Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની ડંકો વગાડ્યો, હાલ હૈદરાબાદ એરપોર્ટથી ઉડાવે છે ઈન્ટરનેશનલ ફલાઈટ

ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ અર્થે રૂ. ૧૫ લાખની લોન સહાયે આસમાનમાં ઉડવા પાંખો આપી

અમેરિકાના કેલિફોર્નિયામાં મિતાલી પટેલે પાયલોટની અને અબુધાબીમાં એરબસની ટ્રેનિંગ લીધી

વર્ષ ૨૦૧૯માં પ્રારંભિક પગાર મહિને રૂ. ૯૦ હજાર હતો, હાલ રૂ. દોઢ લાખનો પગાર મેળવે છે

આર્થિક કટોકટીમાં મુકાયેલા પરિવાર માટે સરકારની લોનની સહાય દીવાદાંડી સમાન સાબિત થઈ

૧૫ લાખની લોન માત્ર ૪ ટકા વ્યાજે અને તે પણ એક વર્ષ બાદ ૧૫ વર્ષના સરળ હપ્તેથી ભરવાની

પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીમાંથી માત્ર 1 મહિનામાં જ રૂ. 15 લાખની લોન મંજૂર થતા રાહત થઈ હતી

(આલેખનઃ જિજ્ઞેશ સોલંકી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.21: “જીવનમાં જેટલો કપરો સંઘર્ષ હશે, જીત પણ એટલી જ શાનદાર હશે” આ કહેવતને ખરા અર્થમાં વલસાડમાં રહેતા એક પિતા અને તેની દીકરીએ સાર્થક કરી બતાવી છે. તેમના આ સંઘર્ષમાં ગુજરાત સરકાર સતત તેમની પડખે રહી હતી. આદિવાસી સમાજના બાળકોના સપના આસમાનની બુલંદીઓ સુધી પહોંચે તે માટે ઉચ્ચ શિક્ષણ અર્થે વિદેશ જવા નજીવા દરે રાજ્ય સરકાર દ્વારા રૂ. 15 લાખ સુધીની લોનની સહાય આપવામાં આવે છે. આ લોનની સહાય ખુલ્લા આસમાનમાં ઉડવા માટે પાંખો મળી હોય એમ પૂરવાર થઈ. ભારે સંઘર્ષ અને અનેક નિરાશાઓને પછડાટ આપી વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની ડંકો વગાડ્યો છે. હાલ માત્ર નેશનલ જ નહીં પણ ઈન્ટરનેશનલ ફલાઈટ પણ ઉડાવી પોતાનું સપનુ તો સાકાર કર્યુ જ સાથે સમસ્ત આદિવાસી સમાજ અને વલસાડ જિલ્લાનું નામ પણ ગૌરવભેર રોશન કર્યું છે.

