Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

મતદાનના દિવસે કોઈ પણ મતદારોને બુથ પર અગવડતા ન પડે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી

મતદાનના દિવસે કંપનીઓમાં સવેતન રજા હોવાથી કામદારો મતદાન માટે ગયા કે નહીં તેની ટીમ દ્વારા તપાસ પણ કરાશે

હિટવેવની સંભવિત અસરને પગલે મતદારો માટે બુથ પર પાણી, મેડિકલ કિટ સહિતની વ્‍યવસ્‍થા કરાઈ

ગુજરાતમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં પરવાના ધરાવતા 603 હથિયાર જમા કરાયા

વિવિધ ગુનામાં કુલ 7244 આરોપીની અટકાયત કરાઈ, 17ને તડીપાર કરાયા, 14 પાસામાં ધકેલાયા

પ્રોહિબિશનના 2580 કેસ કરી 2 કરોડ 94 લાખનો 22127 લીટર દારૂ જપ્ત કરાયો, 2591ની ધરપકડ થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: 26-વલસાડ (અ.જ.જા.) બેઠક પર તા.7 મે ના રોજ મતદાન થનાર છે ત્‍યારે મતદારો નિર્ભિક અને ભય મુક્‍ત વાતાવરણમાં ન્‍યાયી રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની માહિતી મતદારો સુધી પહોંચે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને અને જિલ્લા પોલીસ વડાશ્રી ડો.કરણરાજ વાઘેલાની ઉપસ્‍થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્‍ફરન્‍સનું આયોજનકરવામાં આવ્‍યું હતું. જેમાં મતદાનના દિવસે કોઈ પણ મતદારોને મતદાન મથક પર અગવડતા નહીં પડે તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું કે, વલસાડ જિલ્લામાં જે મતદાન મથકો પર ગત ચૂંટણીમાં ઓછુ મતદાન થયુ હતુ તેવા 135 બુથ આઈડેન્‍ટીફાઈ કરી મતદાન વધારવા માટે સ્‍વીપ એક્‍ટિવિટી હેઠળ અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે. આચારસંહિતા ભંગની અત્‍યાર સુધીમાં સી-વીજીલ એપ અને કંટ્રોલરૂમ પર જે પણ ફરિયાદો આવી હતી તે તમામ ફરિયાદનો નિકાલ કરાયો છે. વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો વધુ હોવાથી ફેક્‍ટરી-કંપનીઓમાં કામ કરતા કામદારો તેમજ કર્મચારી તા.7 મે ના રોજ મતદાન કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરાઈ છે. તેઓ મતદાન કરવા જાય તે માટે મતદાનના દિવસે ફેકટરી-કંપનીઓમાં ટીમ દ્વારા તપાસ પણ કરાશે. મતદારોને કોઈપણ અગવડતા ન પડે તેની કાળજી રાખવામાં આવી છે. હીટ વેવ સંદર્ભે પણ આરોગ્‍ય વિભાગને સૂચના આપી દેવાઈ છે. જેથી મતદાન મથકે મેડિકલ કીટ ઉપલબ્‍ધ કરાશે. આ સિવાય મતદારો માટે પાણી, છાંયડામાં બેઠક વ્‍યવસ્‍થા સહિતનું આયોજન કરી દેવાયું છે. વલસાડ બેઠક પર સાત ઉમેદવાર અને એકનોટા એમ કુલ 8 સાથેનું બેલેટ પેપર તૈયાર કરી ઈવીએમમાં કમિશનિંગ માટેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવાશે એમ કહ્યું હતું. 