Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ૫૧,૪૩૩ ઉમેદવારો બોર્ડની પરીક્ષા આપશે: પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં બેઠક મળી: પરીક્ષાર્થીઓ માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઇન શરૂ કરાઇ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તા.૨૮/૩/૨૦૨૨થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમિયાન એસ.એસ.એસ. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાના ૫૧,૪૩૩ ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં એસ.એસ.સી.ના ૩૨,૯૧૪, એચ.એસ.સી. સામાન્‍ય પ્રવાહના ૧૧,૮૯૫ અને એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહના ૬,૬૨૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે પરીક્ષા સમિતિની બેઠક મળી હતી. આ બેઠક અગાઉ શિક્ષણમંત્રી જીતેન્‍દ્રભાઇ વાઘાણીની અધ્‍યક્ષતામાં વિડીયો કોન્‍ફરન્‍સ પણ યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટર ક્ષિપ્રા આગ્રેએ પરીક્ષાલક્ષી તમામ કામગીરી તટસ્‍થ રીતે થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી કે. એફ. વસાવાએ જણાવ્‍યું હતું કે, વલસાડ જિલ્લામાં એસ.એસ.સી.ની પરીક્ષા ૩૧ કેન્‍દ્રો ઉપર ૯૬ બિલ્‍ડિંગના ૧૧૨૫ બ્‍લોકમાં, એચ.એસ.સી. સામાન્‍ય પ્રવાહની પરીક્ષા ૧૬ કેન્‍દ્રો ઉપર ૩૪ બિલ્‍ડિંગના ૩૬૧ બ્‍લોકમાં જ્‍યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૭ કેન્‍દ્રો ઉપર ૨૬ બિલ્‍ડિંગોના ૩૨૫ બ્‍લોકમાં લેવાશે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્‍દ્ર ઉપર સી.સી.ટી.વી. કેમેરા, બ્‍લોક વ્‍યવસ્‍થા, કમ્‍પાઉન્‍ડ, લાઇટ, પંખા, પીવાના પાણીની સુવિધા ઉપલબ્‍ધ છે. આ પરીક્ષા સંદર્ભે ત્રણ ઝોનલ અધિકારીઓ, ૬ કંટ્રોલરૂમ સ્‍ટાફ, ૫૮ ઝોન કચેરીના સ્‍ટાફ, ૧૬૪ સરકારી પ્રતિનિધિઓ, ૧૫૬ સ્‍થળ સંચાલકોની નિમણુંક કરી તાલીમ આપવામાં આવી છે. તેમજ પરીક્ષા બિલ્‍ડિંગ ખાતે ૨૫૯૧ કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે.

પરીક્ષા દરમિયાન આ બિલ્‍ડિંગોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્‍યા વિસ્‍તારમાં ઝેરોક્ષ મશીન બંધ રાખવા, પરીક્ષાર્થીઓ પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેકટ્રોનિક, ડીજીટલ કે સ્‍માર્ટ ઉપકરણો અને બિનઅધિકૃત સાહિત્‍યનો ઉપયોગ ન કરવા માટે કલેકટર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળનું જાહેરનામું લાગુ કરવામાં આવ્‍યું છે. પરીક્ષાલક્ષી તમામ સાહિત્‍ય લાવવા કે લઇ જવા માટે, ઝોન કચેરી ખાતે તેમજ પ્રત્‍યેક પરીક્ષા બિલ્‍ડિંગો ઉપર સલામતી વ્‍યવસ્‍થા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જરૂરિયાત મુજબનો પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવશે.

પરીક્ષાર્થીઓ સ્‍વાભાવિક રીતે માનસિક ડર, હતાશા, ચિંતા અને ઉન્‍માદ અનુભવતા હોય છે. આ પ્રકાના લક્ષણો અને મૂંઝવણ નિવારવા તેમજ વિદ્યાર્થીઓ તણાવમુકત તેમજ હકારાત્‍મક વલણ સાથે કારકિર્દીના સીમારૂપ જાહેર પરીક્ષામાં સફળતા મેળવે તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ ૨.૦ હેલ્‍પલાઇન શરૂ કરવામાં આવી છે. જેનો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપયોગ કરી તેમને મૂંઝવતા પ્રશ્‍નો માટે માર્ગદર્શન મેળવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

કોરોના મહામારીને ધ્‍યાને લઇ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારી/ કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓ સરકારની અદ્યતન સૂચનાનું ચુસ્‍તપણે પાલન કરે તે જરૂરી હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

Related posts

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

રાજસ્‍થાન-મધ્‍યપ્રદેશ-છત્તીસગઢમાં ભગવો લહેરાતા વાપી-વલસાડમાં વિજયોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા વેસ્‍ટર્ન રિજીયન માટે બે દિવસીય યોજાયેલી વાર્ષિક તરણ સ્‍પર્ધા

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah

ધરમપુરમાં રૂા.1.15 કરોડના ખર્ચે નિર્માણ થનાર લાઈબ્રેરીનું ભૂમિપૂજન રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયું

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

Leave a Comment