વલસાડ તાલુકાના રાબડા ગામના વતની અને હાલમાં શહેરના બેચર રોડ પર હાઈવે પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ ઠાકોરભાઈ પટેલ ગોરગામ ગામમાં બેંક ઓફ ઈન્ડિયામાં કેશિયર છે. સંતાન પેટે તેમને બે દીકરી મિતાલી અને દિવ્યા છે, જ્યારે પત્ની હેમલતાબેન ગૃહિણી છે. દીકરી મિતાલીએ વલસાડની સેન્ટ જોસેફ ઈ.ટી હાઈસ્કૂલમાંથી વર્ષ 2009માં ધો. 12 પાસ કર્યા બાદ કેરિયર માટે તેની પાસે ઘણા બધા વિકલ્પો હતા. મોટેભાગે બધા મેડિકલ કે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જાય પરંતુ મિતાલીના મનમાં કંઈક અલગ જ વિચાર ચાલતો હતો. તેણે માતા-પિતાને કહ્યું કે, મારે બધા કરતા કંઈક હટકે બનવું છે. જેથી પાઈલોટના અભ્યાસ માટે મુંબઈની વાટ પકડી હતી ત્યારબાદ વધુ અભ્યાસ માટે વિદેશ જવુ અને નોકરી મેળવવા સુધી લાખો રૂપિયાનો ખર્ચ થાય તેમ હતો. પરંતુ તેમ છતાં પિતા હિતેશભાઈ અને માતા હેમલતાબેન મનોબળ હાર્યા નહી અને દીકરીને ભણાવવા માટે જીવનભરની પૂંજી ખર્ચી નાંખી તેમ છતાં આર્થિક કટોકટી જણાઈ હતી. મનમાં તો નક્કી હતું જ કે, દીકરીને કોઈ પણ ભોગે પાયલોટ તો બનાવવી જ છે. પછી ભલેને મિત્રો પાસે હાથ લંબાવવા પડે. આ કશમકશ અને હતાશા ભરી સ્થિતિમાં તેમણે એક દિવસમાં વર્તમાન પત્રમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિવાસી બાળકો આગળ વધે તે માટે પાયલોટ યોજના હેઠળ રૂ. 15 લાખ સુધીની લોનની સહાય વિદેશ અભ્યાસઅર્થે માત્ર 4 ટકાના નજીવા વ્યાજના દરે મળે છે એવુ વાંચ્યું હતું. તેમાં સૌથી મોટી રાહત એ હતી કે, લોન લીધાને બીજા જ મહિનેથી નહીં પરંતુ 1 વર્ષ બાદ સરળ હપ્તેથી 15 વર્ષ સુધીમાં લોન ભરવાની હતી. જેથી પિતા હિતેશભાઈના હૈયે ટાઢક વળી કે, હવે મારી દીકરીનું પાયલોટ બનવાનું સપનુ ગુજરાત સરકારની મદદથી જરૂર સાકાર થશે. તુરંત જ વલસાડ જિલ્લા પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીમાં પહોંચી વિદેશ અભ્યાસ અર્થે લોનની સહાય માટે અરજી કરી અને માત્ર એક મહિનામાં જ લોન મંજૂર થતા રૂ. 15 લાખનો ચેક ગાંધીનગરથી મળતા મિતાલીની કારકિર્દીની શરૂઆત થઈ. નાનકડા વલસાડ ટાઉનથી સીધી અમેરિકાના કેલિફોર્નિયામાં પહોંચી કમર્શિયલ પાયલોટ લાઈસન્સ (સીપીએલ)ની ટ્રેનિંગ સવા વર્ષમાં પૂર્ણ કરી સ્વદેશ પરત ફરી હતી. અહીં વિદેશનું લાઈસન્સ કન્વર્ટ કરાવ્યા બાદ પાયલોટ માટેની નોકરી માટે પહેલા રેડિયો ટેલિફોનિક પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડે તેમ હોવાથી આ પરીક્ષા પાસ કર્યા બાદ એરબસની ટ્રેનિંગ માટે અબુધાબી જવુ પડ્યું હતું. જ્યાં બે માસની તાલીમ બાદ પરત ભારત આવી વિવિધ એર લાઈન્સમાં લેડી પાયલોટની ભરતી માટે ન્યૂઝ પેપરમાં જાહેરાતો વાંચી વર્ષ 2017માં ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. જેમાં ઈન્ડિંગો એરલાઈન્સમાં વર્ષ 2019માં ચેન્નાઈ એરપોર્ટ પર નોકરી મળી હતી. ત્યારે પ્રારંભિક પગાર રૂ. 90 હજાર હતો અને હાલમાં હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મિતાલી રૂ. 1.50 લાખના પગાર ધોરણે પાયલોટ તરીકે ઈન્ટરનેશનલ ફલાઈટ ઉડાવી રહી છે. આમ, ગુજરાત સરકારની સહાયથી મિતાલીનું આકાશમાં ઉડવાનું સપનુ સાકાર થયું સાથે આદિવાસી સમાજના અનેક દીકરા-દીકરીઓ માટે પ્રેરણારૂપ પણ બની છે.

