જિલ્લા વિકાસ અધિકારીએ ઉદ્યોગિક વસાહતો તેમજ મોટી હાઉસિંગ સોસાયટી ધરાવતી સરીગામ, સંજાણ, સોળસુંબા, માંડા અને ખતલવાડ સહિતની ગ્રામ પંચાયતોની આકારણી ચોપડાનો વેલ્યુએશન રિપોર્ટના આધારે તાગ મેળવી અને તપાસ કરાવી સરપંચ અને તલાટીએ કરેલા કારનામાંનો પર્દાફાશ કરાવવાની આવશ્યકતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ તાલુકાની પંચાયતોમાં આકારણીના મુદ્દે અને મિલકતોનું મૂલ્યાંકન ઓછું આંકવા માટે તોડપાણી થતી હોવાની બુમરાણ ઘણીવાર સપાટી પર આવી છે. આ પ્રકારના વ્યવહારમાં તાલુકા વિકાસ અધિકારીની નજર અંદાજ કરવાની નીતિ અને તલાટી કમ મંત્રી તેમજ સરપંચશ્રીઓની આર્થિક સ્વાર્થની ભૂમિકા અગ્રેસર છે. જેના કારણે ગ્રામ પંચાયતોની આવકમાં ભારે નુકસાની સહન કરવી પડે છે.
વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર ના ક્રમાંકઃ વિક/25/2020 પરિપત્ર મુજબ જમીન અને મકાન ઉપર લેવાતા મિલકત વેરાની આકારણી દર ચાર વર્ષે ફરીથી કરવા માટે સૂચન કરવામાં આવેલું છે. આ પરિપત્રમાં સ્પષ્ટતા કરતા જણાવવામાં આવેલું છે કે જિલ્લામાં જે ગ્રામ પંચાયતોમાં પ્રથમ અથવા છેલ્લીઆકારણી જે લાગુ પડતું હોય તેને ચાર વર્ષ પૂર્ણ થયા હોય તો તાત્કાલિક પુનઃ આકારણીની કામગીરી હાથ ધરવી. અને ગ્રામ પંચાયતોને થતું નુકસાન ટાળવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને ખાસ ધ્યાન આપી આકારણી શકય એટલી વહેલી પૂરી થાય એનો પ્રબંધ કરવાની જવાબદારી સોંપવામાં આવેલી છે. તેમ છતાં ઉમરગામ તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતોમાં આ પરિપત્રનો પાલન કરવામાં આવતું નથી.
સરીગામ, સંજાણ, સોળસુંબા સહિતની ગ્રામ પંચાયતોમાં ઔદ્યોગિક વસાહતો અને મોટી હાઉસિંગ સોસાયટી પણ આવેલી છે. તલાટી કમ મંત્રી અને સરપંચ કરેલી આકારણી વેલ્યુએશન રિપોર્ટના આધારે કરવામાં આવેલી નથી. એનો લાભ સ્થાનિક રાજકીય આગેવાનો પોતાના સ્વાર્થ ખાતર મેળવતા હોય છે જેની આર્થિક નુકસાની ગ્રામ પંચાયતોની આવકો ઉપર પડી રહી છે. આ પ્રકારની આર્થિક નુકસાની ઉપર અંકુશ મુકવા માટે જિલ્લા વિકાસ અધિકારી તમામ ગ્રામ પંચાયતોને પુનઃ આકારણી કરાવવા માટે ફરજ પાડવી જોઈએ એવું જણાઈ રહ્યું છે.