April 23, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’’ નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સર સી.વી. રામનની યાદમાં ઉજવાતો દિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
(વ્‍યકિત વિશેષ લેખ- રાજકુમાર જેઠવા, સિનિયર સબ એડીટર, નવસારી)
ભારત સરકાર દ્વારા દર વર્ષે દેશભરમાં 28મી ફેબ્રુઆરી ‘‘વિજ્ઞાન દિન” તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે ઈ.સ.1928માં રામન પ્રભાવની શોધ થઈ હતી. આ શોધથી પ્રો.સી.વી. રામનને નોબલ પુરસ્‍કાર એનાયત કરવામાં આવ્‍યો હતો. ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્‍કાર મેળવનાર પ્રો.રામન એકમાત્ર ભારતીય વૈજ્ઞાનિક હતા.
ડો.ચંદ્રશેખર વેંકટરામનનો જન્‍મ 7મી નવેમ્‍બર, 1888માં તામિલનાડુમાં ત્રિચિનાપલ્લી પાસે થિરૂવનાઇકકાવલ ગામમાં થયો હતો. નાનપણથી જ વિજ્ઞાન પ્રત્‍યે વિશેષ રૂચિ હોવાથી એમણે નકકી કર્યુ હતુ કે, જીવનનું લક્ષ્ય વિજ્ઞાનને જ બનાવીશ. પાઠ્‍યપુસ્‍તકોની સાથે-સાથે કોલેજ લાઈબ્રેરીમાં મોટા-મોટા ગ્રંથો વાંચી કાઢયા હતા. તેઓ પોતાની એકપણ ક્ષણ વ્‍યર્થ જવા દેવા નહોતા માંગતા. પરીક્ષા પાસ કરવી તેમને માટે ગૌણ બાબત હતી પરંતુ વિજ્ઞાનની શોધો કરવાનું તેમનું મુખ્‍ય લક્ષ્ય હતું.
તેઓ સરકારી નોકરી કરતા હોવા છતાં વિજ્ઞાનની રૂચિને કારણે સંશોધન ચાલુ રાખ્‍યું ઈ.સ.1917માં કલકત્તા વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસરની નોકરીસ્‍વીકારી સરકારી નોકરીમાંથી રાજીનામું આપી સંપૂર્ણ સમય વિજ્ઞાનને ચરણે સર્મપણ કર્યો. રામન અસર (પ્રભાવ) શોધનો પ્રારંભ ઈ.સ. 1921માં થયોને શોધ પૂર્ણ થઈ ઈ.સ.1928માં એ શોધ ઈન્‍ડિયન જર્નલ ઓફ ફિઝિકસ કલકત્તામાં સર્વ પ્રથમ પ્રકાશિત થઈ હતી.
આની વિધિસર ઘોષણા 1930માં થઈ હતી. લગભગ 7000 જેટલા શોધનિબંધો અને સંશોધન આ વિષય ઉપર પ્રકાશિત થયા છે. અનેક પુસ્‍તકો છપાયા છે. જર્મન અને ફ્રેચ ભાષામાં એટલા બધા નિબંધો લખાયા છે કે જેની ગણતરી કરવી કઠીન છે.
એક બ્રિટીશ પત્રિકામાં રામન પ્રભાવનાં સંદર્ભમાં લખવામાં આવ્‍યું હતુ કે, આ શોધની સરખામણી કિરણો અને રેડિયો એકટીવની શોધ જેટલી જ અગત્‍યની છે. ઈ.સ.1928માં ઈટાલીનાં સાયન્‍સ એસોસિએશને ડો.રામનને મેપ્‍યુસી પદક આપ્‍યું. ઈ.સ. 1929માં બ્રિટીશ સરકારે સરનો ખિતાબ આપ્‍યો.
ઈ.સ.1930માં સ્‍વીસર્ઝલેન્‍ડની જ્‍યુરીએ ભૌતિક વિજ્ઞાન પદે એમને ફેલો બનાવ્‍યા. અમેરિકાની ફ્રેંકલીન ઈન્‍સ્‍ટીટયુટે એમને ફ્રેંકલીન પદકથી વિભૂષિત કર્યા. 1932માં રામન પ્રભાવની શોધને નોબલ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો. સમસ્‍ત એશિયામાં આ પુરસ્‍કાર સર્વ પ્રથમ પ્રાપ્ત કરવાનો યશ ડો.સી.વી. રામનને ફાળે જાય છે.
ડો.રામનની રહેણી-કરણી ભારતીય હતી. એમનું જીવન સાદગીભર્યુ હતું. સ્‍વદેશ પ્રેમનીભાવનાને લીધે જ તેઓ વિદેશમાં શિક્ષણ લેવા ગયા નહીં. પરંતુ ભણાવવા ગયા. ડો.રામન કહેતા હતા કે, આપણે જે કાંઈ સિધ્‍ધ કરવાનું હોય તે માટે પહેલા આપણી સમૃધ્‍ધિમાં રહેલા સ્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. રાષ્‍ટ્રીની સમૃધ્‍ધિમાં આપણી પાસે યૌવન ધન છે. આ આપણી ખરી તાકત છે. જો તેઓને ઉત્‍સાહિત કરીએ અને તેઓમાં જોખમી કે હિંમતભર્યા કાર્યની ભાવનાને સ્‍થાપિત કરીએ તો આપણે વિશ્વને જીતી જઈશું.
બ્રોન નામનાં વૈજ્ઞાનિકે સાચે જ કહયું કે, ડો.રામનની હરોળમાં બેસી શકે એવો ભૌતિકશાષાી બીજો કોઈ નથી. દરેક ઘટના ઝીણવટથી જોવા પ્રત્‍યેની તેમની સાથે કોઈની પણ સરખામણી થઈ શકે નહિ એવા આ મહાન વૈજ્ઞાનિકને શત…શત… પ્રણામ.

