કાંતિભાઈ પટેલ હંમેશા દાનહના ગામડેથી આવતા આદિવાસી બાંધવોના જીવનપર્યંત એક માર્ગદર્શક રહ્યા હતા
આજે સવારે 9 વાગ્યે સ્મશાન યાત્રા નિકળશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલીની રાજનીતિના અભ્યાસુ અને કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિમાં રહ્યા વગર સમાજ ઘડતરનું કાર્ય કરનારા શ્રી કાંતિભાઈ એમ. પટેલનું આજે ટૂંકી માંદગી બાદ નિધન થતાં તેમના વિશાળ શુભેચ્છકો, મિત્રો, સગાં-સંબંધીઓ અને પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
સ્વ. કાંતિભાઈ એમ. પટેલને રાજનીતિજ્ઞ તરીકે બહુ ઓછા લોકો જાણતા હતા. તેઓ દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓની દિશાવિહિન રાજનીતિથી ખુબ જ દુઃખી હતા. તેમણે 2009ની ચૂંટણીમાં તત્કાલિન સાંસદ શ્રી નટુભાઈ પટેલને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેની જાણકારી સંભવતઃ શ્રી નટુભાઈ પટેલને પણ નહીં હશે.
સ્વ. કાંતિભાઈ એમ. પટેલ ‘વર્તમાન પ્રવાહ’ના પણ એક ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ હતા. તેઓ હંમેશા સમાજલક્ષી સકારાત્મક પત્રકારત્વના આગ્રહી હતા. તેમનું વાંચન પણ વિશાળ હતું. છેવાડેના ગામડેથી આવતાં આદિવાસી બાંધવો માટે તેઓ એક માર્ગદર્શક હતા. જે વાતની જાણકારી બહુ ઓછાને હશે. કારણ કે,તેઓ હંમેશા કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ વગર સમર્પિત બનીને કામ કરતા હતા.
સ્વ. કાંતિભાઈ એમ. પટેલ પોતાની પાછળ ધર્મપત્નિ નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી સુશીલાબેન પટેલ, પુત્ર શ્રી દર્શન પટેલ અને બે દિકરી સહિત વિશાળ ચાહક વર્ગને વિલાપ કરતા છોડી ગયા છે.
સ્વ. કાંતિભાઈ એમ. પટેલની સ્મશાન યાત્રા આવતી કાલ તા.12 જૂન, 2023ના સોમવારના રોજ સવારે 9:00 વાગ્યે તેમના નિવાસ સ્થાન, સેલવાસ કોમ્પલેક્ષ, હોટલ વિનસની બાજુમાં ટોકરખાડા, દાન હોટલની પાછળથી નિકળવાની હોવાની જાણકારી પરિવારજનો દ્વારા આપવામાં આવી છે.