સમિતિની રચના કરી સંબંધિત વિભાગોને રજૂઆત કર્યા બાદ કાયદાના એક્સપર્ટ અને જાણકારોની મદદ અને માર્ગદર્શન મેળવી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી ન્યાયિક લડત ચલાવવાની કરેલી ચર્ચા વિચારણા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: સરીગામ સીઇટીપીની નવી અને 6 કિલોમીટર અંદરબિછાવામાં આવી રહેલી પાઇપલાઇનના કારણે કાંઠા વિસ્તારની પ્રજામાં આજીવીકા છિનવાવાનો ભયંકર ભય સતાવી રહેલો છે. આજીવિકા સાથે પ્રદૂષણ વધતા કાઠા વિસ્તારની સુખ-શાંતિ ઉપર પણ ખતરો દેખાતા તડગામ ગ્રામ પંચાયતનુ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે આજરોજ તડગામ માંગેલવાડ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેનારા આમંત્રિત અધિકારીઓ અને પદ અધિકારીઓ ગ્રામજનોને પાઇપલાઇનની ચાલતી કામગીરી વિશે માહિતગાર કરી ગ્રામજનોને ભયમુક્ત કરે એવી અપેક્ષા રાખવામાં આવી હતી. પરંતુ આ બેઠકમાં કોઈપણ જવાબદાર વિભાગના અધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર ન રહ્યા હતા. પરંતુ ગ્રામજનોએ અને આગેવાનોએ દરિયા કિનારા બચાવ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદાના પરિદમાં રહી તબક્કાવાર આગળ વધી ન્યાય માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સુધી દાદ માંગવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ન્યાયીક લડત માટે રચનારી સમિતિમાં આજુબાજુના ગામડાઓના સ્વયં રીતે જોડાવા આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદૂષણની ગંભીરતા સમજતા કાયદાના જાણકારો તેમજ સંબંધિત કચેરીઓમાં રજૂઆતો કરવા સુધીનીપ્રક્રિયામાં મદદરૂપ થવા માટે સરીગામ તેમજ આજુબાજુના વિસ્તારથી ઉપસ્થિત રહેલા પર્યાવરણ રક્ષકોએ આ સમિતિ સાથે જોડાઈને પૂરેપૂરો ન્યાય મળે ત્યાં સુધી યોગ્ય માર્ગદર્શન અને પૂરેપૂરો સહયોગ આપવાની બાહેંધરી આપવામાં આવી હતી.