કેટલાક ગામોમાં ઝાડ પડવાના અને છતના પતરા ઉડવાના પણ બનાવો બન્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.10: તાલુકામાં બુધ-ગુરુવારના રોજ સાંજના પાંચ એક વાગ્યાના અરસામાં વાતાવરણનો મિજાજ બદલાવ સાથે ઘનઘોર વાદળો વચ્ચે વીજળીના કડાકા-ભડાકા અને તેજ ગતિના પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ચીખલીમાં તો 13-મીમી એટલે કે અડધો ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
આ પવન સાથેના વરસાદ દરમ્યાન તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ડાંગરનો તૈયાર થઈ ગયેલો પાક પડી જતા લેપટાઇ જતા ખેડૂતોને મોટું નુકશાન થવા પામ્યું હતું. ખેડૂતોને બિયારણ, ખાતર, મજૂરી સહિતનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. વધુમાં જે ખેડૂતોએ ડાંગરનો પાકની કાપણી કરી દીધી હતી. તેમનો પાક પલળી જતા ખેડૂતોની મુશ્કેલી વધી જવા પામી હતી.
આ ઉપરાંત તાલુકાના માંડવખડક ગામના શીંગળવેરી ફળીયામાં-10, ઝરી ગામના વાંગણ ફળીયામાં-2 અને ફડવેલના ગોડાઉન ફળીયા, ધોલી ફળીયામાં-8 જેટલા ઘરોના છતના પતરા ઉડીફંગોળાતા આ પરિવારે નુકશાની વેઠવાની નોબત આવી હતી. જોકે સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા જરૂરી સર્વે કરી રિપોર્ટ કરી દેવામા આવેલ હોય તેવામાં તાલુકા પંચાયત દ્વારા ઝડપથી નુકશાની ચુકવવામાં આવે તે જરૂરી છે.