રૂા.3.50 કરોડની નવા ડેપો માટે મંજુરી મળી : ટાઉનમાં યથાવત જગ્યાએ નવો ડેપો બનશે તો ટ્રાફિક સમસ્યા ઉભી થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વાપી શહેર ઝંડાચોક પાસે નવા ફાટકની સામે આવેલ 50 વર્ષથી કાર્યરત જુના ડેપોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. હાલમાં કામ ચલાઉ ડેપો બલીઠા હાઈવે જલારામ મંદિર પાસે બનાવાયો છે. નવિન ડેપો બનાવવા માટે રૂા.3.50 કરોડ મંજુર થયા છે તેથી નજીકના ભવિષ્યમાં વાપીને અધ્યતન એસ.ટી. ડેપો મળવાના ચક્રો ગતિમાન થઈ ગયા છે.
વાપીમાં નવિન એસ.ટી. ડેપો બનશે પરંતુ પૂર્વવત જગ્યાએ ડેપો બનશે તેનો વિરોધનો સુર પણ શરૂ થઈ ગયો છે. કારણ કે નવિન ડેપો ટાઉનમાં બનાવવામાં આવે તો વાપી માટે સગવડ અને જગ્યાએ અગવડ વધુ બનશે. નવિન રેલવે પુલ ઉપર ટ્રાફિકનું ભારણ વધશે તેથી નવો ડેપો હાલમાં કાર્યરત કામચલાઉ બલિઠા ડેપોમાં જ બનાવવામાં આવે. આમ પણ વાપી ડેપોની 90 ટકા રૂટ વાપી હાઈવે ઉપરથી જ તો ડેપો હાઈવે ઉપર બનવો જરૂરી અને વ્યાજબી લેખાશે. એસ.ટી. કર્મચારી મહામંડળના મહામંત્રી ધનસુખભાઈ પટેલએ પણ ડેપોહાઈવે ઉપર બનાવાની માંગણી કરી છે. તેઓ નાણામંત્રી કનુભાઈ દેસાઈને પણ આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે. કનુભાઈએ જણાવ્યું હતું કે, આ મુદ્દે સરકારમાં રજૂાત કરી છે. વાપી ડેપોમાં લોકલ અને એક્સપ્રેસ મળી રોજની 350 જેટલી ટ્રીપ કાર્યરત છે. 5 હજાર ઉપરાંત મુસાફરોની અવર જવર છે. તેથી આ તમામ ટ્રીપ રેલવે પુલ ઉપરથી અવર જવર કરે તો સ્વાભાવિક ટ્રાફિકની સમસ્યા ઉભી થવાની.