છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી ટ્રાફિક સમસ્યાનો અંત હાથવેંતમાં
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: પાછલા છ મહિનાથી છરવાડાથી આનંદનગર આસોપાલવને જોડતો રોડ માટે હાઈવે અંડરપાસની કામગીરી ચાલું કરવામાં આવી હતી. જે પૂર્ણ થતા આજે હાઈવે ફલાય ઓવર ટ્રાયલ માટે મુંબઈ તરફ જતો હિસ્સો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
છરવાડા રોડ ઉત્તર અને દક્ષિણ વાપી આનંદનગર રોડ મધ્યે ને.હા. પસાર થતો હતો તેથી ક્રોસિંગ કરવાની મુશ્કેલી હતી છતાં પણ લોકો જીવના જોખમે ક્રોસિંગ કરતા અને મોતને ભેટતા હતા. આ કપરી સમસ્યાનો કાયમી અંત લાવવા માટે છરવાડા અંડરપાસ નાણામંત્રી કનુભાઈ દેસાઈના નોંધનીય પ્રયત્નો થકી મંજુર કરાયો હતો. યુધ્ધના ધોરણે એટલું ઝડપી કામ પણ શરૂ કરી દેવાયુંહતું. મુંબઈ-સુરત આવતા જતા બંન્ને લાઈનનું ડાયવર્ઝન આપી ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી દેવાઈ હતી જેથી મોટી ટ્રાફિક સમસ્યા પણ ઉભી થઈ હતી. છતાં લોકોએ હાડમારી વેઠી લીધી. હવે તેના મીઠા ફળ ચાખવા મળશે. આજે સોમવારે મુંબઈ તરફ જતી લેનને ટ્રાયલ બેઈઝ માટે ખુલ્લી કરાઈ છે. સંપૂર્ણ અવર જવર અને અંડરપાસ કાર્યરત થવામાં આઠ દશ દિવસ લાગી જશે. કારણ કે બન્ને તરફ સર્વિસ રોડ હોવાથી અકસ્માતની ગંભીરતા વધી ના જાય તે માટે બમ્પ બનાવવાની કામગીરી હવે હાથ ધરાશે પરંતુ માથાનો દુખાવો બનેલ ટ્રાફિકનો ઉકેલ હવે હાથવેતમાં આવી જશે.