Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું

(…ગતાંકથી ચાલુ)
ભારતે હેગમાં પોતાનો પક્ષ રજૂ કરતી વખતે વસાહતવાદમાંથી મુક્‍તિ એવી ભૂમિકા અપનાવવાનું જ નક્કી કર્યું હતું. આ સંદર્ભમાં શ્રી સેતલવાડ પોતાના પુસ્‍તકમાં લખે છે, ‘ઉપર મુજબની ભૂમિકા જ અમારે વ્‍યવસ્‍થિત રીતે મૂકવાની હતી. પરંતુ શ્રીકૃષ્‍ણમેનનો એ માટે વિરોધ હતો. તેમનો મત એવો હતો કે નગર હવેલીની બાબતમાં જો આપણે આ ભૂમિકા અપનાવીશું તો કાશ્‍મીરના સ્‍વયંનિર્ણયના અધિકારનો વિરોધ આપણી કરી શકીશું નહીં. આ માટે તેમને વસાહતવાદ વિરૂદ્ધનો મુક્‍તિસંગ્રામ એ મુદ્દો જ ટાળવો હતો. તેમ જ તેનું જે કંઈ પરિણામ આવે તે સ્‍વીકારવાની પણ તૈયારી ભારતે રાખવી એવો તેમનો મત હતો.’ આ સંદર્ભમાં તેઓ આગળ લખે છે, ‘મેં આ બાબતે એક પત્ર વડાપ્રધાન પંડિત નેહરુને લખ્‍યો હતો. તેમાં મેં કહ્યું હતું કે, ‘મેં અહીં મારા કાનૂન નિષ્‍ણાત સાથીઓ સાથે ચર્ચા કરીને એવું નક્કી કર્યું છે કે ભારતે શરૂઆતમાં દાદરા નગર હવેલીમાં થયેલી ઘટનાનો માત્ર સંદર્ભ આપીને લોકોના સ્‍વયંનિર્માણના અધિકારની જ ભૂમિકા લેવી. શ્રી નેહરુને મારી વાત યોગ્‍ય લાગી અને કૃષ્‍ણમેનની સલાહ ન માનવાની મારી વાત તેમણેસ્‍વીકારી.’
ભારતના એટર્ની જનરલ સેતલવાડના મદદનીશ તરીકે બ્રિટનના માજી એટર્ની જનરલ સર ફ્રેંક સોસ્‍કાઈસ તથા ઓક્‍સફર્ડ વિદ્યાપીઠના નાગરિક કાયદા વિભાગના પ્રાધ્‍યાપક સી.એચ. એમ વોલ્‍ડોલોકની નિમણૂક થઈ હતી.
આ મુકદ્દમાની સુનાવણી 27 સપ્‍ટેમ્‍બર 1957ના દિવસે શરૂ થઈ અને 11 ઓક્‍ટોબરના દિવસે પૂરી થઈ. ભારતના એટર્ની જનરલ શ્રી સેતલવાડે આ ન્‍યાયાલયના ન્‍યાય આપવાના અધિકાર વિશે પાંચ મુદ્દા ઉપસ્‍થિત કર્યા હતા, જેમાંથી ત્રણ કાયદાકીય હતા, તો બે મુદ્દા હકીકતોના સંદર્ભમાં હતા. ભારતના મુખ્‍ય વાંધા આ પ્રમાણે હતા.
1. પોર્ટુગલે યુનોનું વૈકલ્‍પિક સભ્‍યપદ લીધું છે. એટલે યુનોના બંધારણની કલમ 33 અને 34 અનુસાર પોર્ટુગલ યુનોનું પૂર્ણ સભ્‍ય નથી.
2. પોર્ટુગલે યુનોના સભ્‍યપદની શરતો પૂરી કરી ન હોવાથી હજુ સુધી યુનોના મુખ્‍ય સચિવે પોર્ટુગલનું સભ્‍યપદ માન્‍ય રાખ્‍યું છે તેની જાણ ભારણને કરી નથી.
3. પોર્ટુગલે ઉપર મુજબની શરતો પૂર્ણ કરી ન હોવાથી એકાદ અરજી યોગ્‍ય સમયમાં પાછી ખેંચવાનો ભારતનો અધિકાર ન્‍યાયાલયે માન્‍ય રાખવો જોઈએ.
4. પોર્ટુગલે અને ભારતે આ ન્‍યાયાલયમાં આવતાં પહેલાં દ્વિરાષ્‍ટ્ર સંબંધોને આધારે આ પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્‍ન કરવો આવશ્‍યક હતો પરંતુ તેમ થયું નથી.
5. આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં સન 1930 પછીના વિવાદ ચાલવાઅપેક્ષિત છે. પોર્ટુગલની બાબત તેના ખૂબ પહેલાંની છે તેથી આ વિવાદ અહીં ઉપસ્‍થિત થવાનું કોઈ કારણ નથી.
ન્‍યાયાલયની પીઠે આ બાબતમાં ભારત અને પોર્ટુગલની દલીલો સાંભળ્‍યા પછી ઉપરના વાંધામાંથી પહેલા ત્રણ સ્‍વીકાર્યા નહીં. અને છેલ્લા બે વિષે કોઈ નિર્ણય ન આપતાં મૂળ વિષયની સુનાવણીમાં સામેલ કરી લીધા.
