Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

રૂ. 3.49 કરોડના ખર્ચે બનનારા રસ્તા, આંગણવાડી અને ડ્રેનેજ સહિતના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ. 46.20 લાખના ખર્ચે તૈયાર પાણીની સુવિધા, સ્મશાન ગૃહ, પંચાયત ઘર સહિતનું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: સરકારી સેવાઓ અને લાભો જન જન સુધી પહોંચે તે માટે છેલ્લા 20 વર્ષમાં થયેલા વિકાસના કાર્યોની ઉજવણીના ભાગરૂપે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ તા. 12 સપ્ટેમ્બરને સોમવારે સવારે 10 કલાકે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં વલસાડ તાલુકામાં રૂ. 3 કરોડ 49 લાખ 60 હજારના ખર્ચે બનનાર આંગણવાડી, રસ્તા, સામૂહિક ખાળકૂવા, વનીકરણ, વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન અને નાળા-ગટર સહિતના કુલ 24 કામોનું ઈ- ખાતમુહૂર્ત જ્યારે રૂ. 46 લાખ 20 હજારના ખર્ચે તૈયાર થયેલા રસ્તા, પંચાયત ઘર, પાણીની સુવિધા, ન્યુટ્રી ગાર્ડન અને સ્મશાન ગૃહ સહિતના કુલ 15 કામોનું ઈ- લોકાર્પણ ભરતભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉર્જા અને સિંચાઈ ક્ષેત્રે સરકારની સિધ્ધિઓની માહિતી આપતા વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સરકારની યોજનાઓનો છેવાડાના માનવી સુધી લાભો મળે તે રીતનું આયોજન કર્યું હતું. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી થકી લોકોમાં જાગૃત્તિ આવી અને બાળકો શાળાએ જતા થતા ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. રાજ્યમાં નવી નવી મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજ શરૂ થઈ છે. અસ્ટોલ યોજનાથી ધરમપુર-કપરાડામાં 200 માળ સુધીની ઉંચાઈએ પીવાનું પાણી પહોંચતુ કર્યું છે. રૂ. 5 લાખ સુધીની મફત સારવાર આયુષ્યમાન કાર્ડ થકી મળે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકાસ લક્ષી અને સબળ નેતૃત્વ હોવાથી 100 ટકા વિકાસ થાય છે. દરેક ગામ અને શહેરમાં લોકોની મહત્તમ અપેક્ષા પુરી કરી શક્યા છે જે વડાપ્રધાનશ્રી મોદીના નેતૃત્વ અને દિર્ઘદ્રષ્ટીને આભારી છે. વિશ્વભરમાં આપણા વડાપ્રધાન ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. વધુમાં ધારાસભ્યશ્રી ભરતભાઈએ કહ્યું કે, તાલુકાનું એક પણ એવુ ગામ બાકી નથી કે જ્યાં મુખ્ય રસ્તો હોટમીક્ષથી બન્યો ન હોય. જે સરકારનો 20 વર્ષનો વિશ્વાસથી વિકાસ દર્શાવે છે.
આ પ્રસંગે માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી ગુજરાતની વિકાસ ગાથા ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂ.1.19 કરોડના 15 કામોનું ખાતમુહૂર્ત અને 0.33 કરોડના 9 કામોનું લોકાર્પણ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રૂ. 2.26 કરોડના 5 કામોનું ખાતમુહૂર્ત, સામાન્ય વહીવટ વિભાગ- આયોજન દ્વારા રૂ. 4.60 લાખના 4 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 13.20 લાખના 6 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશસિંહ ઠાકોરે જણાવ્યું કે, આજે એવુ એક પણ ઘર બાકી નથી રહ્યું કે, જ્યાં સરકારની યોજના પહોંચી ન હોય. 25 વર્ષ પહેલા ધરમપુરના ગામડામાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું હતુ પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીના કારણે આજે દરેક ઘરમાં દરેક બાળક શિક્ષણ લઈ રહ્યું છે. છેવાડના લોકો સુધી વિકાસ કાર્યો પહોંચ્યા છે. નાનામાં નાના લોકો પણ હવે જાગૃત થતા વિકાસના કામો પૂરજોશમાં થઈ રહ્યા છે.
વલસાડ નગરપાલિકના પ્રમુખ કિન્નરીબેન દેસાઈએ જણાવ્યું કે, સૌનો સાથ અને સૌનો વિકાસ સરકારે સિધ્ધ કરી બતાવ્યો છે. આજે વિશ્વાસ અને વિકાસ શબ્દ એક બીજાના પર્યાય બની ગયા છે. શહેરથી લઈને ગામડા સુધી આજે વિકાસલક્ષી કાર્યો જોવા મળી રહ્યા છે.
કાર્યક્રમમાં વલસાડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવાંશીબેન પટેલ, જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ધવલભાઈ પટેલ, તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન આશિષભાઈ ગોહિલ,પાલિકાના કોર્પોરેટર અને બાળ સુરક્ષા એકમના ચેરપર્સન સોનલબેન સોલંકી, પાલિકાના વિરોધ પક્ષના નેતા ગીરીશભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, મામલતદાર (ગ્રામ્ય) તેજલબેન પટેલ અને મામલતદાર(શહેરી) કલ્પનાબેન ચૌધરી સહિતના અધિકારી-પદાધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન વલસાડ તાલુકા વિકાસ અધિકારી વિમલ પટેલ અને આભારવિધિ પાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈએ કર્યું હતું.

Related posts

સુશાસન સપ્તાહ અંતર્ગત : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભીમપોર ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી

vartmanpravah

આજે વાપીમાં યુવા અનાવિલ સંગઠન દ્વારા 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કારનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, ત્રણ અન્‍ય પાર્ટી અને બેઅપક્ષ મળી સાત વચ્‍ચે જંગ

vartmanpravah

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment