Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્‍સવ યોજાયો

કૃષિ ક્ષેત્રે નુકસાનને અટકાવવા નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા ખેડૂતોને શીખ આપતા મંત્રી કનુભાઈ દેસાઈ

24 કલાક વીજળી આપતું હોય એવું ગુજરાત ભારતનું એકમાત્ર રાજ્‍ય હોવાનું ગર્વભેર જણાવતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

સરકારની પ્રજાલક્ષી યોજનાના 30 સ્‍ટોલની મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ મુલાકાત લઈ ખેડૂતો સાથે પણ વાર્તાલાપ કર્યો: વિવિધ યોજનાઓના મંજૂરી પત્રો અને સહાય હુકમ લાભાર્થીઓને વિતરણ કરાયા, બેસ્‍ટ આત્‍મા ફાર્મર તરીકે ખેડૂતોનું મંત્રીશ્રીના હસ્‍તે સન્‍માન પણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નો વલસાડ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પારડીના મોરારજી દેસાઈ હોલમાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કૃષિનો વિકાસ ૧૦ ટકા ઉપર રહ્યો છે. ગુજરાત કૃષિ અને ઉદ્યોગમાં સમૃધ્ધ રહ્યું છે. ખેડૂતોએ જમીનમાં બિયારણ કયુ વાપરવુ, ખાતર કયુ વાપરવુ, જમીનની ફળદ્રુપતા કેવી છે? તેની માહિતી મળી રહે તે માટે ગામડે ગામડે જઈ સોઈલ હેલ્થ કાર્ડના લાભ ખેડૂતોને જણાવ્યા હતા, નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટીના કારણે ગુજરાતમાં ડેરી ઉદ્યોગ પણ ફૂલ્યો ફાલ્યો છે, દૂધ મંડળીનું સંચાલન કરી બહેનો આત્મનિર્ભર બની રહી છે.
મંત્રીશ્રીએ અનાજ વિશે કહ્યું કે, કોરોના કાળથી છેલ્લા ૩ વર્ષથી એનએફએસએ રેશન કાર્ડ ધારકોને નિઃશુલ્ક અનાજ મળે છે અને આગામી સમયમાં પણ મળતુ રહેશે તેવી જાહેરાત વડાપ્રધાનશ્રીએ કરી છે. જેના પરથી એવુ સ્પષ્ટ કહી શકાય કે, આપણો દેશ કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. જેના થકી ફ્રીમાં અનાજ પુરી પાડવામાં સફળતા મળી રહી છે. કૃષિ ક્ષેત્રે થતુ નુકસાન અટકાવવા માટે આવી રહેલી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો આત્મનિર્ભર બની રહ્યા છે. ડ્રોન ટેક્નોલોજીથી નેનો યુરિયાના ઓછામાં ઓછા છંટકાવથી વધુ સારી રીતે ખેતી કરી શકાય છે. દેશની વસ્તી વધી રહી છે ત્યારે ખેડૂતોએ અનાજનું ઉત્પાદન વધારવુ અનિવાર્ય બન્યુ છે. અનાજની તંગી વર્તાઈ તે પહેલા ખેડૂતોએ સજ્જ રહેવુ જોઈએ.
ખેડૂતોના વિકાસ માટે સરકાર દ્વારા થતી કામગીરી અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ગંગા નદીના પાંચ કિમી સુધીના બંને કિનારે પ્રાકૃતિક ખેતી કરાશે એવી જાહેરાત કરી છે. પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની જરૂરીયાત છે. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈએ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને પ્રતિ વર્ષ રૂ. ૬૦૦૦ની સહાય સીધા બેંક ખાતામાં મળે છે. નર્મદા નદીના પાણી છેક કચ્છ સુધી પહોંચાડતા કચ્છ સમૃધ્ધ બન્યુ છે. ગુજરાત સરકારે પાણીની સાથે વીજળીની સમસ્યા પણ હલ કરી છે. ૨૪ કલાક વીજળી આપતુ હોય એવુ ગુજરાત ભારતનું એકમાત્ર રાજ્ય છે. વીજળી અને ખાતરમાં ખેડૂતોને સબસિડી પણ મળે છે.
આ મહોત્સવમાં ખેતીવાડી, પશુપાલન અને બાગાયત ખાતાની યોજનાઓના મંજૂરી પત્રો અને સહાય હુકમ ૧૨ લાભાર્થીને વિતરણ કરાયા હતા. જ્યારે આત્મા પ્રોજેક્ટ દ્વારા ૭ ખેડૂતોનું બેસ્ટ આત્મા ફાર્મર તરીકે મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય કેમ્પ, સેવાસેતુ તેમજ સહકારી પ્રવૃત્તિઓની રૂપરેખા ખેડૂતોને આપવામાં આવી હતી. સરકારની પ્રજાલક્ષી યોજનાના વિવિધ ખાતાના ૩૦ સ્ટોલની મંત્રીશ્રીએ મુલાકાત લઈ ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. ઉપસ્થિત સૌએ અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું. કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસ, સ્માર્ટ ફોન, ડ્રોન ટેકનોલોજી અને સરકારની યોજનાનું મહત્વ દર્શાવતી ફિલ્મ લોકોએ નિહાળી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલ અને પારડી તાલુકા સંગઠનના પ્રમુખ મહેશભાઈ દેસાઈ સહિત પદાધિકારી- અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરસિયાએ કર્યું હતું. આભારવિધિ મદદનીશ ખેતી નિયામક સુનિલ પટેલે કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંબાચ પ્રાથમિક શાળાના શિક્ષક જગદીશભાઈ આર.પટેલે કર્યુ હતું.

ઝાડ પરથી પડેલુ પાંદડુ ખાતરમાં પરિણમે છે પણ પ્લાસ્ટીક ૧૦૦ વર્ષે પણ તેવુ જ રહેવાથી નુકસાન કરે છે

કોલકના પ્રગતિશીલ ખેડૂત અમિતભાઈ મકરાણીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, પ્રકૃતિનો નિયમ છે કે, પાંદડુ ઝાડ પરથી પડે તો તે ખાતરમાં પરિણમે છે પણ માણસે બનાવેલું પ્લાસ્ટિક ૧૦૦ વર્ષ પછી પણ તેમનું તેમ જ રહે છે. પ્રકૃતિ સાથે જોડાવવું હવે અનિવાર્ય બન્યું છે કારણ કે રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ખેતરમાં પોષક તત્વનું કામ અળસિયા કરે છે પણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરી ખેડૂતના મિત્ર ગણાતા અળસિયાનો નાશ થઈ રહ્યો છે. જેથી ચેતી જવાની જરૂર છે, પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની સાથે ખેડૂત પણ સમૃદ્ધ બની રહ્યો છે.

Related posts

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

કરમખલ-પીપરીયામાં રેસિડેન્‍ટ સ્‍કીમ ચાલુ કરી ફલેટ ધારકોના કરોડો ચાઉ કરનાર બિલ્‍ડરની ધરપકડ

vartmanpravah

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં રંગોળી, પ્રશ્નોતરી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ-દીવ લોકસભા ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વરકુંડ ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી ભાજપને વોટ આપવા લોકોને કરેલી અપીલ

vartmanpravah

Leave a Comment