આરોપી બે ડ્રાઈવર-બે ક્લિનર પોલીસ સ્ટેશન લઈ જવાતા 1 ક્લીનર કુદી ફરાર : 20.88 લાખનો મુદ્દામાલ જપ્ત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: વાપી ટાઉનમાં રહેતા હિંસા નિવારણ સંઘના સંચાલક અને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગરના કારોબારી સભ્ય રાજેશ હસ્તીમલ શાહને શનિવારે બાતમી મળી હતી કે પાલનપુરથી બે ટ્રક બકરા ભરી ભિવંડી મુંબઈ તરફ જવા નિકળી છે. હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ બગવાડા ટોલનાકાથી પીછો કરી બન્ને ટ્રકો ગુંજન ફલાય ઓવરબ્રિજ નીચે અઠકાવી પકડી પાડી હતી.
બાતમી બાદ રાજેશ શાહે જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ સાથે બગવાડા ટોલનાકા પાસે વોચ ગોઠવી બાતમી વાળી ટ્રક નં.જીજે 24 વી 7023 તથા ટ્રક નં.જીજે 24 વી 5910 ને ગુંજન હાઈવે ફલાય ઓવરબ્રિજ છેડે અટકાવી દીધી હતી. ટ્રકમાં 32+56 મળી કુલ 88 બકરા ક્રરતાપૂર્વક ભરીને ભિવંડી મુંબઈ લઈ જવાતા હતા. પોલીસે બે ડ્રાઈવર અને બે ક્લિનરને ઝડપી લઈ પો.સ્ટે. લઈ જવાતા હતા ત્યારે એક ક્લિનર ભાગી છૂટયો હતો. પોલીસે ફરારજાહેર કરી ચાર વિરૂધ્ધ ગુનો નોંધી ટ્રક અને બકરા મળીને રૂા.20.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બકરા ભરાવનાર અને લેનારને વોન્ટેડ જાહેર કરાયા હતા.