(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.18: ગણદેવી તાલુકાના બીલીમોરા દલીચંદ નગર ખાતે રહેતા અને ચીખલીના દેગામ ગામે વારીકંપનીના કમ્પાઉન્ડ પરિસરમાં શ્રી ઉમિયા ટ્રેડર્સ નામની કંપની ચલાવતા મનોજ નાથુભાઈ પટેલ (ઉ.વ-42) જે લાકડાની પેલેટ બનાવી વારી કંપનીને પેલેટ પૂરો પાડવાનો કોન્ટ્રાકટ હોય જ્યારે વીતેલા ત્રણ વર્ષથી વારી કંપનીમાંથી નીકળતું સ્ક્રેપ મટીરીયલ લેવાનો કોન્ટ્રાક્ટ મહમદ ઇઝહાર ઇસ્લામ કાદરી, મરોઝ ઉર્ફે ગુડડુ કુદરત ખાન તથા વિનોદ રામધની યાદવ તેમજ તેમના માણસો પાસે હતો. જે કોન્ટ્રાક્ટ છેલ્લા એકાદ માસથી વારી કંપનીએ મનોજ પટેલને આપી દેતા ઉપરોક્ત ઇસમોને ધંધા-રોજગારમાં અસર પડતા ધંધો બંધ કરી દેવા અવાર નવાર ધમકીઓ આપી તા.12-ડિસેમ્બર-24 ના રોજ કોન્ટ્રાક્ટ બાબતે મહમદ ઇઝહાર કાદરીએ મનોજ પટેલને ફોન કરી દેગામ શીતલ હોટલની બાજુમાં મળવા બોલાવી જણાવેલ કે અમે વારી કંપનીમાંથી નીકળતું સ્ક્રેપ મટીરીયલ લેતા હતા. પરંતુ તમારા લીધે અમારા ધંધા-રોજગારને અસર પડેલ છે. જેથી તું આ સ્ક્રેપ મટીરીયલ લેવાનું બંધ કરી દે તેમ કહેતા મનોજ પટેલે જણાવેલ કે આ કોન્ટ્રાક્ટ મને કંપનીએ આપેલ છે. જેથી તમે કંપનીમાં વાત કરો તેમ કહેતા ઉશ્કેરાયેલા મહમદ ઇઝહાર ઇસ્લામ કાદરી તથા વિનોદ રામધની યાદવે જણાવેલ કે અમારી પાસે બીજા ઘણા રસ્તા છે. તારે સલામત રહેવું હોય તો આ ધંધા બંધ કરીદેજે કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્યાંથી ભાગી જતા મનોજ નાથુભાઈ પટેલની ફરિયાદ આધારે મહમદ ઇઝહાર ઇસ્લામ કાદારી (રહે.વાપી), મરોઝ ઉર્ફે ગુડડુ કુદરત ખાન (રહે.વાપી ગીતાનગર જી.વલસાડ) તથા વિનોદ રામધની યાદવ (રહે.ઉમરગામ જી.વલસાડ) એમ ત્રણ જેટલા સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ પીએસઆઇ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.
ચીખલીના દેગામ સ્થિત આવેલ વારી કંપનીમાં સ્ક્રેપ મટીરીયલના કોન્ટ્રાક્ટ બાબતે થયેલા ઉપરોક્ત વિવાદમાં મનોજ પટેલને બે-ત્રણ દિવસ પૂર્વે જ વારી કંપનીના સ્ક્રેપ મેનેજમેન્ટના મેઇન ઈન્ચાર્જ રાજેશ જૈન ઉપર સ્ક્રેપ કોન્ટ્રાક્ટ બાબતે મુંબઈ ખાતે જીવલેણ હુમલો થયો હોવાનું જાણવા મળ્યા બાદ બનાવની ગંભીરતા સમજી ઉપરોક્ત ત્રણ જેટલા સામે ગુનો નોંધાવ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.