(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.13
દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સરસ્વતી દેવીની પૂજા-અર્ચના કરી મહર્ષિ વેદ વ્યાસની તસ્વીરને પુષ્પમાળા અર્પણ કરી હતી. બાળકોના જીવનના દરેક અંધકારને દૂર કરવા માટે ગુરુવંદના સાથે ગુરુ પૂજા કરવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓનું પણ સત્કાર પૂજન કર્યુ હતું. શિક્ષકોએ બાળકોને શિક્ષણ સાથે સંસ્કારની પણ શીખ આપી હતી અને જણાવ્યું હતું કે આપણે માતાપિતા અને ગુરુજનોનું હંમેશા સન્માન કરવું જોઈએ અને એમના બતાવેલ માર્ગ પર આગળ વધી એમનું નામ ઉજ્જવળ કરવાની કોશિશ કરવી જોઈએ. વાલીઓએ પણ દરેક ગુરુઓને ગુરુપૂર્ણિમાના ઉત્સવ પર એમના ગુરુજનોની પૂજા અને સન્માન કરવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગેબાળકોએ જણાવ્યું કે સંસારમાં પ્રત્યેક મનુષ્યનો ગુરુ અવશ્ય હોય છે જે પોતાના શિષ્યને આગળ વધતા જોઈ ખુશ થાય છે. કોઈપણ માણસની માં પહેલા ગુરુ હોય છે જે આપણને સાંસારિક મૂલ્યોને પ્રદાન કરે છે. ગુરુ જ છે જે જીવનના ભવસાગરને પાર કરવા માટેનું શિક્ષણ આપી શકે છે. આ દિવસ ગુરુઓના સન્માનનો દિવસ છે.
અત્રે યાદ રહે કે, મહર્ષિ વેદ વ્યાસને સમસ્ત માનવજાતિના ગુરુ માનવામાં આવે છે અને એમના જન્મદિવસના ઉપલક્ષમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ઉજવવામાં આવે છે.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/07/IMG-20220713-WA0032-960x882.jpg)