સ્થાનિક આગેવાનો દ્વારા પાયાનું કામ નવેસરથી કરવાની માંગ કરવામાં આવી![](https://newsreach-publishers.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/01/IMG_20240108_103622.jpg)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: તાલુકાના ફડવેલ ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં સમગ્ર શિક્ષા રૂપિયાના ખર્ચે આઠ જેટલા ઓરડાઓનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સમગ્ર શિક્ષા અભિયાનના ટીઆરપી, ડીપીઈ સહિતના ટેક્નિકલ સ્ટાફની પૂરતી દેખરેખના અભાવે કોન્ટ્રાકટરને મોકળું મેદાન મળી જતા એસ્ટીમેટ ડિઝાઈનની જોગવાઈની ઐસી તૈસી કરી આડેધડ કામ કરી નકરી વેઠ ઉચારવામાં આવી રહી છે.
ફડવેલની મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામ સાથે એટેચ શૌચાલયની જોગવાઈ હોય એ શૌચાલયના પાયાનો ભાગ સદંતર બેસી જવા પામ્યો છે. આમ તો પીસીસી કર્યા બાદ તેના ઉપર બીમ નાંખવાનો હોય છે. પરંતુ જે ભાગ બેસી ગયો છે. અને કોન્ક્રીટમાં ઠેર ઠેર તિરાડ પડતા જે નર્યો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે તે ખરેખર પાયાનું પીસીસી છે કે પછી પીસીસીને જ બીમમાં ખપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ફડવેલ પ્રાથમિક શાળામાં બાંધકામના સ્થળે એસએમસીના પ્રમુખ રાકેશભાઈશિક્ષણવિદ જયેશભાઈ સહિતના પચાસથી વધુ સ્થાનિક આગેવાનો ધસી આ તકલાદી બાંધકામ દૂર કરી નવેસરથી કામ કરવા માટે ઈજારદારના પ્રતિનિધિને જણાવ્યું હતું કે શિક્ષણના ધામમાં પણ આ પ્રકારે ગેરરીતિ આચરવામાં આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાઈ જવા પામ્યો હતો. નોંધનીય છે કે થોડા સમય પહેલા પણ સ્થાનિક જિલ્લા પંચાયત સભ્ય એસ.કે.પટેલ તાલુકા સભ્ય મહેશભાઈ સરપંચ પતિ હરીશભાઈ સહિતનાઓએ મુલાકાત કરી હતી. અને બીમ કોલમમાં ડિઝાઈન મુજબ સળીયાનો ઉપયોગ ન કરાતો હોવાની ફરિયાદ કરી રેતી હલકી કક્ષાની જણાતા તે બદલાવી હતી. તેમ છતાં પણ સુપરવિઝન કરનારા ઈજનેરો અને કોન્ટ્રાકટર દ્વારા તકેદારી ન રખાતા ફરી પાયો બેસી જવાનો પ્રશ્ન ઉપસ્થિત થવા પામ્યો છે.