છીપવાડ-મોગરાવાડી અંડરપાસ બંધ થઈ જતા હાઈવે પહોંચવાનો એક માત્ર વિકલ્પ લીલાપોર પુલ છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: પાછલા બે-ત્રણ દિવસથી વલસાડ જિલ્લામાં નોનસ્ટોપ મેઘરાજા ધનાધન બેટીંગ કરી રહ્યા છે. પરિણામે ઠેર ઠેર રોડ રસ્તા, ગરનાળા, પુલ પણ ચોમેર ઉભરાઈ રહ્યા છે. વલસાડ લીલાપોર-સરોધીને જોડતો પુલ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. તેમ છતાં અન્ય કોઈ વિકલ્પ નહિ હોવાથી વાહન ચાલકો, રાહદારીઓ જીવના જોખમે લીલાપોર-સરોધી પુલનું ક્રોસીંગ કરવા લાચાર બની રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી આ સમસ્યાનો સામનો પ્રજા કરી રહી છે છતાં સરકાર કે તંત્ર પ્રજાને જરૂરી એવી સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ રહી હોવાનો કકળાટ હાલમાં પ્રચુર માત્રામાં વર્તાઈ રહ્યો છે.
વલસાડશહેરથી હાઈવે પહોંચવા માટે છીપવાડ, મોગરાવાડી રસ્તાનો ઉપયોગ થાય છે. પરંતુ વરસાદને લઈ આ અંડરપાસમાં પાણી ભરાઈ જતા બંધની સ્થિતિમાં મુકાઈ ચૂક્યા છે તેથી લોકો હાઈવે પહોંચવા માટેને એકમાત્ર વિકલ્પ લીલાપોર સરોધી પુલનો ઉપયોગ કરવા લાગ્યા હતા ત્યાં બે દિવસના વરસાદથી આ પુલ પર પણ પાણી ફરી વળતા હવે કાપરી ફાટક થઈને હાઈવે જવાની કપરી સ્થિતિ ઉભી થવા પામી છે. અલબત્ત સરકારી તંત્ર-એમ.પી.એસ.એલ.એ કોઈના પેટનું પાણી હાલતું નથી. પ્રજાને મુશ્કેલીમાં ધકેલી દીધી છે.