Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ઈ.સ. 1772માં જાનોજી ધુળપના મરાઠી નૌકા કાફલાએ પોર્ટુગીઝોનું 40 તોપો અને 120 ખલાસી સૈનિકો સાથેનું સંતાના જહાજ જપ્ત કરી લીધું

કરાર અનુસાર ‘સંતાના’ની નુકસાન ભરપાઈ તરીકે દમણના ચંદ્રગઢ અને ઇંદ્રગઢ નામના બે કિલ્લા અને દાદરા નગર હવેલી પરગણાનાં 72 ગામોનું મહેસૂલ ઉઘરાવવાનો હક પોર્ટુગીઝોએ મેળવ્‍યો અને તે સાથે જ પોર્ટુગીઝોનો આ પ્રદેશમાં પગપેસારો થયો

(..ગતાંકથી ચાલુ)

ઈ.સ. 1772માં જાનોજી ધુળપના મરાઠી નૌકા કાફલાએ પોર્ટુગીઝોનું 40 તોપો અને 120 ખલાસી સૈનિકો સાથેનું સંતાના જહાજ જપ્ત કરી લીધું. ગોવા સરકારે મરાઠાઓ સાથેની મૈત્રીનો સંબંધ યાદ કરાવીને આ જહાજ પરત કરવાની વિનંતી પેશવાને અનેક વાર કરી. પરંતુ પોર્ટુગીઝોએ વારંવાર કરેલો મૈત્રીકરારનો ભંગ યાદ દેવડાવીને પેશવાને

