લોકલ સ્થાનિક વાપી, પારડી, વલસાડ દમણના વ્હિકલો ઉપર પણ
તા.5 ડિસેમ્બરથી ટોલ અમલ થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: નેશનલ હાઈવે 48 બગવાડા ટોલ પ્લાઝા ઉપર વિવિધ વાહનો ઉપર 40 ટકા ઉપરાંત ટોલ ટેક્ષનો વધારો ઝીંકાયો છે. ગત તા.25 થી જેનો અમલ શરૂ થઈ ગયો હતો. બગવાડા સહિત નવસારી, કામરેજ, સુરત હાઈવે ટોલ ટેક્ષમાં સાથે સાથે વધારો જાહેર કરાયો છે. તેથી વાહનચાલકો ઉપર વધુ આર્થિક બોજો પડવાનો શરૂ થઈ ચૂક્યો છે.
બગવાડા ટોલ પ્લાઝા આશિર્વાદ સ્માર્ટ લીંક નામની એજન્સી ચલાવી રહેલ છે. એજન્સીના મેનેજર શૈલેષ પટેલના જણાવ્યા અનુસાર કાર ઉપર રૂા.125 ની જગ્યાએ રૂા.185 એ પ્રમાણે ગુડ્ઝ વ્હિકલ માટે 200ની જગ્યાએ 300 રૂા. બસ માટે 420ની જગ્યાએ 630, થ્રિ એક્સલ વ્હિકલ માટે 400 ના સ્થાને 685 રૂા., મશીનરી વ્હિકલ ઉપર 655 ની જગ્યાએ 985 રૂા. તેમજ ઓવર સાઈઝ લોડ વ્હિકલ ઉપર 800ની જગ્યાએ 1200 રૂા. ટોલ ટેક્ષનો વધારો ઝીંકાયો છે. જે સરેરાશ 40 ટકા વધારાનો બોઝ વાહન ચાલકો ઉપર ટોલ ટેક્ષનો પડશે. જેનો અમલ ગત તા.25 નવેમ્બરથી શરૂ થઈ ગયો છે. જો કે ટોલટેક્ષ અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશન સહિત સૌને અગાઉથી જાણ કરાઈ હતી. આ ટોલટેક્ષનો વધારો દોઢ-મહિના પહેલા થવાનો હતો પરંતુ સાંસદ ધવલ પટેલની દરમિયાનગીરી બાદ જે તે સમયે ટોલ વધારો અટકાવાયો હતો. નવા ટોલટેક્ષના વધારાના સંદર્ભે સાંસદ ધવલ પટેલ હાઈવે મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરવાના છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. રજૂઆત બાદ સંભવત કંઈ ફેરફાર આવવાની શક્યતા જોવાઈ રહી છે. હાઈવે ઓથોરિટીને ટોલ ટેક્ષ વધારવાનું શુરાતન ચઢે છે તેવી દક્ષતા હાઈવે મરામત અને સાર સંભાળમાં કોઈ જોવા કેમ નથી મળતી. જિલ્લામાંડુંગરીથી ભિલાડ સુધી હાઈવે ઉપર ખાડાઓની ભરમાળ છે. અસંખ્ય અકસ્માત વારંવાર સર્જાયા છે. અનેક નિર્દોષોના જીવ ગયા છે તે હાઈવે ઓથોરિટીને દેખાતું નથી. માત્ર ટોલટેક્ષનો વધારો ઝીંકવાનું દેખાયું છે. બીજી મુશ્કેલીએ ઉભી થવાની છે કે સ્થાનિક વાપી, પારડી, વલસાડ, દમણના વ્હિકલો ઉપર પણ આગામી તા.5 ડિસેમ્બરથી ટોલટેક્ષ વિરૂધ્ધ લોક જુવાળ અને આંદોલન થાય છે તેવા ભણકારા વાગી રહ્યા છે.