‘ઉલટા ચોર કોટવાલકો ડાટે’ની જેમ પોલીસ સ્ટેશન બહાર લોકો સાથે છેતરપિંડી કરનાર નિતેશના પરિવારના સભ્યોએ મહિલા રોકાણકર્તાને થપ્પડ મારી દેતાં મામલો ઉગ્ર બન્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની વચ્ચે આવેલા ગુજરાતના કપરાડા તાલુકાના મેઘવાળ ગામના યુવાને દાનહના મસાટ ગામે ઓફિસ રાખી લોકોને ટ્રેડિંગના નામે પૈસાનું રોકાણ કરાવી છ મહિનામાં પૈસા ડબ્બલ કરી આપવાની લાલચ આપી ત્રીસથી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી. ત્યારબાદ લોકોને પૈસા પરત નહીં આપી યુવાન ફરાર થઈ ગયો હતો. જે હાલમાં રોકાણકારોના હાથે ઝડપાઈ જતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર નિતેશ પટેલ હાલ- રહેવાસી મેઘવાળ(તાલુકો કપરાડા, જિ.વલસાડ) જેણે દાહના મસાટ ગામે સાંઈ નગર સોસાયટીમાં ટ્રેડિંગની ઓફિસ ખોલી હતી. નિતેશે સ્થાનિકોને લાલચ આપતા જણાવ્યું હતું કે, ‘‘તમારા પૈસા શેરબજારમાં રોકો હું તમને છ મહિનામાં ડબ્બલ કરી આપીશ.” જેથી ત્રીસથી વધુ લોકોએ રૂા. એક લાખથી લઈ પાંચ લાખ સુધીનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ છ મહિનાની મુદ્દત પૂર્ણ થતાં રોકાણકારોએ એમના પૈસા પરત માંગ્યા હતા. તે સમયે નિતેશે લોકો સાથેગલ્લા-તલ્લા કરી સમજાવીને કાઢી મુકતો હતો. આ મામલો પંચાયતમાં પણ પહોંચ્યો હતો અને ત્યાં દરેકને એમના રોકેલા પૈસા પરત આપવા માટે સમાધાન પણ કરેલ ત્યારબાદ નિતેશ અહીંથી ફરાર થઈ ગયો હતો. જે અચાનક શુક્રવારના રોજ બપોરે એની ગાડી લઈને જતાં જોતા ગામના લોકોએ એ ગાડીનો પીછો કરી સામરવરણી પુલના છેડે અટકાવી એની પાસે પૈસાની માંગણી કરી હતી, એ દરમ્યાન કેટલાક લોકોએ એની સાથે ઢોલધપાટ પણ કરી હતી આ જોતાં નિતેશ ત્યાંથી એની ગાડી લઈને સીધો સેલવાસ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો હતો અને પોલીસને જણાવેલ કે મારી જાનને ખતરો છે, મને મારા ગામના લોકો મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.
ચીટર નિતેશ પટેલ સેલવાસ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો છે એ ગામના અન્ય રોકાણકર્તાઓને ખબર પડતાં પોલીસ સ્ટેશન પર દોડી આવ્યા હતા, જેમાં કેટલીક મહિલાઓ પણ હતી અને એમણે જે પૈસા નિતેશને આપ્યા હતા તે અંગેના બેંક સ્ટેટમેન્ટ તેમજ એમને જે રસીદ આપવામાં આવેલ તે પણ પોલીસને બતાવી હતી પરંતુ પોલીસ અધિકારી દ્વારા ‘‘આ નિતેશ વિરુદ્ધ અમારી પાસે કોઈપણ ફરિયાદ નથી આવી, જેથી અમે એની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરી શકીએ નહીં” એમ કહી હાથ ઊંચા કરી લીધા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં મહિલાઓ ઉભી હતી તેઓહોબાળો મચાવી રહી હતી તે સમયે નિતેશના પરિવારના સભ્યો ઉપસ્થિત હતા તેમાંથી એક વ્યક્તિએ એક મહિલા રોકાણકારને થપ્પડ મારી દીધી હતી જેથી મામલો વધુ બિચક્યો હતો.
આ મારામારી સંદર્ભે જે મહિલાને થપ્પડ મારવામાં આવી હતી તેમણે નિતેશના પરિવાર વિરુદ્ધ પણ ફરિયાદ અરજી આપી છે. હાલમાં તો સેલવાસ પોલીસે નિતેશ પટેલને કોઈ જ ફરિયાદ ન હોવાના બહાના હેઠળ છોડી મુક્યો છે.
હવે જોવું એ રહ્યું કે રોકાણકારોને ખરેખર ન્યાય મળશે કે કેમ એ એક પ્રશ્ન ઉભો થયો છે.