Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટ

દાદરા નગર હવેલીમાં સ્‍વાર્થી અને પરિવારવાદી રાજનીતિએ બહુમતિ આદિવાસીઓની ખોદેલી ઘોર

  • દાનહના વારલી સમાજે લગ્ન સહિતના વિવિધ સાર્વજનિક મેળાવડા-સમારંભોમાં દારૂ-તાડી, ચિકન-મટન ઉપર મુકેલો પ્રતિબંધ આવકાર્યઃ શિક્ષણ દ્વારા સમાજની કાયાપલટનો લીધેલો સંકલ્‍પ કાબિલે તારીફ
  • દાનહમાં જો સરકારી કોલેજ 20-25 વર્ષ પહેલાં શરૂ થઈ હોત તો આજે ઊંડાણના આદિવાસી સમુદાયની દશા અને દિશા અલગ હોત, અને પાણીના ભાવે પોતાની કિંમતી જમીનો પડાવી લેનારાઓ સામે તેઓ લડત આપી શકવા સમર્થ બન્‍યા હોત
  • પ્રદેશના રાજકારણીઓના નબીરાઓ રાત પડે ને મીરા-ભાયંદર, દહીંસર ચેકનાકા, બોરીવલી-અંધેરીના ડાન્‍સબાર કે પબમાં જઈ હજારો-લાખો રૂપિયા એક દિવસમાં ઉડાવી આવે છે આ નબીરાઓ પૈસા ક્‍યાંથી લાવે છે?
  • હવે દાદરા નગર હવેલીના લોકો અને ખાસ કરીને આદિવાસી સમુદાયે સાવધાન અને જાગૃત બનીને પોતાનો રાજકીય નિર્ણય લેવો પડશે

દાદરા નગર હવેલીના વારલી સમાજે લગ્ન સહિતના વિવિધ સાર્વજનિક મેળાવડા-સમારંભોમાં દારૂ-તાડી અને ચિકન-મટન ઉપર પ્રતિબંધ મુકી સમાજના દિકરા-દિકરીઓને ભણાવવાનો લીધેલો નિર્ણય ખુબ જ આવકારદાયક છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના લગભગ તમામગરીબ સમાજમાં પહેલી વખત શિક્ષણની ભૂખ ઉઘડી રહી છે. જે બતાવે છે કે, આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના સામાજિક તાણાંવાણાં બદલાવાનો આરંભ થઈ ચુક્‍યો છે.
જ્‍યાં સુધી દાદરા નગર હવેલીની વાત કરવામાં આવે તો ત્‍યાંના ખમતીધરો અને આગેવાનોએ ઈરાદાપૂર્વક આદિવાસી સમુદાય શિક્ષણથી વંચિત રહે એવા પ્રયાસો કર્યા હોવાનું દેખાય છે. કારણ કે, 1954માં પોર્ટુગીઝની ગુલામીમાંથી આઝાદ થયેલા દાદરા નગર હવેલીમાં સરકારી કોલેજ શરૂ થતાં 57 વર્ષ લાગ્‍યા. જેની સરખામણીમાં 1961માં આઝાદ થયેલ દમણમાં સરકારી આર્ટ્‍સ, સાયન્‍સ અને કોમર્સ કોલેજ 1966માં શરૂ થઈ હતી.
દાદરા નગર હવેલીમાં સરકારી કોલેજ 2011માં શરૂ થઈ અને તેમાં ભણીને આજે ઘણાં વકીલો બન્‍યા છે, ઘણાંને સારી સરકારી નોકરી પણ મળી છે, કેટલાક પોતાનો સારો ધંધો કરી રહ્યા છે જે બતાવે છે કે દાદરા નગર હવેલીમાં જો સરકારી કોલેજ 20-25 વર્ષ પહેલાં શરૂ થઈ હોત તો આજે ઊંડાણના આદિવાસી સમુદાયની દશા અને દિશા અલગ હોત. પાણીના ભાવે પોતાની કિંમતી જમીનો પડાવી લેનારાઓ સામે તેઓ લડત આપી શકવા સમર્થ બન્‍યા હોત.
હમણાં આ લખનારને એક દાંતના ડોક્‍ટરને ત્‍યાં જવાનું સૌભાગ્‍ય પ્રાપ્ત થયું. ત્‍યાં કામ કરતી સહકર્મચારીને પુછતાંખબર પડી કે દાદરા નગર હવેલીની આદિવાસી દિકરીઓએ પેરામેડિકલમાં અભ્‍યાસ કર્યો હતો અને હવે ડોક્‍ટરોને તેમના રોજિંદા કાર્યો તથા ઓપરેશનમાં પણ મદદરૂપ થઈ રહ્યા છે. આ પ્રદેશમાં આવેલું ખુબ મોટું પરિવર્તન છે. જે હાલમાં ઓછું દેખાય છે પરંતુ તેના પ્રભાવથી આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની ઓળખ એક શિક્ષિત અને વ્‍યવસાયી પ્રદેશ તરીકે થશે એમાં કોઈ શંકા નથી.
દાદરા નગર હવેલીની સ્‍વાર્થી અને પરિવારવાદી રાજનીતિએ ઘોર ખોદવામાં કંઈ બાકી રાખ્‍યું નથી. કારણ કે, પરિવારવાદથી હટીને રાજનીતિ થઈ હોત તો આજે દાદરા નગર હવેલીના આદિવાસીની પ્રદેશમાં ધબકી રહેલા ઉદ્યોગોમાં ભાગીદારી હોત. પરંતુ 1991-92માં કેન્‍દ્ર સરકારે જાહેર કરેલ ટેક્‍સ હોલીડેનો સૌથી મોટો ફાયદો તે સમયના સત્તાધારી અને વિરોધ પક્ષમાં રહેલા રાજકારણીઓએ જ ઉઠાવ્‍યો છે.
દાદરા નગર હવેલીની આજની પરિસ્‍થિતિમાં પણ કોઈ મોટું પરિવર્તન દેખાતું નથી. રાજકારણીઓના નબીરાઓ રાત પડે ને મીરા-ભાયંદર કે બોરીવલી-અંધેરીના ડાન્‍સબાર કે પબમાં જઈ હજારો-લાખો રૂપિયા એક દિવસમાં ઉડાવી આવે છે. આ નબીરાઓ પૈસા ક્‍યાંથી લાવે છે તે કોઈનાથી છાનુ નથી. હવે દાદરા નગર હવેલીમાં શિક્ષણનું પ્રમાણ વધ્‍યું છે. તેથી એક આશા ચોક્કસ રાખીશકાય કે આવતા દિવસોમાં પોતાના પ્રતિનિધિની પસંદગી કરતા પહેલાં હવે એક વાર તો વિચાર કરશે. કારણ કે, ચૂંટાયા બાદ લોક પ્રતિનિધિઓએ લોકોને સમર્પિત બનવાનું હોય છે. પ્રદેશ તેમનો પરિવાર હોવો જોઈએ. તેની સામે પ્રતિનિધિઓ અને તેમના પરિવારના નબીરાઓની સવાર જ બપોરે બે વાગ્‍યે થતી હોય અને રાત સવારે પાંચ વાગ્‍યે પડતી હોય તો તેમની પાસે કેવી અપેક્ષા રાખવી..?
દાદરા નગર હવેલી અને દમણ-દીવનું સદ્‌ભાગ્‍ય છે કે, પ્રદેશની ચિંતા કરવાવાળા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી છે અને તેમના આદેશ મુજબ પ્રદેશની રખેવાળી કરનારા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ છે, જેના કારણે જ આજે પ્રદેશ સલામત હોવાની પ્રતિતિ થઈ રહી છે.

