રતન ટાટાનું પારસી તિર્થધામ ઉદવાડા માટે મોટું યોગદાન રહ્યું હતું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: ભારત દેશ માટે બુધવારે રાતે શોક અને આઘાત આપતા સમાચાર મળ્યા હતા. દેશના મહાન ઉદ્યોગપતિ અને ટાટા સામ્રાજ્યના હામી એવા રતન ટાટાનું મુંબઈ બિચકેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. રતન ટાટા ભારત દેશનું રતન હતા. સમાચાર બાદ આખો દેશ શોકમગ્ન બન્યો હતો. સોશિયલ મીડિયાથી લઈ ન્યુઝ ચેનલમાંરતન ટાટા માટે અકલ્પનીય શ્રધ્ધાંજલી દોર શરૂ થઈ ગયો હતો તે મધ્યે વાપી, વલસાડ સહિત ગુજરાતના નાાન મોટા શહેરોમાં નવરાત્રી થોભાવીને મહાન ઉદ્યોગપતિ રતન ટાટાને ખેલૈયાઓએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. રતન ટાટાનું પારસી તિર્થધામ ઉદવાડા માટે પણ મોટુ યોગદાન રહ્યું હતું.
રતન ટાટાના અકાળે અવસાનના સમાચારની અસર નવરાત્રી મહોત્સવોમાં પણ જોવા મળી હતી. વલસાડ ગોકુલ ગૃપ સહિત વાપી સહિત ગુજરાતના અનેક શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ દિવંગત પદ્મવિભૂષણ અને મહાન ઉદ્યોગપતિ રતન ટાટાને ભાવભરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ભારત ભરમાં અનેક ક્ષેત્રોમાં વિશ્વસનીય ટાટા બ્રાન્ડ ઉભી કરનારા મુઠ્ઠી ઉચેરા ઉદ્યોગપતિ રતન ટાટાની ખોટ કાયમ માટે ભારત દેશને રહેશે.