ડેલકર પરિવારના શાસનમાં ઘણાં વ્યક્તિ વિશેષોનો થયેલો વિકાસ, પરંતુ છેવાડેના આદિવાસીની સ્થિતિ ઠેરની ઠેર જ..!
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ બાદ વિદ્યુત વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમ.આર.ઈંગલે અને તેમની ટીમે લુહારીના ઉમરિયાપાડા, ખાડીપાડા, ઉમરકુઈ બેડુનપાડા, કરચોંડ ડુંગર વિસ્તાર સહિતના ઊંડાણના અંધારપટ્ટમાં જીવતા આદિવાસી ગામોમાં લાઈટની વ્યવસ્થાથી કરેલો ઝગમગાટ
દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગી વિકાસને કેટલાક સ્થાપિત હિત ધરાવતા લોકો પચાવી નથી શકતા. તેઓ દરેક વસ્તુમાં વાંધા-વચકા કાઢી એવું વાતાવરણ પેદા કરી રહ્યા છે કે દાદરા નગર હવેલીનો કોઈ વિકાસ જ નથી થયો.
તાજેતરમાં ખેરડી ગ્રામ પંચાયતના પારઝાઈ બારીપાડામાં દાનહની આઝાદીના 70 વર્ષ બાદ પણ રસ્તો નહીં થયો હોવાની બૂમરાણ મચાવવામાં આવી રહી છે. દાનહના મોટાભાગના રસ્તાઓ જર્જરિત હોવાનું પણ ગાઈ-વગાડીને કહેવામાં આવી રહ્યું છે. દાનહના મોટાભાગના રસ્તાઓનું નવીનિકરણ થવાનું હોવાની પણ તેમને ખબર છે. પરંતુ આ યશ પ્રશાસનને નહીં મળે અને અમારી રજૂઆતના કારણે થયુંહોવાનું સામાન્ય પ્રજામાં ઠસાવવા માટે ચૂંટણી પહેલાનું તરકટ શરૂ થયું છે.
સંઘપ્રદેશનું વર્તમાન પ્રશાસન હંમેશા ટકાઉ મજબૂત અને દરેક સિઝનને માફક આવે એ પ્રકારના રસ્તાના નિર્માણ માટે આગ્રહી છે. રસ્તાઓ તકલાદી રીતે બનાવવા કે તેને રિપેર કરવાથી વધતા ખર્ચના ભારણની પાછળ છૂપાયેલા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાની નીતિ વર્તમાન પ્રશાસનની નથી. જેના કારણે હાલમાં પ્રજાજનોને પડતી તકલીફ બાદ આવતા દિવસોમાં વરસો સુધી ચાલે એવા રસ્તાનું નિર્માણ થવાનું જ છે.
હવે જ્યારે આપણે ખેરડી ગ્રામ પંચાયતના બારીપાડાની વાત કરીએ તો દાનહની આઝાદીના 70 વર્ષ થવા છતાં પણ રસ્તો નશીબ નથી થયો. રસ્તો નહીં થવા પાછળનું રહસ્ય પણ સમજવું જરૂરી છે. દાદરા નગર હવેલી આદિવાસી બહુલ વિસ્તાર હોવાની સાથે વન્યપ્રદેશ પણ છે. જંગલ ખાતાના પણ કેટલાક નીતિ-નિયમો છે. જો જંગલ ખાતાના નીતિ-નિયમો બાધક હોય તો તેમાંથી રસ્તો કઢાવવાની જવાબદારી જે તે વિસ્તારના સાંસદની રહે છે. કારણ કે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં સાંસદ જ એક એવા પ્રતિનિધિ છે કે જેઓ સંસદ સહિત વિવિધ મંત્રાલયોમાં રજૂઆતો કરી પોતાના વિસ્તારનું કલ્યાણ કરાવી શકવા સક્ષમ છે.
હવે 70 વર્ષમાં 1961થી 1971 સુધી સનજી રૂપજી ડેલકર સાંસદ હતા. જ્યારે 1971 થી 1981સુધી શ્રી રામુભાઈ રવજી દાદરા નગર હવેલીનું પ્રતિનિધિત્વ સંસદમાં કરતા હતા. 1981થી 1984 સુધી સ્વ. રામજીભાઈ પોટિયા, 1984થી 1989 સુધી શ્રી સીતારામભાઈ ગવળી, 1989થી 2009 અને 2019થી 2021 સુધી સ્વ. મોહનભાઈ ડેલકર, 2009થી 2019 સુધી શ્રી નટુભાઈ પટેલ અને 2021થી 2023 સુધી શ્રીમતી કલાબેન ડેલકર સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે.
