(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.18: પ્રાપ્ત વિગત મુજબ બુધવારના રોજ બપોરના બે અઢી વાગ્યાના અરસામાં ખાનગી વાહનમાં વલસાડ એલસીબી પોલીસે પીછો કરી રહેલ હતી. તે પીકઅપ એચઆર-73-9375 ના ચાલકે ચીખલી અટગામ માર્ગ ઉપર મલિયાધરા ગામની સીમમાં સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા આ પીકઅપ માર્ગની સાઈડે ગટરમાં ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો. જોકે ખેપીઓ ભાગવા જતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ઉપરોક્ત બનાવ ને પગલે સ્થળ ઉપર ચીખલી અને ખેરગામ પોલીસ મથકનો સ્ટાફ પણ ધસી ગયો હતો અને લોકો પણ એકત્ર થઈ ગયા હતા. પીકઅપ ક્રેઇનની મદદ થી બહાર કાઢી હતી પરંતુ વલસાડ એલસીબીએ જે તે સમયે કબજો લેતા આ પીકઅપમાં કેટલી માત્રામાં દારૂનો જથ્થો હતો તે જાણી શકાયું ન હતું.
ચીખલી અટગામ માર્ગ ઉપર ઘેજ ગામે પોલીસ અને દારૂના વાહનોની રેસ લાગવાના અને અકસ્માત સર્જાવાના અગાઉ ત્રણેક જેટલા બનાવો બન્યા હતા. જેમાં એક બનાવમાં ડુંગરી પોલીસ મથકનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ પણ થયો હતો. કોઈપણ જાતની નાકાબંધી કે બેરીકેટલગાવ્યા વિના આ રીતે દારૂના વાહનોની પાછળ દોડ મૂકવાના કારભારમાં સ્થાનિકો અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાતા હોય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસના ચરી ગામના એક વિવાદાસ્પદ ફોલ્ડર્યા સામે સ્થાનિકો દ્વારા ફરિયાદ કરી હોવા છતાં પોલીસને આ ફોલ્ડર્યાનો મોહ છૂટતો ન હોય તેમ આજના બનાવના સમયે પણ તે હાજર હોવાની ચર્ચા પ્રકાશમાં આવી હતી. ત્યારે સમગ્ર બાબતે પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ થાય તે જરૂરી છે.
કોઈપણ બનાવ કે ફરિયાદમાં સામાન્ય માણસને હદ બતાવનાર પોલીસને પોતાને હદનો બાધ લાગતો નથી કે કેમ ? દારૂ ભરેલ પીકઅપનો જ્યાં અકસ્માત સર્જાયો હતો અને જ્યાંથી તેનો કબજો લેવાયો તે મલિયાધરા ગામ ચીખલી પોલીસની હદમાં આવે છે તેમ છતાં વલસાડ એલસીબી પોલીસે આ પીકઅપનો સ્થળ પરથી કબજો લીધો હતો. ત્યારે વલસાડ એલસીબી પોલીસ ગુનો નોંધશે તો ઘટનાનું સ્થળ કયું દર્શાવશે તે જોવું રહ્યું.
