રનમાં 07 મહત્વની વિકેટો લીધી અને ગુજરાતની ટીમને જીત અપાવવામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું.
સરલના પ્રજાપતિના પ્રદર્શનથી ખુશી વ્યક્ત કરતા તેમના ક્રિકેટ કોચ ભગુ પટેલે જણાવ્યું હતું કે સરલ ડાબોડી સ્પિન બોલર છે, એક સારો ઓલરાઉન્ડર ખેલાડી છે જે પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે રમવું તે ખુબ સારી રીતે જાણે છે અને જ્યારે તે મેચમાં પ્રદર્શન કરે છે ત્યારે મને તેના પર ગર્વ થાય છે.