 તેમની વિનંતી માન્‍ય રાખી નહીં. જો કે એ પછી મરાઠા સામ્રાજ્‍યને હાનિ પહોંચાડતી અનેક ઘટનાઓ ઘટતી ગઈ અને સન 1779માં જ તેમને ‘સંતાના’ જહાજની નુકસાન ભરપાઈ કરી આપવી પડી. દિ.18 નવેંબર 1772ના દિવસે માધવરાવ પેશવા નિઃસંતાન મૃત્‍યુ પામ્‍યા. તે પછી માધવરાવના કાકા રઘુનાથરાવ અને નાનાભાઈ નારાયણરાવ વચ્‍ચે સત્તા માટે થયેલા સંઘર્ષમાં 30 ઓગસ્‍ટ 1773ના દિવસે નારાયણરાવનું ખૂન થયું. નારાયણરાવના પુત્ર સવાઈમાધવરાવ તે સમયે સગીરવયના હોવાથી નારાયણરાવના વિશ્વાસુ એવા બાર સરદારોએ બારભાઈની સ્‍થાપના કરીને સગીર પેશવા વતી કારભાર શરૂ કર્યો. આ લડાઈ ઝઘડા અને મારામારીના સમયમાં રઘુનાથરાવે ભત્રીજાની ગાદી મેળવવા માટે અંગ્રેજોની મદદ લીધી. પરંતુ વડગાવ પાસે મરાઠાઓ સામેના યુદ્ધમાં આ અંગ્રેજી કુમકનો પણ પરાભવ થયો અને ઈ.સ. 1776માં ‘પુરંદર’ની સંધિ થઈ. આ સંધિની કલમ મુજબ રઘુનાથરાવની સોંપણી મહાદજી શિંદેના હાથમાં કરવામાં આવી અને ભવિષ્‍યમાં પુણેના રાજકારણમાં ભાગ ન લેતાં શેષ આયુષ્‍ય દિલ્‍હીની આસપાસના પ્રદેશમાં ગાળવાનું વચન તેમની પાસેથી લેવામાં આવ્‍યું. આ દરમિયાન મરાઠાઓની કેદમાં પૂર્ણ આદરમાન સાથે રાખવામાં આવ્‍યા હોવા છતાં રઘુનાથરાવ ગમે તે રીતે એ કેદમાંથી નાસી છૂટયા અને દમણ જઈને તેમણે પોર્ટુગીઝોનો આશ્રય માગ્‍યો. આ તકનો લાભ લઈને મરાઠાઓએ લૂંટેલા સંતાના જહાજની નુકસાન ભરપાઈ મેળવી લેવાના હેતુથી પોર્ટુગીઝોએ નારાયણ વિઠ્ઠલ ઘુમે નામના વકીલને મરાઠાઓ પાસે મોકલ્‍યો. રઘુનાથરાવને પોર્ટુગીઝો પાસેથી કોઈ સહાય મળે તેવું મરાઠા રાજ્‍યકર્તાઓ ઇચ્‍છતા ન હતા, તો બીજી બાજુ વડગાવના યુદ્ધમાં અંગ્રેજોનો પરાજય થયો હોવા છતાં કલકત્તાથી વધારે કુમક મેળવીને મુંબઈનો ગવર્નર મરાઠાઓ પરફરીથી ચઢાઈ કરવાની યોજના કરે છે તેવી ખબર પુણે સુધી પહોંચી હતી. આ સમયે પોર્ટુગીઝો અને અંગ્રેજો ભેગા થઈ જાય તે પણ મરાઠાઓને પોસાય તેમ ન હતું. આ બધી મુશ્‍કેલીમાંથી માર્ગ કાઢવાના હેતુથી મરાઠાઓએ પોર્ટુગીઝો સાથે મૈત્રીકરાર કયો. આ કરાર અનુસાર ‘સંતાના’ની નુકસાન ભરપાઈ તરીકે દમણના ચંદ્રગઢ અને ઇંદ્રગઢ નામના બે કિલ્લા અને દાદરા નગર હવેલી પરગણાનાં 72 ગામોનું મહેસૂલ ઉઘરાવવાનો હક પોર્ટુગીઝોએ મેળવ્‍યો. અને તે સાથે જ પોર્ટુગીઝોનો આ પ્રદેશમાં પગપેસારો થયો.
4 મે 1779ના દિવસે થયેલો પોર્ટુગીઝ અને મરાઠા વચ્‍ચેનો આ કરાર મુખ્‍યત્‍વે વેપાર અને સમુદ્રના હક્કો પૂરતો સીમિત હતો તેમ તેની મૂળ નકલ પરથી જણાય છે. છતાં 1818માં મરાઠી સામ્રાજ્‍યના અંત પછી પોર્ટુગીઝો જ આ પ્રદેશના માલિક બની ગયા.
પરંતુ એ સાથે જ એક મહત્ત્વની વાત અહીં ધ્‍યાનમાં રાખવી આવશ્‍યક છે. પેશવાએ જ્‍યારે આ મહેસૂલ ઉઘરાવવાનો હક પોર્ટુગીઝોને આપ્‍યો ત્‍યારે આ જાગીર ‘સરંજામ’ તરીકે આપી હતી. ‘સરંજામ’ શબ્‍દનો અર્થ થાય છે ‘ભોગવટો’. આ શબ્‍દનું મહત્ત્વ એ છે કે આગળ જતાં હેગના આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં જ્‍યારે દાદરા નગર હવેલીનો મુકદ્દમો ચાલ્‍યો ત્‍યારે આ ‘સરંજામ’ શબ્‍દ જ નિર્ણાયક પુરવાર થયો હતો.