સોમવારનું સત્‍ય
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે સામાજિક, સાંસ્‍કૃતિક, શૈક્ષણિક, આરોગ્‍ય, પ્રવાસન તથા ઔદ્યોગિક અને રમતગમત ક્ષેત્રે પણ પ્રગતિના અનેક સોપાનો સર કર્યા છે. પ્રદેશમાં અનેક નવા ભવન અને કાર્યાલયો, બ્રિજના નિર્માણ થયા છે અને કેટલાક પૂર્ણતાના આરે છે. ફક્‍ત હવે પ્રદેશના રસ્‍તાઓનું નવનિર્માણ બાકી છે. જે પૂર્ણ થઈ ગયા બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કોઈ મોટા કામો બાકી રહેવાના નથી. ત્‍યારબાદ ફક્‍ત જાળવણીની ચિંતા આમલોકોએ કરવી પડશે.

Related posts

મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આદિવાસી ભવનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની શુક્રવારે યોજાનારી ગ્રામ સભા: ગ્રામ સભામાં દરેક ગ્રામવાસીઓને ઉપસ્‍થિત રહેવા સરપંચશ્રીએ કરેલી અપીલ

vartmanpravah

દાનહના રખોલીમાં ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત મહેસૂલ શિબિર યોજાશે

vartmanpravah

ચોમાસામાં આહ્‌લાદક વાતાવરણ અને સૌંદર્યથી ભરપુર ચેરાપુંજીનો અહેસાસ કરાવતો સોળે કળાએ ખીલી ઉઠેલો વઘઈનો ‘ગીરા ધોધ’

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

વાપી નામધા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં બજેટ નામંજુર થયું

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં NCSM ના 46માં સ્થાપના દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment