તા.2 ઓકટોબરના રોજ યોજાનાર મહા સફાઈ અભિયાનમાં
જોડાવા સૌને આહવાન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.2 ઓક્ટોબરના રોજ જિલ્લાભરમાં મેગા સફાઈ અભિયાન હાથ ધરાનાર છે જે અંગે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ જણાવ્યું કે, સ્વચ્છતા હી સેવા અભિયાનનો હેતુ સ્વચ્છતા માટે મોટા ભાગે જનજાગૃતિ ફેલાવવાનો અને નાગરિકોની ભાગીદારી વધારવાનો છે. આ અભિયાન અંતર્ગત મહાસ્વચ્છતા અભિયાનો યોજાશે. જેમાં સફાઈ મિત્રોની મહેનત અને યોગદાનને પુરસ્કાર આપવામાં આવશે. છેલ્લા10 વર્ષમાં થયેલી સિધ્ધિઓનો ઉત્સવ મનાવવામાં આવશે અને સંપૂર્ણ સ્વચ્છતા માટે નવી પ્રતિબધ્ધતા દર્શાવવામાં આવશે. જેથી દેશ સ્વચ્છ અને આરોગ્યમય બની રહેશે. કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, સ્વચ્છતા હી સેવા અભિયાન ત્રણ મુખ્ય આધાર સ્તંભ પર આધારિત છે. જેમાં પ્રથમ કચરાના ઢગલા/ બ્લેક સ્પોટ/ શ્રમદાન પ્રવૃત્તિઓ, બીજો સ્વચ્છતામાં જન ભાગીદારી અને ત્રીજો સ્તંભ સફાઈમિત્ર સુરક્ષા શિબિર છે. જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો અને પાલિકા વિસ્તારમાં દરેક વોર્ડમાં તા.2 ઓકટોબરના રોજ વિવિધ સ્થળો ઉપર મહાશ્રમદાન થકી સફાઈ કરાશે. વાપી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં તમામ એકમોને પોતાના આસપાસના વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ આદરવા જણાવાયું છે. કલેકટરશ્રીએ સફાઈ અભિયાન માટે જાગૃતિ ફેલાવવા તમામ મીડિયા મિત્રો અને સોશિયલ મીડિયા મિત્રોને અનુરોધ કરી સ્વચ્છતાના આ મહાઅભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લો સ્વચ્છતા હી સેવાના સંકલ્પ સાથે કટિબધ્ધ છે. બીજી ઓક્ટોબરે જિલ્લાના તમામ પોલીસ મથકો, પોલીસ ચોકી અને હેડ કવાર્ટર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાશે, વિવિધ પોલીસ મથકો દ્વારા ગુનામાં જપ્ત થયેલા 1500 જેટલા ભંગાર વાહનો અને એનડીપીએસકેસમાં જપ્ત કરાયેલા મુદ્દામાલનો નિકાલ કરાશે. માત્ર એક દિવસ કે એક મહિનો નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન સફાઈ અભિયાન હાથ ધરવા સૌને અપીલ કરી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયાએ પીપીટી દ્વારા સમગ્ર અભિયાનની માહિતી પૂરી પાડતા જણાવ્યુ કે, સ્વચ્છતા હી સેવા અભિયાન એક વાર્ષિક કાર્યક્રમ છે. જે વર્ષ 2017થી મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ અભિયાન સ્વચ્છ ભારત દિવસ તરીકે પણ ઉજવાય છે. જે મહાત્મા ગાંધીજીના જન્મ દિવસે તા. બીજી ઓકટોબરના રોજ યોજવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશનની 10 મી વર્ષગાંઠની પણ ઉજવણી થશે. આ અભિયાન સ્વચ્છતા માટે લોકોની જનભાગીદારી અને સામૂહિક પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે. જેથી સ્વચ્છ અને સ્વસ્થ સમાજની રચના થઈ શકે છે.
વલસાડના પ્રાંત અધિકારી આસ્થા સોલંકીએ જણાવ્યું કે, આ સફાઈ અભિયાનમાં વલસાડની 22 એનજીઓ/ સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ રહી છે. જેઓ પાલિકા વિસ્તારના દરેક વોર્ડમાં લોકો સાથે સામેલ થઈ સફાઈ કરશે. નવરાત્રિના આયોજકો સાથે પણ બેઠક કરી તેઓને ગરબા પૂર્ણ થયા બાદ આસપાસના વિસ્તારમાં સફાઈ કરી પ્લાસ્ટીક છુટુ પાડી તેનો યોગ્ય નિકાલ કરવા માટે સમજ આપવામાં આવીછે.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ અને જિલ્લાના પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિકલ મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.