ચીખલીમાં-3, ખેરગામમાં-4, ગણદેવી શહેર માટે-7, વાંસદા તાલુકામાં-8, ગણદેવી તાલુકામાં-11 અને સૌથી વધુ બીલીમોરા શહેર માટે 16 જેટલા દાવેદારોની વિવિધ જાહેરાત કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: મજીગામ સ્થિત મનાભાઈની વાડીમાં જિલ્લા ભાજપની યોજાયેલ બુથ પ્રમુખ પરામર્શ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાભાઈ શાહ, મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, સહ ચૂંટણી ઈન્ચાર્જ કનક બારોટ, તાલુકા ભાજપના પ્રભારી ભીખુભાઈ બીગરી, તાલુકાના મહામંત્રી સમીરભાઈ,દિનેશભાઈ મહાકાળ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં શરૂઆતમાં તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલે ઉપસ્થિતોને આવકારી નવા વરાયેલા બુથ પ્રમુખોને અભિનંદન પાઠવ્યા હતા.
પરામર્શ બેઠકમાં ખંભાતના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ સંગઠનના ચૂંટણી અધિકારી સંજયભાઈ પટેલે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, આપણી ભારતીય જનતા પાર્ટીમાં બુથ કક્ષાએથી જ ફરજ નિષ્ઠ કાર્યકરોની ટીમ છે. આજે સ્થાનિક સ્વરાજથી માંડી રાજ્ય અને દેશમાં ભાજપની સરકાર છે ત્યારે આજની યુવા પેઢીએ તો કોંગ્રેસનું શાસન જોયું જ નથી વર્ષોથી ભાજપનો પ્રચંડ વિજય બુથ કક્ષાના કાર્યકરોને આભારી છે.
આ દરમિયાન આગામી ટર્મ માટે ચીખલી તાલુકા ભાજપ પ્રમુખ માટે વર્તમાન પ્રમુખ ભાઈ ઉપરાંત હર્ષદભાઈ પવાર અને ધવલ ગાંધી સહિત ત્રણ જેટલા દાવેદારોના નામ જાહેર થયા હતા. જોકે ગત ટર્મની સફળ કામગીરીને ધ્યાનમાં લેતા પ્રમુખ પદે મયંકભાઈ પટેલ રીપીટ થવાનું નિヘતિ મનાઈ રહ્યું છે. આ સાથે પ્રમુખ પદ માટે ખેરગામ તાલુકામાં 4, ગણદેવી શહેરમાં 7, વાંસદા તાલુકામાં 8, ગણદેવી તાલુકામાં 11 અને સૌથી વધુ બીલીમોરા શહેર માટે 16, જેટલા દાવેદારોની વિધિવત જાહેરાત થઈ હતી. ત્યારે આગામી દિવસોમાં પ્રદેશ મોવડી મંડળદ્વારા જે તે મંડળનું સુકાન કોને સોંપવામાં આવશે તે જોવું રહ્યું.