દમણમાં 24 કલાક દરમિયાન 5.90 ઈંચ વરસેલો વરસાદઃ દાનહમાં 4 ઈંચ વરસાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.25 : હવામાનવિભાગની આગાહી મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ ભરાઈ ગયા છે અને હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ જિલ્લામાં વરસાદના સિઝનની શરૂઆત થઈ છે ત્યારથી લઈને હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. દમણમાં મંગળવારે છેલ્લા 24 કલાકમાં કુલ 150 એમએમ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે સેલવાસ અને દમણ શહેરના માર્ગો ઉપર પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી.
દાનહ અને દમણ જિલ્લામાં મોનસૂન ઉગ્ર રૂપ પણ ધારણ કરી રહ્યું છે. ગત સપ્તાહથી શરૂ થયેલ વરસાદ હજુ ચાલુ જ રહ્યો છે. સોમવારની રાત્રિએ ભારે વરસેલા વરસાદમાં દમણ શહેર મળમગ્ન બની ગયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન દમણમાં 5.90 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દાદરા નગર હવેલીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દમણ જિલ્લા પ્રશાસનના પૂર નિયંત્રણ વિભાગ મુજબ અત્યાર સુધી જિલ્લામાં લગભગ 71 ઇંચ(1820 એમએમ) વરસાદ નોંધાયો છે. સેલવાસ શહેરમાં 4.24 ઇંચ(107.8એમએમ), ખાનવેલમાં 1.64 ઇંચ(41.7 એમએમ) વરસાદ વરસ્યો હતો. દાનહમાં સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 69.77 ઇંચ(1772.2 એમએમ) અને ખાનવેલમાં (59.78ઇંચ) 1518.5 એમએમ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દમણમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનો માહોલ જારી રહેવાની સંભાવના છે. દમણ જિલ્લામાં આ વખતના મોનસૂનમાં વરસેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમના જળસ્તરમાં વધારો થયો છે. ડેમમાંથી દમણગંગા નદીમાં 20113 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડવાના કારણે દમણગંગા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. સંઘપ્રદેશ પ્રશાસનની ટીમ કાંઠા વિસ્તારની વારંવાર નિરીક્ષણ કરી રહી છે.
મધુબન ડેમનું લેવલ 71.30મીટર છે અને ડેમના આઠ દરવાજા 0.70મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક 21504 ક્યુસેક નોંધાઈ છે.