આમ, જોવા જઈએ તો 1961થી 2023 સુધી કુલ 62 વર્ષના સમયગાળામાં 33 વર્ષ ડેલકર પરિવારનું શાસન રહ્યું છે. 33 વર્ષના ડેલકર પરિવારના શાસન દરમિયાન ઘણાં વ્યક્તિ વિશેષોનો વિકાસ થયો હશે, પરંતુ પારઝાઈ બારીપાડાના લોકોને રસ્તો અપાવી શક્યા નથી. આ માત્ર એક વિસ્તાર નથી, આવા તો અનેક વિસ્તારો છે. તેવી જ રીતે લુહારીના ઉમરિયાપાડા, ખાડીપાડા, ઉમરકુઈ બેડુનપાડા, કરચોંડ ડુંગર વિસ્તાર સહિતના ઊંડાણના આદિવાસી ગામો હજુ પણ અંધારપટ્ટમાં જીવતા હતા. તેમને લાઈટ જ નશીબ નહીં થઈ હતી. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી એમ.આર.ઈંગલેને આપેલા દિશા-નિર્દેશ બાદ તેમણે જે કંઈ અડચણો હતી તે દૂર કરી આ વિસ્તારના લોકોએ આઝાદી બાદ પહેલી વખત લાઈટનો ઝગમગાટ જોયો હતો. પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી એમ.આર.ઈંગલેએખાનવેલથી દૂધની સુધી ઈન્સ્યુલેટેડ કન્ડક્ટર લગાવાતા ખોરંભાતા વીજપ્રવાહને પણ દૂર કરી ચોવિસ કલાક નિરંતર વિજળી મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી. તેવી જ રીતે ખરડપાડાથી લુહારી સુધી અન્ડરગ્રાઉન્ડ કેબલની કરાયેલી વ્યવસ્થાથી જંગલમાંથી પસાર થતી લાઈનના કારણે વારંવાર ખોટકાવાની બનતી ઘટનામાંથી પણ છૂટકારો અપાવ્યો છે.
આ વાત અમે એટલા માટે યાદ અપાવી રહ્યા છે કે, જો પૂર્વ સાંસદોએ દાનહના વિકાસમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો આજે દરેક ક્ષેત્રે દાદરા નગર હવેલીની બોલબાલા હોત એમાં કોઈ આヘર્ય નથી. પરંતુ મોટાભાગના પૂર્વ સાંસદોએ માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ અને અપનાવેલી ભ્રષ્ટ રીતિ-નીતિથી પ્રદેશ અને પ્રદેશના લોકોનું નુકસાન પહોંચાડવામાં કોઈ કસર બાકી રાખી નથી.
સોમવારનું સત્ય
ભૂતકાળમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના મોટાભાગના સાંસદો તથા રાજકીય આગેવાનોની કેટલાક પ્રશાસકો, કલેક્ટરો સાથે સાંઠગાંઠ ચાલતી હતી. પ્રદેશના દરેક વિકાસ કામોમાં જે તે સમયના કેટલાક સાંસદોનો પણ હિસ્સો રહેતો હતો. જેના કારણે રસ્તાઓ માંડ ચાર પાંચ મહિના ચાલતા હતા અને ફરી પાછા જેવા ને તેવા થતા હતા. હવે છેલ્લાં 7 વર્ષથી થઈ રહેલા રસ્તાના નિર્માણમાં આવી કોઈ કચાશ જોવા મળતી નથી. જે પણ કંઈ કામથાય છે તે સંપૂર્ણ ક્વોલીટીવાળુ અને વિશ્વાસની સાથે થઈ રહ્યું છે. હવે સાંસદો કે રાજકારણીઓને ભાગ મળે એવા દિવસો ભાગ્યે જ આવવાની સંભાવના છે. ભલે બૂમરાણ મચાવે કે દેકારો મચાવે પરંતુ ધારેલું તો ધણીનું જ થાય છે..!