આર્થિક કટોકટીના સમયે ગુજરાત સરકાર વ્હારે આવીઃ માતા પિતા

પિતા હિતેશભાઈ અને માતા હેમલતાબેને જણાવ્યું કે, દીકરીનું પાયલોટ બનવાનું સપનુ આસાન ન હતુ. સંઘર્ષ, ધીરજ, નસીબની બલિહારી અને સખત પુરૂષાર્થ ખૂબ જ જરૂરી છે. દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે અમારી આર્થિક કટોકટીના સમયે ગુજરાત સરકાર અમારી વ્હારે આવી અને રૂ. 15 લાખની લોનની સહાય મળી હતી. ઘણી વાર પૈસાની સમસ્યાના કારણે અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લઈ શકતા નથી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કરાયેલી આ મદદ દીકરી મિતાલીના સપનાને ઉડાન ભરવામાં ખરા અર્થમાં સાર્થક થઈ છે. મારી બીજી દીકરી દિવ્યા પણ બી.એસસી અને આઈટીના અભ્યાસ બાદ હાલ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ એરપોર્ટ પર એક્ઝિક્યુટીવ સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

ગુજરાત સરકારે મારા સપનાને ઉડવા માટે પાંખો આપીઃ પાયલોટ મિતાલી પટેલ

પાયલોટ મિતાલી પટેલે જણાવ્યું કે, પાયલોટ તરીકે નોકરી મેળવવામાં ઈન્ટવ્યુ સમયે વાણી, વર્તન અને વ્યવહાર ખૂબ જ મહત્વના છે. પાયલોટ એટલે માત્ર પ્લેન જ ચલાવવાનું નહીં પરંતુ મુસાફરોની સુરક્ષા અને સલામતી માટે કેપ્ટનશીપ પણ કરવી પડે છે. વલસાડથી લઈને અમેરિકા, અબુધાબી થઈ ચેન્નાઈ અને હૈદરાબાદ સુધીની સફરમાં મારા માતા-પિતા અને ખાસ કરીને ગુજરાત સરકારની મદદ થકી મારા સપનાને ઉડવા માટે પાંખો મળી. ગુજરાત સરકારની મદદ મારા જેવા અનેક યુવાઓને પોતાના સપના સાકાર કરવા માટે હિંમત અને આર્થિક રીતે પગભર થવા માટે બળ પુરૂ પાડે છે. જે બદલ હું અંતઃકરણપૂર્વક ગુજરાત સરકારનો આભાર માનુ છું.

Related posts

વાપીમાં પોલીસ પ્રશાસન એક્‍શન મોડમાં : આગ મામલે 15 ભંગારીયા વિરૂધ્‍ધ ફોજદારી ગુના નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન : અસંભવથી સંભવ, નમો મેડિકલ કોલેજનો આરંભ અને માંડ દોઢ વર્ષમાં 331 પોસ્‍ટો માટે નાણાં મંત્રાલયની મંજૂરી

vartmanpravah

સંઘપ્રદેશમાંથી કુપોષણની સમસ્‍યા દુર કરવા ભાજપ પ્રદેશ મહિલામોરચાનો સક્રિય પ્રયાસ: અથાલ ગામે કુપોષિત બાળકોને ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરાયુ

vartmanpravah

કચીગામમાં એકતા દિવસના ઉપલક્ષમાં ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

ભાજપની વિચારધારા અને પ્રધાનમંત્રી મોદીની વિકાસલક્ષી રાજનીતિની જીત : દમણ જિ.પં. પ્રમુખ નવીનભાઈ પટેલ

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં આનંદ અને ઉત્‍સાહ સાથે કરાયેલી 62મા મુક્‍તિ દિનની ઉજવણી

vartmanpravah

Leave a Comment