ઝડપાયેલ ૧.૩૬૫ કિલોગ્રામનો ‘‘ઍમ્બર ગ્રીસ’’ની બજાર કિંમત અંદાજે ૨ કરોડ થાય છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,તા.23: રાજ્યને હરિયાળુ બનાવવા માટે સામાજીક વનીકરણ વિભાગ અસરકારક કામગીરી કરી રહ્યું છે. પરંતું ફક્ત રાજ્યને હરિયાળુ જ નહી વનસંપદાઓ ઉપર નભતા પશુ પક્ષીઓનું રક્ષણ કરી એક સંતુલિત સમાજનો નિર્માણ કરવાનો ઉદ્દેશ પણ સામાજીક વનીકરણ વિભાગ ધરાવે છે. અસામાન્ય લાગતી તેઓની કામગીરીમાં જાહેરજનતાએ ઘણી વખત જાણવા અને શિખવા યોગ્ય બનાવો બનતા હોય છે. આવો એક બનાવ નવસારી જિલ્લામાં તાજેતરમાં બન્યો છે. સામાજીક વનીકરણ વિભાગ નવસારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ના અનુસૂચિ-1 થી સંરક્ષીત વ્હેલ માછલીની ઉલ્ટી ‘‘એમ્બર ગ્રીસ”નું ગેરકાયદેસર વેચાણ અને વાહતુકની પ્રવૃતિ પર વોચ રાખી આવી પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
તાજેતરમાં આ કામગીરી અન્વયે સુપા રેંજના કર્મચારીઓને ખાનગી બાતમી દરમિયાન ગત તા.06/08/2024 ના રોજ શંકાસ્પદ વાહન નં. (1) જીજે 21 4926, (2) જીજે 15 કે 6863 ની હિલચાલ નવસારીમાં જોવા મળતા સુપા રેંજ સ્ટાફ દ્વારા સુપ્રીમ હોટેલ ગ્રીડ નવસારી પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકું સફળતા પુર્વક પાર પાડતા વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બર ગ્રીસ)નું ગેરકાયદેસર વેચાણ કરતાં ઈસમોમાં (1)મિલનકુમાર ધીરૂભાઈ પટેલ ઉ.વ.આ. 27 રહે.ચોબડીયા ફળિયા, ધનોરી, વલસાડ, (2) વિનયભાઈ ભાણાભાઈ હળપતિ ઉ.વ.આ. 22 રહે.વલોટી, તા.ગણદેવી, જી.નવસારી, (3) વિશાલકુમાર મુકેશભાઈ પટેલ ઉ.વ.આ. 27 રહે.વલોટી, તા.ગણદેવી, જી.નવસારી, (4) પટેલ ભાવિનકુમાર જગુભાઈની ઉ.વ.આ. 29 રહે.ઘેજ, પહાડ ફળિયા તા.ચીખલી, જી.નવસારીને ‘‘એમ્બર ગ્રીસ” સાથે રંગે હાથ ઝડપી પાડી તે ઇસમો વિરૂધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુન્હો દાખલ કરી જરૂરી કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ 4 આરોપીઓની જામીન અરજી મે.જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી, નવસારી (ફ.ક.) દ્વારાના મંજૂર કરી દેવામાં આવી હતી. આ આરોપીઓના રિમાન્ડ દરમિયાનની તપાસમાં નવસારી જિલ્લા સામાજીક વનીકરણ વિભાગના સુપા રેંજ સ્ટાફ દ્વારા વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બર ગ્રીસ)નો 1.360 કિ.ગ્રા. જેટલો જથ્થો વલસાડથી પકડી પાડ્યો હતો. ‘‘એમ્બર ગ્રીસ” એટલે કે વ્હેલ માછલીની ઉલ્ટી જેની અંદાજીત બજાર કિંમત 2 કરોડ છે.
આ જથ્થા અને આરોપીઓને ગત તા.20/08/2024ના મે.ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી નવસારીની કોર્ટમાં દાખલ કરતાં મે. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી નવસારીની કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં સરકાર પક્ષે સરકારી વકીલશ્રી તુષારસુલે દ્વારા ધારદાર રજૂઆત કરી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ના ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીઓનું ગુન્હામાં મુખ્ય રોલ અને આવા ગુન્હાઓથી પર્યાવરણ અને વન્ય જીવસૃષ્ટી પરની ગંભીર અસરો અને આવા પ્રકારના ગુન્હાઓમાં અલગ-અલગ જજમેન્ટો સાથે વિગતવારની રજૂઆતો કરી હતી.
આ તમામ રજૂઆતો સાંભળી તપાસના સાંધનીક કાગળો રજુ કરાતા મે.ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી નવસારીની કોર્ટ દ્વારા ચારો આરોપીઓના જમીન અરજી નામંજૂર કરી દેવામાં આવી હતી. તમામ આરોપીઓ હાલ જેલમાં છે. આમ, કર્મનિષ્ઠ અધિકારી કર્મચારીઓની ટીમના કારણે આરોપીઓને પકડી શકયા અને સમાજમાં પશુ પક્ષીઓ ઉપર થતા અત્યાચારો અંગે નાગરિકોને જાગૃત કરી શકયા છીએ. પોલીસ વિભાગ કે વનીકરણ વિભાગ દ્વારા અવારનવાર આરોપીઓ કે શકમંદો સાથે મુટભેડ થતી રહેતી હોય છે. આવા કિસ્સાઓમાં પોતાના જીવને જોખમમાં મુકી પશુ પક્ષીઓનું રક્ષણ કરી સમાજને યોગ્ય દિશા આપતા તમામ કર્મનિષ્ઠ અધિકારી કર્મચારીઓ પ્રસંશાને પાત્ર છે.
આ પ્રશંસનીય કામગીરી કરનાર શ્રી એચ. પી. પટેલ રેંજ ફોરેસ્ટ ઓફિસર સુપા રેંજ, શ્રીમતી એમ. પી. પટેલ રાઉન્ડ ફોરેસ્ટ સિસોદ્રા, શ્રી ડી. એન. પટેલ ફોરેસ્ટ ગાર્ડ સિસોદ્રા, શ્રી એન. પી. રાઠોડ ફોરેસ્ટ ગાર્ડખડસુપાનો સમાવેશ થાય છે.