ધરમપુર અને કપરાડામાં ભાજપના બંને ઉમેદવારનો વોટ શેર ઘટયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં તા. 8 ડિસેમ્બર 2022ના રોજ જાહેર થયેલા પરિણામમાં વલસાડ જિલ્લાની પાંચ બેઠક પૈકી સૌથી વધુ 74.47 ટકા વોટ શેર પારડી બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી કનુભાઈ દેસાઈનો નોંધાયો છે. ગત 2017ની ચૂંટણીમાં પણ જિલ્લામાં સૌથી વધુ 64.23 ટકા વોટ શેર શ્રી કનુભાઈના જ હતા. ત્યારે આ ચૂંટણીમાં તેમના વોટશેરમાં 10.24 ટકાનો સીધો વધારો નોંધાયો છે.
વલસાડ બેઠક પર ભાજપના શ્રી ભરતભાઈ પટેલનો વર્ષ 2017ની ચૂંટણીમાં વોટ શેર 60.49 ટકા હતો જે વર્ષ 2022ના પરિણામમાં 12.43 ટકા વધીને 72.92 ટકા થયો છે. ધરમપુરમાં ભાજપના શ્રી અરવિંદ પટેલનો વર્ષ 2017માં વોટ શેર 53.53 ટકા હતો જે વર્ષ 2022માં 11.29 ઘટીને 42.24 ટકા થયો છે. ઉમરગામના ભાજપના શ્રી રમણલાલ પાટકરનો વર્ષ 2017માં વોટ શેર 60.87 ટકા હતો જે વર્ષ 2022માં 3.71 ટકા વધીને 64.58 ટકા થયો છે. જ્યારે કપરાડાના શ્રી જીતુભાઈ ચૌધરી વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાં હતા ત્યારે 170 મતની સરસાઈથી વિજય થયા હતા ત્યારે તેમનો વોટ શેર 47.59 ટકા હતો ત્યાર બાદમાં ભાજપમાં પ્રવેશ થતા વર્ષ 2020માં પેટા ચૂંટણી થતા શ્રી જીતુભાઈ પોતાના પ્રતિસ્પર્ધીથી 47066 મતે વિજય થતા તેમનો વોટ શેર 60.43 ટકા થયો હતો. વર્ષ 2022ની ચૂંટણીમાં તેમનો વોટ શેર 16.97 ટકા ઘટીને 43.46 ટકા નોંધાયો છે.
આમ જિલ્લાની પાંચ બેઠક પૈકી વલસાડ, પારડી અને ઉમરગામમાં ભાજપના ઉમેદવારોનો વોટ શેર વધ્યો છે. જ્યારે ધરમપુર અને કપરાડા બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ હોવાની સાથે સાથે વર્ષ 2022ની ચૂંટણીમાં ધરમપુરમાં આમ આદમી પાર્ટી,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારના કારણે મતોના ભાગલા પડતા અસર વર્તાઈ હતી. જ્યારે કપરાડામાં ભાજપના ઉમેદવારનો વોટ શેર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કારણે ઘટયો હતો.