રોજિંદા જીવનમાં વણાઈ ગયેલા વિજ્ઞાનની ઉપયોગિતા અંગે જાગૃત થવા માટે સમગ્ર દેશમાં ર૮ ફેબ્રુઆરીઍ ‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે

મોબાઈલ ફોન મારફતે ઘરના ઓરડામાં બેસીને દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા સ્‍વજન સાથે વાત કરતી વખતે અથવા ગુલાબી કોબીજ, પીળા મરચાં કે લાલ મુળા જેવા શાક ખાવાના સમયે કે પછી હવે થનારા સૂર્યગ્રહણો અને બુલીન ધૂમકેતુની પૃથ્‍વી મુલાકાત વિષે સાંભળતી વખતે કયારેય આપણને વિજ્ઞાનનું મહત્‍વ સમજાયું છે ખરૂ?રોજિંદા જીવનમાં વણાઈ ગયેલા વિજ્ઞાનની ઉપયોગિતા અંગે જાગૃત થવા માટે સમગ્ર દેશમાં ર8 ફેબ્રુઆરીએ ‘‘રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.
કલકત્તાની ઈન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયુટ ફોર ધ કલ્‍ટિવેશન ઓફ સાયન્‍સ ખાતે ડો.રામને અવકાશવિજ્ઞાન ક્ષેત્રની તેમની અદભૂત શોધ ‘‘રમન ઈફેકટ”નું સંશોધન તા. ર8 ફેબ્રુઆરીએ કર્યું, ત્‍યાર બાદ બે વર્ષે તેમને આ શોધ બદલ દેશનું દ્વિતીય અને ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રનું પ્રથમ નોબેલ પ્રાઈઝ એનાયત કરાયું, ભારતના આ મહાન વિજ્ઞાન સપૂતની યાદગીરીમાં ર8 ફેબ્રુઆરીએ સમગ્ર દેશમાં ‘‘રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. ‘‘રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ” એક એવો દિવસ છે, જ્‍યારે સમગ્ર દેશમાં વિજ્ઞાન પ્રત્‍યે લોકોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત શાળા કોલેજોમાં કવીઝ સ્‍પર્ધા, વૈજ્ઞાનિક પ્રદર્શનો, ચર્ચાઓ, વ્‍યાખ્‍યાન શ્રેણીઓ વગેરે યોજવામાં આવે છે.
‘‘રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણીનો હેતુ એ છે કે વૈજ્ઞાનિક શોધોના વ્‍યવહારિક ઉપયોગોથી લોકો માહિતગાર બને, પ્રાયોગિક નિરીક્ષણો અને તે આધારિત તારણોથી વાકેફ થાય, તથા વિજ્ઞાનના માધ્‍યમ દ્વારા બૌધિક અને માનસિક સજજતા વધે. પર્યાવરણમાં થતા ગ્‍લોબલ વોર્મિંગ જેવા ફેરફારો,રોગોની નાબૂદી, અવકાશ વિજ્ઞાન, ઉર્જા ઉત્‍પાદન, ઈન્‍ફર્મેશન ટેકનોલોજી, દવાઓ, બાયોટેકનોલોજીને પ્રતાપે જોવા મળતી પાક વૃધ્‍ધિ-આ તમામ બાબતો વિજ્ઞાનને આભારી છે, એ જનસામાન્‍યને સમજાવવાનો, એ રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનો હેતુ છે.
વિજ્ઞાન વિષયથી ભાગવાને બદલે જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં આવે, તો કુરિવાજો, સામાજિક બદીઓ, અંધશ્રધ્‍ધા, સ્‍વાસ્‍થ્‍ય સંબંધી અને કુપોષણ જેવા અનેક સામાજિક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય, જે આપણા દેશના વિકાસની રાહમાં સૌથી મોટા અંતરાયો છે તેને દૂર કરવા વૈજ્ઞાનિક અભિગમ કેળવીને તંદુરસ્‍ત સમાજનું નિર્માણ શક્‍ય બનાવી શકાય છે. અને દેશના વિકાસની ધરોહર બની વિજ્ઞાન દિનની ઉજવણી થકી સમાજમાં જ્ઞાનની જયોત પ્રજવલિત કરી વિકાસના ઉચ્‍ચ શિખરો સર કરી શકાય છે.

Related posts

ખડકીમાં એકલવાયું જીવન જીવતા પતિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું

vartmanpravah

પદ્મશ્રી પ્રભાબેન શાહે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

vartmanpravah

દમણ જિલ્લા ખેલ મહોત્‍સવનો આન બાન અને શાનથી આરંભ : જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરાવેલો જયઘોષ

vartmanpravah

હિન્‍દી પખવાડિયું – 2023 નાં અનુસંધાને રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવનાં વિદ્યાર્થીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

vartmanpravah

Leave a Comment