-
માછીમાર પરિવારો દ્વારા પરંપરાગત રીતે સત્ય નારાયણની પૂજા અને હવન કરી દરિયા કિનારે રેતીનું શિવલિંગ બનાવી ખીર રોટલાનો ધરેલો નૈવેધ
-
જિલ્લા કલેક્ટરે માછીમારી વ્યવસાય અર્થે રવાના થતા માછીમાર ભાઈઓને શુભ કામના પાઠવી વધારેલો ઉત્સાહ અને ઉમંગ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : સંઘપ્રદેશ દીવના 75 ટકા લોકો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા છે. ચોમાસાની ઋતુ દરમિયાન 3 મહિના માટે જિલ્લા પ્રશાસન દ્વારા દરિયામાંનાની નાની માછલીઓનો ઉછેર થવાનો સમય હોય અને દરિયામાં કરંટ સાથે ઊંચા ઊંચા મોજાંઓ ઉછળતા હોવાના કારણે 3 મહિના માટે દરીયો ખેડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. 3 મહિના પૂર્ણ થતાં અરબી સમુદ્રમાં કોઈ સરક્યુલેશન સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે માછીમારો માટે યોગ્ય વાતાવરણ સર્જાતા દીવ જિલ્લા પ્રશાસન દ્વારા માછીમારોને દરિયો ખેડવાની પરવાનગી આપી દીવના કલેક્ટર શ્રી ફર્રમન બ્રહ્મા તેમજ દમણ-દીવ દાદરા નગર હવેલી ફિશરીઝ સેક્રેટરી શ્રી સૌરભ મિશ્રા, એ.ડી.એમ ડો. વિવેક કુમાર, ઉચ્ચ ફિશરીઝ અધિકારીઓ, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભિખાભાઈ, સરપંચો સહિત માછીમાર અગ્રણીઓએ વણાંકબારા ગોમતી માતા જેટી પર માછીમારોને કપાળમાં તિલક કરીને મોં મીઠું કરાવ્યું અને લાઈફ જેકેટનું વિતરણ કરીને શુભકામના પાઠવી આવી હતી. આ પ્રસંગે માછીમાર ભાઈઓમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી હતી. માછીમારોએ બોટને દરિયામાં ઉતારતા પહેલા બોટમાં સત્યનારાયણની કથા અને હવન-પૂજા કરી હતી.
દરિયો ખેડવાની પરવાનગી આપવામાં આવતાં માછીમાર સમાજે દીવ જિલ્લા પ્રશાસનનો આભાર માની ઉત્સાહ અને ઉમંગથી માછીમારી નવી મૌસમનો શુભારંભ કર્યો હતો. માછીમારોની બોટ દરિયામાં તરતી થતાં માછીમાર સમાજનીમહિલાઓએ આખો દિવસનો ઉપવાસ રાખી કુળદેવીને ખીર રોટલીના નૈવેધ ધરીને દરિયા કિનારે રેતીનું શિવલિંગ બનાવીને ખીર રોટલીના નૈવેધ ધરીને દરિયા દેવને કળશથી જળ-દૂધનો અભિષેક કરીને ‘હે દરિયા દેવ અમારા ધણી દિકરાઓ અમારા પરિવારના ગુજરાન માટે માછીમારી માટે ગયેલ હોય હેમખેમ માછીમારી કરીને પરત આવે અને અમારી કમાણીમાં બરકત આપે અને આ વર્ષ સુખમય શાંતિમય રહે’ એવી પ્રાર્થના કરી હતી.