85 વર્ષથી વધુ વયના મતદારો કે જેઓ બુથ પર આવી શકે તેમ ન હોય તેઓના ઘરે જઈ મતદાન કરાવવાની કામગીરી પણ આજથી શરૂ થઈ ચૂકી છે. દિવ્‍યાંગ મતદારોને બુથ પર મદદ મળી રહે તે માટે એનસીસીના 18 વર્ષથી નીચેના ક્રેડેટ પણ સેવામાં હાજર રહેશે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્‍યું કે, જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય અને કાયદો વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં સૌથી વલસાડ જિલ્લામાં પરવાના ધરાવતા 603 હથિયાર જમા કરાયા છે. 324 બુટલેગરો, 37 હિસ્‍ટ્રી શીટરો, 29 સક્રિય ગુનેગારો, એનડીપીએસના ગુનાના 29 આરોપી અને મિલકત સંબંધી ગુનાના 46 આરોપી સહિત કુલ 7244 આરોપીઓ વિરૂધ્‍ધ અટકાયતી પગલા લેવામાં આવ્‍યા છે. 17 આરોપી વિરૂધ્‍ધ તડીપાર અને 14 વિરૂધ્‍ધ પાસાના અટકાયતી પગલા લેવાયા છે. દારૂના ગુનામાં જામીન મેળવ્‍યા બાદ ફરી દારૂની પ્રવૃતિ ચાલુ કરતા 104 આરોપીના જામીન રદ કરાવવા તેમના વિરૂધ્‍ધ સીઆરપીસી કલમ 122ની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ 1 આરોપીનાજામીન રદ કરી જેલ હવાલે કર્યો છે. પ્રોહિબિશનના 2580 કેસ કરી 2 કરોડ 94 લાખનો 22127 લીટર દારૂ જપ્ત કરી 2591ની અટક કરવામાં આવી છે. 32 ચેક પોસ્‍ટ પર ડ્રંક એન્‍ડ ડ્રાઈવના 208 અને પ્રોહિબિશનના 780 કેસ કરાયા છે. 16 માર્ચથી અત્‍યાર સુધીમાં વિવિધ ગુનામાં નાસતા ફરતા 97 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્‍યા છે. આ સિવાય સરહદી જિલ્લાઓમાં 7 જેટલી બોર્ડર કોન્‍ફરન્‍સ કરી છે. કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા માટે જિલ્લાને કુલ 5 કંપની સી.એ.પી.એફ. અને 2 સેકશન એસ.આર.પી. ફાળવવામાં આવી છે. જેઓ દ્વારા આંતર રાજ્‍ય ચેકપોસ્‍ટ, એરિયા ડોમીનેશન, ફૂટ પેટ્રોલીંગ અને ફલેગ માર્ચની કાર્યવાહી કરવામાં આવનાર છે.
વલસાડ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહે પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા જિલ્લાના મતદારો, નવા એપીક કાર્ડ, પોલીંગ સ્‍ટેશન, ઈવીએમ-વીવીપેટ, ચૂંટણી પ્રકિયામાં ફરજ બજાવતો સ્‍ટાફ, પોસ્‍ટલ બેલેટ, એફએસટી અને એસએસટી ટીમની રાઉન્‍ડ ધ ક્‍લોક કામગીરી, જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલ, કમ્‍પલેઈન્‍ટ મોનીટરીંગ સેલ, ઉમેદવારો અને સ્‍વીપની કામગીરી વિશે માહિતી આપી હતી. આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં વલસાડ જિલ્લાના પ્રિન્‍ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ફાઈનલ મતદાર યાદીમાં 11763 મતદારોનો વધારો નોંધાયો

