હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: વાપી હાઈવે સહિત બલીઠા અને છરવાડા ગામમાં આવેલ જલારામ મંદિરોમાં આજે જલારામ બાપાની 223મી જન્મ જયંતિની ભક્તિભાવ પૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જલારામ મંદિર વાપી હાઈવે ઉપર સવારથી જ જલારામ બાપાના ભક્તોનો ધસારો શરૂ થઈ ગયો હતો. વિરપુરના સંત શિરોમણી જલારામ બાપાની 223મી જન્મ જયંતિ વાપી સહિત ગ્રામ્ય વિસ્તારો અને વલસાડ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. વાપી મંદિરે સોમવારે સવારે 7 કલાકે ધ્વજારોહણ બાદ 9 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા બપોરે બે વાગે ભજન તથા સાંજના 6 કલાકે થાળની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ જયંતિની ઉજવણી અને મહાપ્રસાદમાં હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સેંકડોની મેદની મંદિર પરિસરમાં ઉભરાઈ હતી. મહાપ્રસાદનો લાભ લેવા માટે પડાપડી વધુ થાય તે પહેલાં સુચારું આયોજન કરવામાં આવ્યું હતું.