4 મે 1779નો કરાર
પોર્ટુગીઝ રાજ્‍યતરફથી હીઝ એક્‍સલંસી ગવર્નર જોસ પેડ્રો – દ કામાએ હજરત નિસાર તફરથી મોકલાયેલા નારાયણ વિઠ્ઠલ ઘુમેને વકીલ તરીકે રાજશ્રી માધવરાવ પેશવા પાસે મોકલ્‍યા. મૈત્રીપૂર્ણ વાટાઘાટો પછી પોર્ટુગીઝ રાજા અને પેશવા વચ્‍ચે નીચેની કલમો પ્રમાણે કરાર થયો.
1. પોર્ટુગીઝ રાજ્‍યની નૌસેનાનો પેશ્વા સરકારની નૌસેના સાથે સમુદ્રમાં જ્‍યાં પણ મેળાપ થાય અથવા બંને રાજ્‍યનાં જહાજો જ્‍યાં મળે ત્‍યાં પરસ્‍પર મૈત્રીપૂર્ણ વ્‍યવહાર કરવો.
2. પોર્ટુગીઝ નૌકાદળ અને પેશવા સરકારના નૌકાદળનો મેળાપ થાય ત્‍યારે જો કોઈને પણ પાણી કે બળતણની આવશ્‍યકતા હોય તો બીજા પક્ષે પોતાની પાસેના અતિરિક્‍ત પુરવઠામાંથી તે આપવું, જો કોઈને અનાજની આવશ્‍યકતા હોય તો બીજા પક્ષે પોતાની પાસેનું વધારાનું અનાજ વેચાતું આપવું.
3. જો પોર્ટુગીઝ જહાજો અને પેશવા સરકારનાં જહાજો વેપાર અર્થે ચીન જતાં હોય કે એકબીજાના બંદરમાં આવ્‍યાં હોય તો તેમને પકડવાં નહીં.
4. કોઈના પણસ્ત્રી અગર પુરૂષ ગુલામો નાસીને એક બીજાના પ્રદેશમાં જાય તો તેમની પરત સોંપણી કરવી.
5. આ કરાર પૂર્વેના દાવા-પ્રતિદાવા વિચારમાં લેવાશે નહીં.
6. આ મૈત્રીપૂર્ણ કરાર થાય પછી ઉપર ઉલ્લેખિત નિયમોનો ભંગ થાય તો બંને પક્ષોએ વકીલ મારફત કાર્યવાહી કરવી.
7. પોર્ટુગીઝ સરકાર અને પેશવાસરકારના ‘ટ્રાંડી’, ‘પડગી’ અથવા ‘બતેલા’ પ્રકારનાં વેપારી જહાજો એકબીજાના બંદરમાં જઈને આવશ્‍યક જકાત તથા કર આપીને જરૂરિયાત પ્રમાણે માલને લે વેચ કરી શકશે. આ કાર્યમાં કોઈ પણ પ્રકારની અડચણ ઉભી કર્યા સિવાય તેમને જવા દેવામાં આવશે.
8. બન્ને રાજ્‍યોનાં જહાજો સમુદ્રમાં કોઈપણ પ્રદેશની મુલાકાત લઈ શકશે. જો એક પક્ષનું વેપારી જહાજ બીજા પક્ષની નૌસેનાની હદમાં આવી જાય ત્‍યારે તેને માટે આવશ્‍યક કાગળપત્રો ન હોય તો પણ તેની જપ્તી ન કરતાં તેને સુરક્ષિત જવા દેવું. જો બન્નેમાંથી કોઈનું પણ વેપારી જહાજ શત્રુના હાથમાં સપડાય તો બીજા પક્ષે તેને શત્રુના સકંજામાંથી છોડાવવા માટે શક્‍ય તેટલી બધી મદદ કરવી અને આવું કાર્ય કરનારા જહાજના કપ્તાનને તેના માલિકે કદરદાની તરીકે યોગ્‍ય ઈનામ આપવું.
9. પેશવા સરકાર યુદ્ધમાં વ્‍યસ્‍ત હોય ત્‍યારે જો પોર્ટુગીઝ જહાજો આવે તો તેમણે પેશવાને અન્‍યધાન્‍ય કે બીજી કોઈ પણ જરૂરીયાત માટે થઈ શકે એટલી મદદ કરવી તથા પેશવાના શત્રુ સાથે મિત્ર રાખવી નહીં. સામે પક્ષે આવી સ્‍થિતિમાં પેશવાએ પણ મૈત્રીપૂર્ણ હાથ લંબાવવો.
10. પોર્ટુગીઝ રાજ્‍ય અને પેશવા સરકારે આ કરારના અમલ માટે પોતપોતાના સીમા અધિકારી અને સેનાને યોગ્‍ય આજ્ઞા આપવી. જો કોઈ અધિકારી તેનું ઉલ્લંઘન કરે તો બંનેપક્ષે તે બદલ આવશ્‍યક પગલાં લેવાં.
11. પોર્ટુગીઝ અથવા પેશવા સરકારના રાજ્‍યના જૂના જમીનદારો કે અન્‍ય ગુનેગારોને એક બીજાના રાજ્‍યમાં આશ્રય આપવો નહીં કે સરહદ પર પણ રહેવા દેવા નહીં.
