પારડી પોલીસે સાચું કારણ જાણવા પરિવારજનોના લીધા નિવેદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડી તાલુકાના સુખેશ ગામે ખાડી ફળિયા ખાતે સ્મશાનભૂમિની બાજુમાં રહેતા અને સોનવાડા વચલા ફળિયાના એવા જયેશભાઈ કીકુભાઈ કો. પટેલ ઉ.વ. 38 ના પરિવારજનો રવિવારના રોજ ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. અને જયેશ ઘરે એકલો હાજર હતો ત્યારે જ્યેશે સવારે 9 થી 11:30 ના સમયગાળા દરમિયાન તેના ઘરના બેડ રૂમમાં પંખા સાથે સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કોઈ સંબંધી ઘરે આવતા જયેશને ફાંસો ખાધેલો જોઈ ગભરાઈ ગયા હતા. અને પરિવારજનોને તથા આજુબાજુના લોકો તેમજ ગામના સરપંચના પતિ ચંદ્રકાન્તભાઈ પટેલને જાણ કરાતા તેવો પણ દોડી આવ્યા હતા અને આ અંગેની જાણપારડી પોલીસને કરવામાં આવતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી જયેશના મૃતદેહનો કબજો મેળવી પારડી સી.એચ.સી. ખાતે લાવી પી.એમ. કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે જયેશભાઈ અચાનક કરેલા આપઘાતનું કારણ બહાર આવ્યું નથી જે જાણવા પોલીસે પરિવારના જરૂરી નિવેદન લેવાની કાર્યવાહી પણ શરૂ કરી હતી.