(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: દાદરા નગર હવેલીના દાદરા ગામે માધવ રેસીડન્સીમાં રહેતા 10 વર્ષનો બાળક ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવી હતી. જેના અંતર્ગત સેલવાસ પોલીસ સ્ટેશનમા બીએનએસ 2023ની ધારા 137(2)મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બાળકને શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળક મળેલ નહિ, ત્યારબાદ વધુ તપાસ કરતા એમના સગાવાળાઓ અને મિત્રોને પણ પૂછપરછ કરવામાં આવી સાથે વાપી સેલવાસ રોડ પર લગાવવામાં આવેલ પ્રાઈવેટ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી જેમાં છોકરો વાપી તરફ પગપાળા જઈ રહ્યો હોવાનું દેખાઈ આવ્યું હતું. પોલીસ ટીમે ખોવાઈ ગયેલ છોકરાનો ફોટો બતાવી અલગ અલગ જગ્યા પર પૂછપરછ કરવામાં આવેલ જેમાં ખાતરી થયેલ કે છોકરો વાપીતરફ જ જઈ રહ્યો છે. ત્યારબાદ પોલીસે વાપી રિક્ષા સ્ટેન્ડ અને વાપી રેલવે સ્ટેશન પહોંચી તપાસ કરતા છોકરો મળી આવ્યો હતો. આ રીતે દાનહ પોલીસે 24 કલાકમાં જ છોકરાને શોધી એના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.