અત્‍યાર સુધી થયેલી પ્રત્‍યેક દલીલમાં પોર્ટુગલની મુખ્‍ય ફરિયાદ એ હતી કે પોર્ટુગલને દમણથી નગર હવેલી સુધી ભારતીય હદમાં જવાનો અધિકાર છે. દમણ અને દાદરા નગર હવેલી વચ્‍ચે ભારતની 25 કિ.મી. જેટલી હદ છે. એના અધિકાર માટે પોર્ટુગલે દિ. 4 મે 1779ના દિવસે પોર્ટુગલ સરકાર અને મરાઠા રાજ્‍ય વચ્‍ચે થયેલા કરારનો આધાર લીધો હતો. આ કરારનો મુસદ્દો અને તેનો અર્થ એ આ વિવાદનો મુખ્‍ય ભાગ બની રહેવાનો હતો. એ કરાર મૂળ મરાઠીમાં હતો અને તેની મૂળ મરાઠી નકલ પોર્ટુગલ પાસે હતી, પણ ન્‍યાયાલયમાં એ મૂળ નકલ રજૂ કરવાને બદલે તેમણે તેના પોર્ટુગીઝ અને ફ્રેંચ ભાષામાં થયેલા ભાષાંતરની નકલ સાદર કરી.
4 મે 1779ના દિવસે થયેલા ઉપરોક્‍ત કરાર મુજબ પોર્ટુગીઝોના સંતાના જહાજની નુકસાન ભરપાઈ પેટે પેશવા સરકારે દાદરા નગર હવેલી પરગણાનાં 72 ગામોની જાગીર પોર્ટુગીઝોને ભોગવટા માટે આપી. મૂળ મરાઠી કરારમાં એને માટે‘સરંજામ’ શબ્‍દનો ઉપયો થયો છે. મહત્ત્વની બાબત એ છે કે આવી સરંજામ તરીકે આપેલી વસ્‍તુ લેનારને પરંપરાગત રીતે મળી જતી નથી. પરંતુ જ્‍યાં સુધી આપનાર તે વસ્‍તુ પાછી ન માગે ત્‍યાં જ તે વાપરી શકે છે. નગર હવેલી આપતી વખતે સરંજામ તરીકે આપી એનો અર્થ જ એ છે કે પેશવા જ્‍યારે પણ તે પાછી માગે ત્‍યારે તે પરત કરી દેવી પડે અને તે ન આપે તો જપ્ત કરી લેવાનો અધિકાર પેશવા પાસે રહે.
આના અનુસંધાનમાં ઈ.સ.1779 થી 1954 સુધીના સમયમાં થયેલા સત્તાંતરણનો મુદ્દો પણ મહત્ત્વનો બન્‍યો. પોર્ટુગલમાં કોઈ એક જ આક્રમણને કારણે સત્તાંતર થયેલું ન હતું. પરંતુ ભારતમાં ઈ.સ.1818માં મોટું સત્તાંતર થયું હતું. તે પહેલાં મહારાષ્‍ટ્રમાં મરાઠા રાજ્‍ય હતું અને તે પછી બ્રિટીશ શાસન આવ્‍યું. તે સમય દરમિયાન ભારતમાં થયેલા જે કરારોની યાદી અંગ્રેજો પાસે હતી તેમાં કુલ 627 કરારોનો સમાવેશ થતો હતો પરંતુ ઉપરોક્‍ત કરારનો તેમાં સમાવેશ ન હતો.
આ મૂળ કરાર ઉપલબ્‍ધ કરવાના હેતુથી ભારત સરકારે પુણેના પેશવા દફતરની તપાસ કરી. પણ તેમાં મૂળ કાગળપત્રો મળ્‍ય નહીં. પરંતુ ઈ.સ. 1779માં થયેલા કરાર અન્‍વયે જે હક્ક પોર્ટુગીઝોને મળ્‍યા હતા તે શ્રીમંત બાજીરાવ રઘુનાથરાવ પેશવા (બાજીરાવ બીજા)એ ઈ.સ. 1817માં રદ કર્યાનો ઉલ્લેખ મળ્‍યો.

(ક્રમશઃ)

Related posts

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્ન

vartmanpravah

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

વાપી રોફેલબીબીએ-બીસીએ કોલેજના પોફેસર નમ્રતા ખીલોચિયાને પીએચડી પદવી એનાયત

vartmanpravah

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ અને ધરમપુરમાં કિસાન દિવસ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ : 233 ખેડૂતોએ લાભ લીધો

vartmanpravah

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment