ખાડીપાડા વિસ્તારમાં છેલ્લા ઘણાં દાયકાઓથી પાકો રોડ નહીં બન્યો હોવાની ઉઠેલી ફરિયાદઃ રોડના નિર્માણ માટે યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવા આપેલો સધિયારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા શ્રી સની ભીમરાએ ખરડપાડા ગ્રામ પંચાયતના ખાડીપાડા વિસ્તારની મુલાકાત લઈ ગામલોકોની સમસ્યાથી રૂબરૂ થયા હતા.
ખાડીપાડા વિસ્તારના ગામલોકોએ જણાવ્યું હતું કે, દાયકાઓથી તેઓ પાકા રસ્તાની રાહ જોઈ રહ્યા છે. પાકો રસ્તો નહીં હોવાથી વરસાદના સમયે પડતી તકલીફની જાણકારી પણ શ્રી સની ભીમરાને ગામલોકોએ આપી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ પણ વરસાદના સમયમાં શાળાએ જવા પડતી મુશ્કેલીનો ચિતાર પણ આપ્યો હતો.
યુવા નેતા શ્રી સની ભીમરાએ ગામલોકોની વાતો સાંભળી તેના નિરાકરણ માટે યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવાનો સધિયારો આપ્યો હતો. શ્રી સની ભીમરાની સાથે તેમની ટીમના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.