સવારે 9 કલાકે ડીએસપી કચેરીથી પદયાત્રા નીકળશે, જેમાં પોલીસ બેન્ડ સાથે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ જોડાશે
સવારે 10-30 કલાકે મોંઘાભાઈ હોલ ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં રૂા. 70.71 કરોડના 371 કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ,તા.10: નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને રાષ્ટ્રીય શાસન હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીની ગૌરવશાળી સફરના 23 વર્ષ પૂર્ણ થતા સફળ અને સક્ષમ નેતૃત્વની વિકાસ સપ્તાહ હેઠળ રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે તા. 11 ઓક્ટોબરના રોજ સવારે 9 કલાકે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીથી વિકાસ પદયાત્રા-2024નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પદયાત્રા એસપી કચેરીથી નીકળી હાલર ચાર રસ્તાથી આઝાદ ચોક થઈ મોઘાભાઈ હોલ ખાતે પૂર્ણ થશે. જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ પોલીસ બેન્ડ સાથે જોડાશે. ત્યારબાદ સવારે 10-30 કલાકે મોઘાભાઈ હોલ ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી અને પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રૂા. 70.71 કરોડના કુલ 371 વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદસભ્યશ્રી ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અનેધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.