(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: થાલા ગામે ગત રાત્રે હત્યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનો પરિવારજનોનો ઈન્કાર. જોકેપાલનપુરથી બે જેટલા આરોપીઓને ડબોચી લેવાયા છે. પરંતુ તેઓને ચીખલી હાજર કરાયા બાદ જ પરિવાર લાશ સ્વીકારશે તેવી સ્થિતિ ઉભી થવા પામી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી વિગત મુજબ સોમવારના રોજ રાત્રે આઠેક વાગ્યેના અરસામાં થાલા ગામની સીમમાં કોલેજ સર્કલથી આલીપોર ડેરીરોડ નહેર પાસે એક્ટિવા મોપેડ નં-જીજે-22-બીકે-4238 ઉપર ઘરે જઈ રહેલા વિનલ છીબુભાઈ પટેલ (ઉ.વ-40) (રહે.થાલા શિવેચ્છા સોસાયટી તા.ચીખલી) ને હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.જીજે-21-બીએમ-6678 તથા અન્ય એક મોટર સાયકલ પર આવેલ ત્રણ જેટલા વ્યક્તિઓએ હોકી, લોખંડનો પાઈપ તેમજ કોઈક લોખંડના સાધનથી માર મારી ગંભીર ઈજા પહોંચાડી અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા. વિનલ પટેલને લોહી લુહાણ હાલતમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કરતા રાત્રી દરમ્યાન હોસ્પિટલ કેમ્પસમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. બીજી તરફ એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ધસી આવ્યા હતા.
બનાવ અંગે મરનારના ભાઈ મીનેશ છીબુભાઈ કો.પટેલ (રહે.શિવેચ્છા સોસાયટી થાલા તા.ચીખલી) ની ફરિયાદમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓની ઓળખ કરી વશિષ્ટ હસમુખ મણિલાલ કો.પટેલ (ઉ.વ-24) (રહે.ખૂંધ પોકડાતા.ચીખલી) તથા રાહુલ પાંચાભાઈ દાનાભાઈ રબારી (ઉ.વ-21) (રહે.હાલ ખુડવેલ ચોકડી તા.ચીખલી) (મૂળ રહે.કડવા તા.કાંકરેજ જી.બનાસકાંઠા) એમ બે ને પાલનપુરથી ઝડપી લીધા હતા. જ્યારે જીગ્નેશ જીવણભાઈ પરમાર (રહે.આઝાડન નગર ખૂંધ તા.ચીખલી) ની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.
હત્યાનો ભોગ બનનાર યુવાનના પરિવારજનો દ્વારા આરોપીઓની ધરપકડ કરીને ચીખલી ન લવાઈ ત્યાં સુધી લાશ સ્વીકારવાનો નનૈયો ભણી દેતા લાશને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવી હતી. બીજી તરફ પોલીસ અધિકારીઓ દ્વારા પરિવારજનોને સમજાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. જોકે બે આરોપીઓ ઝડપાઈ ચુકયા છે. ત્યારે તેઓને ચીખલી હાજર કરાયા બાદ જ પરિવારજનો લાશ સ્વીકાર કરશે તેમ લાગી રહ્યું હતું.
ચીખલી નજીકના મૂળ ખૂંધ-પોકડાના અને હાલે થાલા ગામે રહેતા યુવાન વિનલ પટેલની હત્યાનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. હત્યા પાછળ અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. પરંતુ તે માટે ચોક્કસ કયું કારણ જવાબદાર છે તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.
મરનારના ભાઈ મીનેશભાઈ પટેલના જણાવ્યાનુસાર આરોપીઓને પકડીને ચીખલી ન લવાઈ ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાના નથી. પોલીસ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. તેવું કહે છે. પરંતુ હજુ ચીખલી લવાયાનથી. આરોપીઓ તો પ્યાદા છે. મુખ્ય સૂત્રધાર તો બીજું કોઈ છે. તેનું પણ નામ આવે અને એફઆઈઆરમાં તેનું નામ દાખલ થાય.