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા.01-01-2024ના રોજ 26-વલસાડ (અ.જ.જા.) સંસદીય મતદાર વિભાગની મતદારી યાદી પ્રસિધ્‍ધ કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક, નવસારીની વાંસદા અને ડાંગની એક બેઠક મળી કુલ 7 સીટ પર 1848211 મતદારો નોંધાયા હતા. જ્‍યારે આજે પ્રેસ કોન્‍ફરન્‍સમાં જાહેર કરાયેલી અંતિમ મતદાર યાદીમાં 11763 મતદારોના વધારા સાથે કુલ 1859974 મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 945530 અનેસ્ત્રી મતદારો 914425 તેમજ થર્ડ જેન્‍ડર મતદાર 19નો સમાવેશ થાય છે.

7 વિધાનસભા બેઠક પર 2006 મતદાન મથકમાંથી 480 સંવેદનશીલ મતદાન મથકો
શેડો એરિયા ધરાવતા 64 મતદાન મથકો પર વાયરલેસ સિસ્‍ટમ ગોઠવાશે

26-વલસાડ બેઠક પર કુલ સાત વિધાનસભા મત વિસ્‍તારમાં 1355 સ્‍થળો પર કુલ 2006 મતદાન મથકો છે. જેમાંથી વલસાડ જિલ્લાની પાંચ સીટના 1356, ડાંગના 329 અને વાંસદાના 321 મતદાન મથકો છે. 1300 થી વધુ મતદારો ધરાવતા 164 મતદાન મથકો છે. શેડો એરિયા ધરાવતા 64 મતદાન મથકો છે. જ્‍યાં નબળી કનેકટીવીટીના પ્રશ્ન રહે છે. જેથી આ બુથ પર વાયરલેસ સિસ્‍ટમ ઉભી કરવામાં આવી છે. આ સિવાય ફોરેસ્‍ટ ખાતામાંથીરનર્સની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. મહિલા મતદારોને પ્રોત્‍સાહિત કરવા માટે 49 મતદાન મથકો માત્ર મહિલા કર્મીઓ દ્વારા સંચાલિત હશે. જે પિંક બુથ અથવા સખી બુથ તરીકે ઓળખાશે. 7 મોડલ પોલીંગ સ્‍ટેશન હશે. 3 મતદાન મથક માત્ર યુવાઓ દ્વારા સંચાલિત હશે જ્‍યારે 7 મતદાન મથકો માત્ર દિવ્‍યાંગ કર્મીઓ દ્વારા સંચાલિત હશે. કુલ 2006 મતદાન મથકોમાંથી 480 સંવેદનશીલ પોલીંગ સ્‍ટેશનો પર 127 માઈક્રો ઓબ્‍ઝર્વર નિગરાની રાખશે તેમજ ફરજિયાત પણ વેબ કાસ્‍ટીંગ કરવામાં આવશે.

કુલ 22617 સરકારી કર્મચારીઓ પોસ્‍ટલ બેલેટથી મતદાન કરશે

વલસાડ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી ઉમેશ શાહે પોસ્‍ટલ બેલેટની માહિતી આપતા જણાવ્‍યું કે, વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પરંતુ અન્‍ય જિલ્લાની વિધાનસભા સીટ ધરાવતા હોય તેવા પોલીંગ સ્‍ટાફ, અન્‍ય સ્‍ટાફ અને એસઆરપીએફ કર્મચારી મળી કુલ 9079 કર્મચારીઓના પોસ્‍ટલ બેલેટ (ફોર્મ 12) રીસીવ થયા છે. જ્‍યારે 26-વલસાડ બેઠકની જ વિધાનસભા મતદાર યાદીમાં નામ ધરાવતા હોય અને 26-વલસાડ બેઠક વિસ્‍તારમાં જ ફરજ બજાવતા હોય તેવા 7858 કર્મચારીઓ પોસ્‍ટલ બેલેટ (ફોર્મ 12-એ) થી મતદાન કરશે. આ સિવાય 26 વલસાડ વિધાનસભા બેઠકના વિસ્‍તારની મતદાર યાદીમાં નામ ધરાવતા હોય પરંતુ અન્‍યજિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા 5680 કર્મચારીઓના પોસ્‍ટલ બેલેટ (ફોર્મ-12) સ્‍વીકારવામાં આવ્‍યા છે. આમ, કુલ 22617 સરકારી કર્મચારીઓ પોસ્‍ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કરશે.

Related posts

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah

સેલવાસ ડોકમરડી જૂના બ્રિજની દુર્ઘટનાનો ભોગ બનનાર મુકુલ ભગતના પરિવારને જિલ્લા પ્રશાસને પ્રદાન કરેલી નાણાંકીય સહાય

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ યોગાસન હરીફાઈ બાદ પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે દીપેન.એચ.શાહે હવાલો સંભાળ્‍યો

vartmanpravah

Leave a Comment