ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ૯મી ફેબ્રુ.ઍ લોકાર્પણ કરવાના હતા પણ અચાનક તા.૧૨ ફેબ્રુ.ની જાહેરાત થતાં લોકો રોષે ભરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: ધરમપુર શહેરમાં અવર જવર માટે હાર્ટલાઈન ગણાતા સ્વર્ગવાહીની નદીનો નવિન પુલ બનાવવામાં આવ્યો છે. જેનુ આજે ગુરૂવારે લોકાર્પણ કરવાનો હતો પરંતુ અચાનક કાર્યક્રમમાં ફેરફાર આવ્યો. લોકાર્પણ તા.12 ફેબ્રુઆરીએ લંબાતા લોકોમાં ભારે રોષ વ્યાપી જતા સ્વયંભુ જ નારિયેળ ફોડી અગરબત્તિ સળગાવી પુલનું જાતે જ લોકાર્પણ કરી બિંદાસ્ત અવર જવર શરૂ કરી દીધી હતી.
ધરમપુરના સમડીચોકથી હાથીખાના વચ્ચે વહેલી સ્વર્ગવાહિની નદી ઉપર નવિન પુલ બનાવાયો છે. પુલની કામગીરી દોઢથી બે વર્ષ સુધી ચાલતી રહેલી તેથી લોકો મોટા ચકરાવા મારી ધરમપુરમાં અવર જવર કરતા હતા. અંતે પુલ તૈયાર થતા લોકોમાં આનંદ ફેલાયો હતો. લોકાર્પણની તા.09 ફેબ્રુઆરીની જાહેરાત સાથે લોકાર્પણ માટેના કાર્યક્રમ અંગે મંડપ વિગેરે પણ બંધાઈ ગયા હતા. ત્યાં જ બિલાડું આડે ઉતર્યું અને પુલ લોકાર્પણની તારીખ ફેરફાર કરાઈ. લોકાર્પણ તા.12 ફેબ્રુઆરીએ અચાનક ઠેલાઈ જતા લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવીને જનમેદની નવા પુલ ઉપર ઉમટી પડેલી અને નારિયેળ ફોડી અગરબત્તી કરી લોકોએજાતે જ પુલનું લોકાર્પણ કરી ખુલ્લો મુકી દીધો હતો. ભાજપના નેતાઓની નામ કમાવવાની હોડનો પ્રજાએ છેદ ઉડાવી જાતે જ પુલનું લોકાર્પણ કરી દીધું હતું.