(આલેખનઃ- રાજકુમાર જેઠવા, નવસારી)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારીઃ તા.03: ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રાંરભ તા.૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરાવ્યો હતો. આજે આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લાનું પણ આઝાદીનું લડતમાં આગવું યોગદાન રહ્યું છે. નવસારી જિલ્લામાં આવેલ ઐતિહાસિક સ્થળ દાંડી એ આઝાદીની લડતમાં આઝાદીના પ્રવેશદ્વારા તરીકે ઓળખાય છે. તો ઐતિહાસિક સ્થળ દાંડી અને તેની આજુબાજુના સ્થળોના મહત્વ વિશે આછેરો પરિચય મેળવીએ.
દાંડી નમક સત્યાગ્રહ સ્મારક: નવસારીથી ૨૨ કિ.મી.ના અંતરે આવેલ દાંડી ખાતે ૧૯૩૦માં દાંડીયાત્રા શરૂ કરતા પહેલા પૂ. બાપુઍ કહેલુંકે કાગડા કુતરાના મોતે મરીશ પણ સ્વરાજય લીધા વિના સાબરમતી આશ્રમ પાછો નહી ફરુ. ૬૧ વર્ષની ઉંમરે ૨૪૧ કિ.મી.યાત્રા ગાંધી બાપુઍ ચાલતા કરીને અંગ્રેજ સરકારે મીઠા પર નાંખેલા વેરાનો વિરોધ કર્યો હતો. અને તા.૬ઠ્ઠી એપ્રિલ ૧૯૩૦ ના રોજ પૂજય ગાંધી બાપુહે બ્રિટીશ સામ્રાજયની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું, એવી ધીરગંભીર વાણી ઉચ્ચારી ચપટી મીઠું ઉપાડીને મીઠાનો કાયદો તોડી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાંખ્યા હતાં. આઝાદીના પ્રવેશદ્વાર સમાન દાંડી ગામે આ નમક સત્યાગ્રહ સ્મારક સ્થળે ભારતીયો સહિત વિદેશી મુલાકાતીઓ પણ મોટી સંખ્યામાં આ મુલાકાત લઇ પૂજય બાપુની વિચારધારાને વંદન કરે છે.
દાંડી પ્રાર્થના મંદિર: નવસારીથી ૨૨ કિ.મી. ના અંતરે આવેલ ઐતિહાસિક દાંડી ખાતે મીઠાના સત્યાગ્રહ પૂર્વે પ્રથમ જાહેરસભાને પૂજય ગાંધી બાપુએ જયાંથી સંબોધી હતી અને પ્રાર્થનાસભા યોજી હતી, તે પ્રાર્થનાસભા મંદિરનું સંકુલ આજે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. જે વડ નીચે પૂ. બાપુઍ પ્રાર્થના સભા યોજી હતી. તે વડ આજે પણ તેની સાક્ષી પૂરી રહયો છે. પ્રાર્થના મંદિરના ભવ્ય દ્વાર ઉપર તમામ ધર્મોના પ્રતિકની કોતરણી સર્વધર્મ સમભાવની ભાવના ઉજાગર કરે છે.
દાંડી સૈફીવિલા બિલ્ડીંગ- ગાંધી પ્રદર્શન: નવસારીથી ૨૨ કી.મી.ના અંતરે આવેલા દાંડી ખાતે મીઠાના કાયદાનો ભંગ કરતા અગાઉ પૂજય ગાંધીબાપુએ દાંડી પહોîચીને દાઉદી વ્હોરા કોમનાં ધર્મગુરૂ સૈયદ તાહેર સૈફુદ્દીનના સૈફિવીલા બિલ્ડીંગમાં રાતવાસો કર્યો હતો.તા.૫/૪/૧૯૩૦ના રોજ રાતવાસો કરીને વહેલી સવારે મીઠાના કાયદાનો ભંગ કરવા અહીંથી પૂજય બાપુ નમક સ્મારક સ્થળે પહોચ્યા હતા. આ સૈફિવિલા બિલ્ડીંગ માં બાપુના જીવનકાળના વિવિધ પ્રસંગો, તેની ઐતિહાસિક ભૂમિકા, સ્વાતંત્ર્યની યાદગાર ફિલ્મો, પુસ્તકાલય, અખબારો તથા રાષ્ટ્રપિતાના સંસ્કારો સિંચી શકે તેવા ફોટોગ્રાફસ અને સાહિત્ય ફિલ્મો પ્રવાસીઓને દર્શાવાય છે.
