વરસાદ ચાલું હોવા છતાં દાતાઓએ મન મુકી રક્તદાન કર્યું : 100 જેટલા રક્તદાતાઓ રક્ત આપી ના શક્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ.ના સંયુક્ત ઉપક્રમે શનિવારે વી.આઈ.એ. પરિસરમાં મેગા રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક 541 યુનિટ રક્તદાન કરી શિબિરને સફળ બનાવી હતી. વરસતો વરસાદ હોવા છતાં છેક ચાર વાગ્યા સુધી દાતાઓનો પ્રવાહ ચાલું રહ્યો હતો. અંતે 100 જેટલારક્તદાતા વંચિત રહી ગયા હતા. રક્તદાન કેમ્પમાં હરીયા નુકેમ બ્લડ બેંક દ્વારા 238 યુનિટ અને લાયન્સ બ્લડ બેંક દ્વારા 303 યુનિટ એકત્રિત કરાયું હતું.
મહારક્તદાન શિબિરનું ઉદ્દઘાટન નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે થયું હતું. આ પ્રસંગે કનુભાઈએ જણાવ્યું હતું કે, વાપીમાં બ્લડની જરૂરીયાત વધુ છે તેથી મહેસાણા પ્રગતિ મંડળ જેવી અનેક સામાજીક સંસ્થાઓ પ્રતિ સપ્તાહે એકાદ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે. માનવતાની આ સેવા સરાહનીય છે. રક્તદાતાઓને સાવલા લેમિનેટ, એક્રા પેક પ્રા.લી., વેલ્સપન લી., પદમ પ્લાસ્ટીક, પ્રશાંત ડાયકેમ અને વેબોટ જેવી કંપનીઓએ રક્તદાતાને કીટ અર્પણ કરી હતી. શિબિરમાં વી.આઈ.એ પ્રમુખ સતિષ પટેલ, એડવાઈઝરી બોર્ડના એ.કે. શાહ, મિલનભાઈ દેસાઈ, બ્લડ ડોનેશન કમિટિ ચેરમેન કમલેશ પટેલ, પ્રગતિ મંડળના પ્રમુખ નરેન્દ્ર પટેલ, વી.આઈ.એ. મેમ્બર હેમંત પટેલ, વી.આર. પટેલ, ભગવાન અજબાની, મુન્ના શાહ, મેહુલ પટેલ સહિત મહેસાણા પ્રગતિ મંડળ વાપીના હોદ્દેદારો, મેમ્બર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.