સુપોષણ સંવાદમાં સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી કાળજી અંગે સમજ અપાઈ
પોષણ માસની થીમ આધારિત કિશોરી જાગૃતિ કાર્યક્રમ અન્વયે વક્તૃત્વ સ્પર્ધામાં 21586 કિશોરીએ ભાગ લીધો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પોષણ અભિયાન અંતર્ગત સગર્ભાસ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને છ વર્ષથી ઓછી ઉંમરમાં બાળકોમાં પોષણના પરિણામોની સર્વગ્રાહી રીતે સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોષણ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સપ્ટેમ્બર માસના પ્રથમ મંગળવારના દિને સુપોષણ સંવાદ દિવસની ઉજવણી કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1916 આંગણવાડી કેન્દ્રમાં સુપોષણ સંવાદની ઉજવણી તેમજ સગર્ભામાતાની સૌપ્રથમ નોંધણી કરાવવી અને તેમને પુરક આહાર માતૃશક્તિનો ઉપયોગ, નિયમિત રસીકરણ, સલામત ડીલીવરી, 6 માસ માત્ર માતાનું ધાવણ જ બાળકને આપવું, તેમજ સગર્ભાવસ્થા દરમિયાન રાખવામાં આવતી કાળજી વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર, તેડાગર, ગ્રામજનો, લાભાર્થીઓ, લાભાર્થીના પરિવારજનો ઉત્સાહભેર હાજરી આપી હતી. જિલ્લામાં ગણેશ ઉત્સવ દરમ્યાન પંડાલમાં લાભાર્થીઓને ટીએચઆરના લાભોથી કાર્યકરો દ્વારા અવગત કરવામાં આવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં પોષણ માસની થીમ આધારિત કિશોરી જાગૃતિ કાર્યક્રમ અન્વયે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાની કિશોરીઓએ ભાગ લીધો હતો. દીકરીઓ-જાતિગત ભેદભાવ, પોષણ, શિક્ષણ, યોજનાઓ, આત્મનિર્ભરતા, જીવન કૌશલ્ય, સર્વાંગી વિકાસ, નેતૃત્વ વિષયક સ્પર્ધા કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં 15 થી 18 વર્ષની 23621 નોંધાયેલી કિશોરીઓ પૈકી 21586 કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024-25ના સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત ભારત સરકાર દ્વારા એનેમિયા, વૃધ્ધિ દેખરેખ, પૂરક પોષણ, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમસેવા પહોંચાડવા માટે ટેકનોલોજી, સર્વગ્રાહી પોષણ-પોષણ સાથે જોડાયેલા તમામ આવશ્યક તત્વોને આવરી લેવામાં આવ્યા છે.