દાંડી બીચ: ગાંધીજીના મીઠા સત્યાગ્રહથી વિશ્વ પ્રસિધ્ધ નવસારી થી ૨૨ કી.મી. દૂર આવેલો દાંડીનો દરિયાકિનારો સહેલાણીઓ માટેનું આકર્ષક પ્રવાસન સ્થળ છે. અહીંના સાગરકાંઠે સોમવતી અમાસના દિવસે મેળો ભરાય છે. જેમાં સહેલાણીઓ અને ગામવાસીઓ સાગર સ્નાનનો આનંદ લૂટે છે. સાગરકાંઠાના આસપાસનો વિસ્તાર ફળફળાદિ અને નાળયેરીના વૃક્ષો તેને નયનરમ્ય બનાવે છે. દાંડીનો આ બીચ પ્રવાસીઓ માટે નિર્ભય જણાતો હોય, પ્રવાસીઓ બેધડક તેનો આનંદ લૂટે છે. અહી સ્વરાજ બાગમાં ભૂલકાંઓના મનોરંજનના સાધનો ઉપલબ્ધ છે. વનવિભાગનું વનચેતના કેન્દ્ર શૈક્ષણિક પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ માટે માહિતીપ્રદ બની રહયું છે.
દાંડી ખાતે અજાણી માઇસાહેબની દરગાહ: નવસારીથી ૨૨ કિ.મી. અંતરે આવેલ દાંડી ખાતે દાઉદીવોરા કોમના શ્રધ્ધાના પ્રતિકસમી અજાણી માઇસાહેબની આ દરગાહ આવેલી છે. દાઉદી વ્હોરા કોમના લોકો દેશ વિદેશથી અહીં જીયારત (તીર્થયાત્રા) એ આવતા હોય છે. હિજરી સન ૯૦૦ માં મહોર્રમ માસની ૨૨-૨૩ તારીખોમાં હજયાત્રાથી પાછા ફરતા બે અજાણી મા-દિકરીના અહીં તણાઇને આવેલા શબોનો મકબરો છે. માછીમારો ઘરેણાં ચોરવા જાય તો આ લાશ દૂર ખસી જતી હતી. ચીખલી ગામના મૌલવીને સ્વપ્ન સંકેત મળ્યો કે અમારા મોતનો મલાજા જળવાતો નથી, જેથી ચીખલીના મૌલવી અન્ય લોકો સાથે દાંડી પહોંચી આ લાશોને બળદગાડામાં નાંખી સુરત લઇ જવા માંગતા હતાં, પરંતુ બળદગાડું કાદવમાં ખૂંપી જતા ત્યાંજ તેમને દફન કરવામાં આવ્યાં. અહીં નુરબીબી અને ફાતમાબીબીના મઝાર સહિત ઉજજૈનના ધર્મગુરુ સૈયદ અબ્દુલ કાદીરના પત્નીનો ત્રીજા મઝાર પણ છે. અહીં મહોર્રમ માસમાં મોટો મેળો ભરાય છે.
ગાંધી કુટિર-કરાડીઃ નવસારીથી ૧૩ કિ.મી. અંતરે આવેલ જિલ્લાના જલાલપોર તાલુકાન કરાડી ખાતે પૂ. ગાંધી બાપુ પ્રસિધ્ધ દાંડી કૂચ વખતે સને ૧૯૩૦માં આવ્યાં બાદ એક આંબાના વૃક્ષ નીચે ખજુરીના છતીયાની કુટીરમાં રહયાં હતાં. કુટીરમાં તા.૧૪/૪/૩૦ થી તા.૪/૫/૩૦ સુધી અહીં રોકાયાં હતાં અને નમક સત્યાગ્રહને અહીંથી બળ મળેલું. ધરાસણા મીઠાના અગર તરફ જવાનો પત્ર પણ અહીંથી લખાયેલો. તા.૪/૫/૧૯૩૦ના રોજ અહીંથી ગાંધીજીની ધરપકડ થઇ હતી.
શહીદ સ્મારક મટવાડ: નવસારીથી અંદાજે ૧૫ કિ.મી.ના અંતરે આવેલ જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ ગામે તા.૨૨/૮/૧૯૪૨ના રોજ સાંજે પ-૦૦ કલાકે પરદેશી શાસનનો વિરોધ કરતા ગોળી વાગવાથી કરાડી ગામના શહીદ થયેલા મોરારભાઇ વાંસીયાભાઇ પટેલ, રણછોડભાઇ લાલભાઇ પટેલ અને મટવાડના મગનભાઇ ધનજીભાઇ પટેલ એમ ત્રણ શહીદોની પુણ્ય સ્મૃતિમાં આ શહીદ સ્મારક કાંઠા વિસ્તારના દેશપ્રેમી વિરોની મા ભોમની મુકિત માટેની સંઘર્ષ ગાથાની યાદ તાજી કરાવે છે. જે વડલા પાછળથી સંતાઇને અંગ્રેજોએ ગોળીબાર કર્યો હતો, તે વડલો પણ આજે સ્મારક પાસે અડીખમ ઊભો છે.
ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન : નવસારીથી આશરે ૫ કિ.મી.ના અંતરે ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન આવેલ છે. રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુની અંગ્રેજ શાસકોએ મીઠાના કાયદાના ભંગ બદલ ધરપકડ કરીને એરૂ નજીક ફ્રન્ટીયરમેલ ટ્રેનને રોકાવીને પૂ.બાપુને જેલમાં લઇ ગયા હતાં. તે સ્થળ ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન તરીકે જાણીતું બન્યુ઼ છે અને આજે પણ અહીં કેટલીક લોકલ ટ્રેનોને સ્ટોપેજ મળેલાં છે.