12. બંનેમાંથી કોઈપણ પક્ષે પરસ્‍પરના શત્રુને અનાજ, પાણી કે કોઈ આવશ્‍યક વસ્‍તુની મદદ કરવી નહીં.
13. જો બંનેમાંથી કોઈપણ એક રાજ્‍યસત્તા નિર્બળ થાય તો બીજાએ તેનો ગેરલાભ ન લેતાં તેની સાથે મૈત્રીપૂર્ણ વ્‍યવહાર રાખવો.
14. પોર્ટુગીઝ રાજ્‍યમાંથી આવેલા પોર્ટુગીઝ અથવા અન્‍ય કોઈપણ ઘૂસણખોરોને પેશવા સરકારે આશ્રય ન આપતાં પોર્ટુગીઝ સરકારને સોંપી દેવા. તે જ રીતે પેશવા સરકારના વિદ્રોહી સૈનિકો જો પોર્ટુગીઝ રાજ્‍યમાં જાય તો તેમને પણ પેશવા સરકારને પાછા સોંપી દેવા.
15. પેશવા સરકારને હસ્‍તક રહેલા ગુજરાત, કાઠિયાવાડ અને સુરત પ્રદેશમાં હવે પછી પોતાનું કોઈ થાણું કે ચોકી ઉભી ન કરતાં, પોર્ટુગીઝ સરકારે પેશવા સરકારની ચોકી મારફતે જ સંપર્ક રાખવો.
16. પરસ્‍પરના બંદરમાં આશ્રય લેતાં બન્ને પક્ષના વેપારી જહાજોને કોઈ પણ પ્રકારે અડચણ ઉભી કર્યા વિના માલસહિત પરત કરવા દેવાં.
17. પોર્ટુગીઝ સરકાર પેશવા સરકારને મિત્ર ગણે છે. પેશવા સરકારે દમણ પ્રદેશની 12 હજાર રૂપિયાના જમીન મહેસૂલવાળી જાગીર પોર્ટુગીઝોને આપવી તથા તેગામોની યાદી કરીને તેની સનદ પોર્ટુગીઝ સરકારને આપવી.
18. પોર્ટુગીઝ રાજ્‍યના યુદ્ધ જહાજની ભરપાઈ પેટે પેશવા સરકારે નીચે પ્રમાણે રકમ આપવી.
રૂા. 66454-00 રોકડા એક વર્ષની અંદર
રૂા. 3000-00 સાગના લાકડા સ્‍વરૂપે
કુલ રૂા. 69454-00
(આ પ્રમાણે પેશવા સરકારે પોર્ટુગીઝ સરકારને ભરપાઈ આપવાનું માન્‍ય કર્યું.) દિ. 4 મે 1779ના દિવસે ગોવા મુકામે લખી આપ્‍યું.
(સંદર્ભ : પોર્ટુગીઝ શાસન સન 1779 થી 1954)
ઉપરોક્‍ત કરાર થયા પછી પોર્ટુગીઝો દ્વારા દાદરા નગર હવેલીનો પ્રત્‍યક્ષ કબજો ઈ.સ. 1783માં લેવાયો અને તેને ત્રીજા જિલ્લા તરીકે દમણના ગવર્નરના અધિકાર નીચે સોંપવામાં આવ્‍યો. તેમાં એક નાઇક પરગણું અને બીજું દમાસો ગ્રંડે હતું.

(ક્રમશઃ)

Related posts

દમણ જિ.પં.ના જાહેર બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન પટેલે મોદી સરકારના બજેટને મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્‍યું

vartmanpravah

વલસાડ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

‘લક્ષદ્વીપના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ’: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

vartmanpravah

ફિરંગીઓની ગુલામીમાંથી દાદરા નગર હવેલીને મુક્‍ત કરનારા સ્‍વાતંત્ર્યવીરોની ત્‍યાગભાવનાને નજર સમક્ષ રાખીને આજની યુવાપેઢી આ આદર્શને ગ્રહણ કરે એ જ અભ્‍યર્થના

vartmanpravah

બરોડા આરસેટી દ્વારા ખાનવેલમાં મનાવાયો ‘યોગા દિવસ’

vartmanpravah

વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ફર્નીચરનો વ્‍યવસાય કરતાં ચિરંજીવીલાલ સુરતારામ કુમાવતે ‘ વન નેશન વન રેશનકાર્ડ ‘ ની યોજનાનો લાભ લીધો

vartmanpravah

Leave a Comment