(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: રેડક્રોસ જિલ્લા દિવ્યાંગ પુનર્વાસ કેન્દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ ભાઈ-બહેનોને સાધન સામગ્રીનો લાભ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર તરફથી એડીઆઈપી સ્કીમ અંતર્ગત આપવામાં આવ્યા હતા. જેવા કે કુત્રિમ પગ, વ્હિલચેર, ટ્રાઈસીકલ, સહાયક ઉપકરણ ક્લીપર, લાકડી, હીયરીંગ એઈડ, અંધજન માટે બ્લાઈન્ડ સ્ટીક, માનસિક રીતે પછાત બાળકો માટે શિક્ષણ સંબંધી શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી. આ સમારોહમાં દિવ્યાંગજનોને 59 સાધન સામગ્રી આપવામાં આવેલ અને એના ઉપયોગ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ સમારોહમાં મુખ્ય અતિથિ આરડીસી સુશ્રી ચાર્મી પારેખ, શાળાના આચાર્ય જ્યોતિર્મય સુરે અને રેડક્રોસ જિલ્લા દિવ્યાંગ કેન્દ્રના કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું હતું. દિવ્યાંગ ભાઈ-બહેનો માટે વિવિધ પ્રકારના સહાયક યંત્ર અને ઉપકરણ રેડક્રોસ ડિસબિલિટી રિહેબિલિટેશન સેન્ટરમાં બનાવવામા આવે છે અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.દિવ્યાંગ વ્યક્તિઓની ઓળખ, તપાસ વિકલાંગતા પ્રમાણપત્ર અને ઓળખપત્ર અને ચિકિત્સાની સુવિધા દરરોજ ઉપલબ્ધ છે. કોઈપણ દિવ્યાંગ આ સંસ્થાનો લાભ લઈ શકે છે.