મોર્રમ-માટી નાંખી ખાડાઓનું પુરાણ કરવા લોકોનું તંત્રને સૂચન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : સેલવાસના ડોકમરડી-સીલી મુખ્ય રસ્તા પર ભારે વરસાદના કારણે મસમોટા ખાડાઓ પડી ગયા છે. ખાડાઓના કારણે વાહનચાલકો તથા રાહદારીઓને અસહ્ય તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. બીજી બાજુ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજ નજીક ઓવરબ્રિજનું કામ પણ અધુરૂં હોવાથી સર્વિસ રોડની હાલત પણ બદતર બની જવા પામ છે. ખખડધજ રસ્તાના કારણે આ રોડ ઉપર ગત અઠવાડીએ એક ટ્રક પલ્ટી પણ મારી ગઈ હતી. ટ્રકના ચાલક ફસાઈ જતાં આજુબાજુના લોકોએ કેબીન તોડીને બહાર કાઢયો હતો. આ રસ્તા પરથી અંતરિયાળ વિસ્તારના લોકો ટુ વ્હીલર, ફોર વ્હીલર લઈને રોજીંદા નોકરી-ધંધા માટે સેલવાસ અનેઆજુબાજુના વિસ્તારના ઉદ્યોગોમાં અવર-જવર કરે છે. જેઓને રસ્તા પરના ભારે ખાડાઓને કારણે પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે.
લોકોની માંગણી છે કે, દાનહ જિલ્લા પ્રશાસનના જાહેર બાંધકામ વિભાગ દ્વારા મોર્રમ માટી નાંખી રસ્તાના ખાડાઓ પુરવામાં આવે તો ચોમાસા દરમિયાન થોડીક રાહત મળશે.