Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 ડાહ્યાભાઈના પ્રથમ સાંસદ કાળમાં દમણ-દીવની રાજનીતિમાં કેતન પટેલ અને વિશાલ ટંડેલની યુવા બ્રિગેડે ઉભો કરેલો દબદબો

28મી ઓગસ્‍ટ, 2003ની ગોઝારી પુલ દુર્ઘટના પણ ડાહ્યાભાઈ પટેલના સાંસદ કાળમાં જ બની હતી અને નવા પુલનું ખાતમુહૂર્ત પણ નંખાયું હતું

સાંસદ તરીકે ચૂંટાયાના માંડ બે મહિનામાં ભારત સરકારના ગૃહ મંત્રાલયમાંથી દમણ-દીવની મુક્‍તિના પ્રદેશ સ્‍તરના સમારંભમાં પ્રશાસકશ્રીની સાથે સંબોધનની પરવાનગી મેળવવા પણ સફળ રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : 1999ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલના વિજય સાથે દમણ અને દીવમાં કોળી પટેલ સમાજના મજબૂત પાયાની શરૂઆત થઈ હતી. માછી સમાજના પ્રભુત્‍વ ઉપર ચાલતા ભારતીય જનતા પાર્ટીના દમણ અને દીવ સંગઠનના પાયા પણ ધીરે ધીરે ધ્‍વંસ્‍ત થવા લાગ્‍યા હતા.
1999થી 2004ના સમયગાળા દરમિયાન યુવા નેતા તરીકે શ્રી કેતનભાઈ પટેલ અને શ્રી વિશાલભાઈ ટંડેલ સમગ્ર દમણ અને દીવમાં છવાઈ ગયા હતા. 1999ના ઓક્‍ટોબરમાં શ્રી ડાહ્યાભાઈ પટેલ સાંસદ તરીકે ચૂંટાયા બાદ દમણ અને દીવના ઇતિહાસમાં પહેલી વખત 19મી ડિસેમ્‍બર, 1999ના દમણ અને દીવના મુક્‍તિ દિવસના પ્રદેશસ્‍તરના સમારંભમાં પ્રશાસકશ્રીની સાથે સમારંભને સંબોધવાની તક પ્રાપ્ત કરી હતી.
કેન્‍દ્રમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્‍વમાં ભાજપ સરકાર હોવા છતાં કોંગ્રેસના સાંસદ તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલે 19મી ડિસેમ્‍બરના મુક્‍તિ દિવસના પ્રદેશ સ્‍તરના કાર્યક્રમમાં ગૃહ મંત્રાલયની મંજુરીથી સંબોધન કરવાની તક પ્રાપ્ત કરી હતી. આ પ્રકારની પરંપરાનો લાભ ફક્‍ત દાદરા નગર હવેલીના મુક્‍તિ દિવસના કાર્યક્રમમાં 2 ઓગસ્‍ટે તત્‍કાલિન સાંસદ શ્રી મોહનભાઈ ડેલકર જ ભોગવતા હતા. 1999 સુધી દમણ અને દીવના કોઈપણ સાંસદે મુક્‍તિ દિવસના કાર્યક્રમમાં બોલવાની તક ઝડપી નહીં હતી.
કેન્‍દ્રમાં ભાજપનું શાસન હોવા છતાં શ્રી ડાહ્યાભાઈ પટેલ દમણ અને દીવમાં વિકાસના કામો કરાવવા તથા પોતાનો મોભો અને વટ જાળવી રાખવા સફળ રહ્યા હતા.
શ્રી ડાહ્યાભાઈ પટેલના સાંસદ કાળમાં 28મી ઓગસ્‍ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં 28 માસૂમ વિદ્યાર્થીઓ, 1 શિક્ષક અને રાહદારી મળી કુલ 30 વ્‍યક્‍તિઓના મોત થયા હતા. સમગ્ર દમણ શોકમગ્ન બન્‍યું હતું. પુલ દુર્ઘટનાના કારણે નાની અને મોટી દમણ વચ્‍ચે વ્‍યવહાર પણ ઠપ્‍પ થયો હતો. કચીગામ કોઝવે ઉપર પણ વરસાદમાં પાણી ફરી વળતાં નાની અને મોટી દમણ સંપર્ક વિહોણાં બની જતાં હતા.
ભાજપ સરકારના તત્‍કાલિન કેન્‍દ્રિય ગૃહ રાજ્‍યમંત્રી શ્રી હરિનભાઈપાઠકે 28મી જાન્‍યુઆરી, 2004ના રોજ હાલના રાજીવ ગાંધી સેતૂનું ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કર્યું હતું અને 2004ની લોકસભાની સામાન્‍ય ચૂંટણીના પડઘમ પણ શરૂ થયા હતા. (ક્રમશઃ)

Related posts

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

વલસાડના છીપવાડમાં ગંદી ગંગલી ખાડીમાં નશામાં ચકચૂર યુવાન ખાબકી ગયો

vartmanpravah

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્‍યક્ષ મૈત્રીબેન પટેલે ડીપીએલ-3ની નિહાળેલી મેચો

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ ખત્રીવાડ દિપક એન્‍ડ સન્‍સ ટી સ્‍ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચી

vartmanpravah

Leave a Comment